Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ખેરડીમાં પૂરવઠાની ટીમ ઉપર કૂતરા દોડાવાતા ઘેરા પડઘાઃ અહીં ૪૫ લાખનો માલ સીઝ કરાયો

મારૂતિ પેટ્રોલીયમમાં જૂનો માલ સીઝ કરાયો તે સામે ડીએસઓ દેસાઈની સાફ વાત.. એવી કોઈ વાત નથી.. ટાંકા ધમધમતા'તાઃ ૫ દિ' પહેલાના બીલો મળ્યા છે...

રાજકોટ, તા. ૧૮ :. રાજકોટ જિલ્લા પૂરવઠા તંત્ર અને તાલુકા મામલતદારની ટીમોએ ગઈકાલે મોડી સાંજ બાદ ત્રણ સ્થળે ગેરકાયદે બાયોડીઝલના વેચાણ સામે દરોડા પાડી ૧ કરોડ ૭૧ લાખનો મુદ્દામાલ સીઝ કરી આજ સુધીની સૌથી મોટી સફળતા હાંસલ કરી છે. આ બાબતે કલેકટરને રીપોર્ટ પણ કરી દેવાયો છે.

દરમિયાન ખેરડી ગામે બી.એન. પેટ્રોલીયમમા પૂરવઠા ઈન્સ્પેકટર શ્રી કિરીટસિંહ ઝાલા અને તેમની ટીમે દરોડો પાડયો ત્યારે ત્યાં હાજર ચોકીદાર કે અન્ય કોઈ જવાબદારે ત્રણ ખૂંખાર કૂતરા પૂરવઠાની ટીમ ઉપર છોડી મૂકતા અને દોડાવાતા ભારે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાના ઘેરા પડઘા પડયા છે. જો કે કિરીટસિંહ ઝાલાએ 'અકિલા'ને જણાવ્યુ હતુ કે કૂતરા અમારા ઉપર છોડી મૂકયા પરંતુ અમારી ટીમ ત્યાં જ ઉભી રહી હતી. ચોકીદારને કડક ભાષામાં કહેતા કૂતરાને બાંધી દેવાયા હતા. બાદમાં પૂર્વેશ પટોડીયાની ટીમે બી.એન. પેટ્રોલીયમમાં રેડ પાડી બે ટેન્કર સીઝ કરી કુલ ૪૫ લાખનો જથ્થો કબ્જે લેવાયો છે.

દરમિયાન અમદાવાદ હાઈવે ઉપર ભરત રામાણીના મારૂતિ પેટ્રોલીયમમાં દરોડા દરમિયાન ૧ લાખ ૧૦ હજાર લીટર જથ્થો સીઝ કરાયો અને આ જથ્થો ૨૦૧૯મી સાલનો જીએસટીએ સીઝ કરેલ જથ્થો હોવાનું ભરત રામાણીએ જણાવતા તે સામે ડીએસઓ શ્રી દેસાઈએ વિરોધ વ્યકત કરી 'અકિલા'ને જણાવ્યુ હતુ કે આવી કોઈ વાત જ નથી, બે વર્ષ જૂનુ બાયોડીઝલ કે કેમીકલ પાર્ટીએ રાખ્યુ જ નથી, તેને ત્યાં ટાંકા ધમધમતા નજરે પડયા છે. અરે ૫ દિવસ પહેલાના બીલો પણ નીકળી પડયા છે અને જીએસટીએ એનુ કામ કર્યુ છે, અમે અમારૂ કામ કર્યુ છે. આ બાબતે કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે.

(3:49 pm IST)