Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ફીટ ઇન્ડીયા મુવમેન્ટઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ-પોલીસમેન હરશ્યામસિંહ ઝાલા બેડમીંટન ચેમ્પીયન

એસીપી ટંડેલ-પીઆઇ વિરલ ગઢવીની જોડીને ર૧-૧૩, ર૧-૧પ થી હરાવી

રાજકોટઃ ફીટ ઇન્ડીયા મુવમેન્ટ અંતર્ગત છેલ્લા ૪ દિવસથી યોજાયેલા રાજકોટ પોલીસ રમોત્સવના અંતિમ દિવસે આજે રેસકોર્ષ ઇન્ડોર સ્ટેડીયમ ખાતે યોજાયેલા બેડમીંટન ટુર્નામેન્ટના મેચમાં શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને પોલીસમેન હરશ્યામસિંહ ઝાલાની જોડી ચેમ્પીયન બની હતી. આ જોડીએ તેમના પ્રતિસ્પર્ધી  એસીપી એસ.આર.ટંડેલ અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વિરલ કે.ગઢવીની જોડીને ર૧-૧૩, ર૧-૧પથી પરાજય આપ્યો હતો. આ તકે પોલીસ કમિશ્નર અગ્રવાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરીત ફીટ ઇન્ડીયા મુવમેન્ટને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ આગળ ધપાવી રહયા છે અને રાજયમાં રમત-ગમતનો વિકાસ થાય તે માટે મહત્વનો ફાળો આપી રહયા છે. રાજય સરકારના કર્મચારીઓને પણ આ મુવમેન્ટ અંતર્ગત  કસરત અને યોગ થકી સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા અવારનવાર પ્રોત્સાહીત કરી રહયા છે. ફીટ ઇન્ડીયા મુવમેન્ટ અંતર્ગત જ છેલ્લા ૪ દિવસથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને ઇન્ડોર સ્ટેડીયમ ખાતે જુદી-જુદી ગેઇમ્સ અને પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કર્મચારીઓની સાથે-સાથે પોલીસ અધિકારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઇ રમત-ગમતનો અનેરો માહોલ સર્જી દીધો હતો. તસ્વીરમાં આજે યોજાયેલા બેડમીંંટન ટુર્નામેન્ટના પોલીસ કમિશ્નર અગ્રવાલ-પોલીસમેન હરશ્યામસિંહ ઝાલા  v/s એસીપી એસ.આર.ટંડેલ-પીઆઇ ગઢવીના મેચને રસપુર્વક નિહાળી રહેલા ડીસીપી ઝોન-ર શ્રી મનોહરસિંહ જાડેજા, ડીસીપી ઝોન-૧ શ્રી પ્રવિણકુમાર મીણા અને એસીપી ક્રાઇમ ડી.વી.બસીયા સહીતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીગણ નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા) 

(2:51 pm IST)