Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ઈશ્વરીયા પાર્ક ધોળો હાથી સમાન : કલેકટર તંત્ર આખો પાર્ક કલાયમેન્ટ ચેઈન્જ ડીપાર્ટમેન્ટ કે પ્રવાસનને સોંપી દેવા દરખાસ્ત કરશે

બે વર્ષથી મેળો બંધ છે..તંત્રને ૪ કરોડની નુકશાનીઃ હાલ દર મહિને ૮ લાખનો ખર્ચ : સામે આવક માંડ ૨ લાખઃ પાર્ટીપ્લોટ, કલબ હાઉસ, ગ્રામ હાર્ટ, ચિલ્ડ્રન પાર્ક વિગેરે માટે ૩ થી ૪ કરોડની જરૂરીયાત

રાજકોટ, તા. ૧૮ :. રાજકોટ કલેકટર તંત્રે ઘંટેશ્વર પાસે અને વિખ્યાત ઈશ્વરીયા મહાદેવ મંદિર નજીક ૨૦થી વધુ એકર જગ્યા ઉપર ૧૦ વર્ષ પહેલા વિખ્યાત ઈશ્વરીયા પાર્ક બનાવ્યો છે. લાખો લોકોએ આ ફલાવર વેલી ગાર્ડનની મુલાકાત લીધી છે, પરંતુ હવે કલેકટર તંત્ર આ ઈશ્વરીયા પાર્કમાં ડેવલપ માટે હાંફી ગયું હોય અને તંત્ર માટે અત્યંત ખર્ચાળ એવો ધોળા હાથી સમાન સાબીત થઈ રહ્યો હોય અન્ય કોઈ સંસ્થા કે સરકારી કચેરી-નિગમને સોંપી દેવા અંગે કલેકટર તંત્ર ગંભીરતાથી વિચારી રહ્યુ છે અને તે માટે સરકારમાં ટૂંકમાં જ દરખાસ્ત કરશે તેમ વિશ્વસનીય સાધનો ઉમેરી રહ્યા છે.

ઈશ્વરીયા પાર્કમાં પાર્ટી પ્લોટ, કલબ હાઉસ, ગ્રામહાર્ટ-ફી-ઈમેજીંગ, ચિલ્ડ્રન પાર્ક તથા અન્ય અદ્યતન વિકાસ અંગે તાજેતરમાં સર્વે કરાયો, કલેકટરે મીટીંગ યોજી તો તેમા ૩ થી ૪ કરોડની જરૂરીયાત પડે તેવો નિર્ણય વ્યકત કરાયો હતો.

કલેકટર તંત્ર માટે રાજકોટનો લોકમેળો એ એક જબરી આવકનું સાધન છે. લોકમેળો આ વર્ષે પણ કેન્સલ થયો છે. સતત બે વર્ષથી મેળો કેન્સલ થતા તંત્રને ૪ કરોડની જબરી ખોટ ગઈ છે. લટકામાં હજુ સાયન્સ સીટીનું ટૂંકમાં લોકાર્પણ થવાનુ છે, હાલ ઈશ્વરીયા પાર્કની જાળવણી પાછળ દર મહિને ૮ લાખનો તંત્રને ખર્ચ થાય છે તે સામે તંત્રને બોટીંગ, ટીકીટ અને અન્ય આવક સાથે મહિને માંડ ૨ થી ૨ાા લાખ આવે છે. દર મહિને ૫ થી ૬ લાખની નુકશાની થઈ રહી છે. પરિણામે કલેકટર તંત્ર આ આખો પાર્ક સરકારના અન્ય ડીપાર્ટમેન્ટને સોંપી દેવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યુ છે. આમા કલાયમેન્ટ ચેઈન્જ ડીપાર્ટમેન્ટ, પીપીપી ધોરણે વિકાસ અથવા તો પ્રવાસન નિગમને સોંપી દેવા અંગે કલેકટર તંત્રમાં દરખાસ્ત તૈયાર થઈ ગઈ છે. કલેકટર હવે આ બાબતે સરકારમાં વિધિવત દરખાસ્ત, ૩ થી ૪ કરોડની જરૂરીયાત (ખર્ચ માટે) વિગેરે બાબતે જાણ કરશે તેમ ટોચના સૂત્રો ઉમેરી રહ્યા છે.

(2:50 pm IST)