Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

જન્માષ્ટમી સુધીમાં સૌની યોજનાથી આજી-ન્યારી ભરવાનું શરૂ : પ્રદિપ ડવ

રાજકોટવાસીઓ પાણીની ચિંતા છોડેઃ વિજયભાઇનું અભય વચન : આજી-ન્યારી માટે ૩૩પ એમ.સી.એફ.ટી. નર્મદા જળ સૌની યોજના મારફત આપવા મ્યુ. કમિશ્નર અમિત અરોરા દ્વારા સિંચાઇ સચિવને પત્ર પાઠવાશે

રાજકોટ તા. ૧૮ :.. ચોમાસુ હવે મધ્યમાં પહોંચ્યું છે. ધોરી મહીનો ગણાતાં અષાઢ માસમાં પણ જોઇએ તેવો વરસાદ નથી પડયો અને વરસાદ ખેંચાયો છે.  ત્યારે હવે જો  સારો વરસાદ ન થાય અને આજી ડેમમાં જોઇએ તેટલી માત્રામાં નવા પાણીની આવક નહી થતાં સરકાર પાસે વધુ એક વખત નર્મદા નીર માંગવા પડયા છે. તેમ મ્યુ. કમિશનર અમિત અરોરાએ પાણીની ચિંતા કરતાં જણાવ્યું હતું. દરમિયાન મેયર પ્રદિપભાઇ ડવે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટને સૌની યોજનામાંથી જરૂર મુજબનું પાણી આપવામાં આવશે. તેથી રાજકોટવાસીઓ પાણીની ચિંતા દોડી દયે.

આ બાબતે મેયર પ્રદિપભાઇ ડવે ત્થા મ્યુ. કમિશનરશ્રીએ  જણાવ્યું હતું કે હાલમાં આજી ડેમમાં ૩પ૦ એમ. સી. એફ. ટી. ન્યારીમાં ૬૧પ એમ. સી. એફ. ટી. અને ભાદર ડેમમાં ૧પ૭૬ એમ. સી. એફ. ટી. જળ જથ્થો ઉપલબ્ધ છે.

એ હીસાબે રાજકોટમાં દરરોજ ર૦ મીનીટ પાણી વિતરણ કરીએ તો તો આજીમાં ૧૦ સપ્ટેમ્બર સુધીનું અને ન્યારી-ભાદરમાં  ડેમનું પાણી નવેમ્બર સુધી ચાલે તેમ છે.

આથી વરસાદ પડે અને ત્રણેય ડેમમાં નવા પાણીની ધોધમાર આવક થાય તે જરૂરી છે.દરમિયાન વરસાદ ખેંચાતાં આજી ડેમની પરિસ્થિતિ કટોકટી ભરી છે હવે અઠવાડીયા પછી આજીમાં સૌની યોજના મારફત નર્મદા નીર ઠાલવવા જરૂરી બને તેમ છે એટલે આ મુજબનું પ્લાનીંગ તૈયાર કરાયું છે.

મેયરશ્રીનાં જણાવ્યા મુજબ સંભવત આગામી રપ ઓગસ્ટ એટલે કે સાતમ-આઠમનાં તહેવારો દરમિયાન જન્માષ્ટમી સુધીમાં રાજકોટને સૌની યોજનામાંથી પાણી આપવાનું શરૂ થઇ જશે. હાલ ૩૩પ એમ. સી. એફ. ટી. જેટલા નર્મદા નીરની માંગણી  કરાઇ છે. એ મુજબ રાજકોટને સૌની યોજનાનું પાણી અપાશે. સૌ પ્રથમ આજી ડેમમાં નર્મદા નીર ઠલવાશે ત્યારબાદ જરૂર પડયે ન્યારી-૧ માં નર્મદા નીર ઠલવાશે.

નોંધનીય છે કે રાજકોટને ૩૩પ એમ. સી. એફ. ટી. જળ જથ્થો સૌની યોજના મારફત આપવા મ્યુ. કમિશનર અમિત અરોરાએ રાજયનાં સિંચાઇ વિભાગનાં સચિવશ્રીને પાઠવી દીધો છે. જે અનુસંધાને હવે રાજકોટને રપ ઓગસ્ટ આસપાસ નર્મદાનું પાણી મળવા લાગશે.

અત્રે એ પણ નોંધનીય છે કે અગાઉ જૂલાઇ મહીનામાં આજી-૧ માં ૧૪૮ એમ. સી. એફ. ટી. અને ન્યારી-૧ માં ૯ર એમ. સી. એફ. ટી. જળ જથ્થો સૌની યોજના મારફત ઠલવયો હતો. (પ-રર)

ન્યારી-ર નું પાણી શુધ્ધ કરવાનો વિકલ્પ અપનાવાય તો રાજકોટને ૧ નવો ડેમ મળી જાય

ડેમ પાસેે ગંદા પાણીની અલગ પાઇપ લાઇન નાખવામાં આવે તો ડેમ શુધ્ધ થઇ જશે

રાજકોટ : શહેરને હવે આજી-ન્યારી ઉપરાંત વધારાનાં એક ડેમનો નવો જળ સ્ત્રોત ઉભો કરવો પડે તેમ છે. આ માટે ન્યારી-ર ડેમ અત્યંત ઉપયોગી થઇ શકે તેમ છે. કેમ કે અગાઉ અછત વખતે ન્યારી-(ર) માંથી પાણી લેવાયુ હતું.

પરંતુ ત્યારબાદ આ ડેમનું પાણી દુષીત થતાં માત્ર સિંચાઇ માટે અપાય છે. દરમિયાન આ ડેમને દુષિત થતો રોકવા ડેમ પાસે ગંદા પાણીની એક પાઇપ લાઇન અલગથી નાખવામાં આવે તો ડેમનું પાણી દુષીત થતુ બંધ થાય અને ન્યારી-(ર) ડેમનું પાણી પીવાલાયક થઇ શકે તેથી રાજકોટને વધુ એક નવો જળસ્ત્રોત મળી શકે તેમ છે. નોંધનીય છે કે આ બાબતે અગાઉનાં વોટર વર્કસ ચેરમેન કેતનભાઇ પટેલે જે તે વખતે સિંચાઇ વિભાગનું પણ ધ્યાન દોર્યુ હતું.

(2:49 pm IST)