Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

કેવડાવાડીમાં નિતીન મેવાડાની ટોળકીનો રાતે આતંકઃ વકિલબંધુ, તેના માતા, કાકા, ભાઇઓ મળી ૭ ઘવાયા

ઘર પાસે બંટી અને લાલો ગાળો બોલતાં હોઇ ના પાડતાં જતાં રહ્યા પછી નિતીન સહિત ૯ જણાને લાવી ધારીયા-ધોકાથી હુમલો : ઘર પાસે રાત્રે બંટી અને લાલો ગાળો બોલતાં હોઇ ના પાડતાં જતાં રહ્યા પછી નિતીન સહિત ૮ જણાને સાથે લાવી ધારીયા-ધોકાથી હુમલો : હુમલાખોરોને તત્કાલ ઝડપી લઇ આકરી પુછતાછ કરવા બાર એસોસિએશન રજૂઆત કરશે

તસ્વીરમાં હુમલામાં ઘાયલ થયેલા વકિલ બંધુ કલ્પેશભાઇ મૈયડ, મનોજભાઇ મૈયડ, તેમના કાકા દિનેશભાઇ મૈયડ અને પિત્રાઇ ભાઇ નજરે પડે છે

રાજકોટ તા. ૧૮: કેવડાવાડીમાં મોડી રાતે ઘર પાસે ગાળો બોલી રહેલા બે શખ્સોને અહિ રહેતાં એડવોકેટએ દૂર જવાનું કહી સમજાવતાં બંને માથાકુટ કરી જતાં રહ્યા બાદ થોડીવાર પછી નિતીન મેવાડા સહિત બીજા આઠ જણાની ટોળકી સાથે આવી એડવોકેટને ગાળો ભાંડી તેના પર ધોકા-ધારીયાથી હુમલો કરતાં તેને બચાવવા માટે દોડી આવેલા તેમના વકિલ ભાઇ, માતા, કાકા, પિત્રાઇ ભાઇઓ દોડી આવતાં તેમને પણ આડેધડ ધોકા-ધારીયાથી ઇજાઓ કરી આતંક મચાવાયો હતો. બનાવને પગલે વિસ્તારના લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. વકિલ ભાઇઓ સહિત સાતને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પોલીસે ૧૦ જણાની ટોળકી સામે ગુનો નોંધ્યો છે.

હુમલામાં કેવડાવાડી-૬/૨૧ના ખુણે રહેતાં એડવોકેટ કલ્પેશભાઇ બટુકભાઇ મૈયડ (ઉ.વ.૪૦), તેના ભાઇ એડવોકેટ મનોજભાઇ બટુકભાઇ મૈયડ (ઉ.વ.૩૭), માતા જીવુબેન બટુકભાઇ મૈયડ (ઉ.વ.૬૫), કાકા દિનેશભાઇ વલ્લભભાઇ મૈયડ (ઉ.વ.૫૪), કોૈટુંબીક ભાઇ આશિષ દિનેશભાઇ મૈયડ (ઉ.વ.૩૩), મોહિત દિનેશભાઇ મૈયડ (ઉ.વ.૨૬) તથા જયદિપ દિનેશભાઇ મૈયડ (ઉ.વ.૩૦)ને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

ભકિતનગર પોલીસે હોસ્પિટલે પહોંચી એડવોકેટ કલ્પેશભાઇ મૈયડની ફરિયાદ પરથી કેવડાવાડી વિસ્તારના નિતીન મેવાડા, રાહુલ મેવાડા, મુન્નો ચાવડા, ચીકુડો મેવાડા, દીપો મેવાડા, બંટી લોહાણા, લાલો તથા નિતીન મેવાડાના બે ભાઇઓ સામે આઇપીસી ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ (૧) મુજબ ગેરકાયદે મંડળી રચી હુમલો કરવા અંગે ગુનો નોંધ્યો હતો.

એડવોકેટ કલ્પેશભાઇ મૈયડે જણાવ્યા મુજબ રાત્રીના સવા બારેક વાગ્યે અમારા ઘર પાસે બંટી અને લાલો ગાળો બોલતાં હોઇ અને બૂમ બરાડા કરતાં હોઇ જેથી મેં તેને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં બંને ચડભડ કરી જતાં રહ્યા હતાં. થોડીવાર પછી તે નિતીન મેવાડા સહિત બીજા આઠ જણાને લઇને આવ્યા હતાં અને મને બહાર નીકળવાનું કહી ગાળો ભાંડી હતી. તેમજ નિતીને ધારીયાનો ઘા માર પર કરી લદેતાં હાથની આંગળીમાં ઇજા થઇ હતી.

મારા કુટુંબીજનો બચાવવા આવતાં તેમના પર પણ ઘા થયા હતાં. જેમાં મારા કાકા દિનેશભાઇને માથામાં ધારીયાનો ઘા, પિત્રાઇ ભાઇ મોહિતને ધોકાનો માર, મારા ભાઇ મનોજભાઇને વાંસા અને બંને હાથ-માથામાં લાકડીના ઘા, મારા બા જીવુબેનને ધોકાથી માર મરાયો હતો. અમારામાંથી અમુકને ફ્રેકચર પણ થઇ ગયા છે. મૈયડ પરિવારના લોકોએ જણાવ્યું હતું કે અવાર-નવાર આ લોકો વિસ્તારમાં ડખ્ખા કરે છે.  હુમલામાં બે એડવોકેટ ભાઇઓને ઇજા થઇ હોઇ બાર એસોસિએશનમાં જાણ કરવામાં આવી છે અને હુમલાખોરો સામે પોલીસ આકરી કાર્યવાહી કરે તે માટે બાર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવશે તેમ જણાવાયું હતું.

પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ આર. એન. હાથલીયા અને ટીમે તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.

(11:51 am IST)