Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

કાલે તાજીયા માતમમાં : ૮ વર્ષે ફરી આશૂરાહ પર્વ શુક્રવારે

૧૩૮૨ વર્ષ પહેલા ઇરાકની ધગધગતી ધરા ઉપર બનેલી કરૂણ ઘટનાની સ્મૃતિ જીવંત : હુસેની મજાલિસો સહિતના બંદગીભર્યા કાર્યક્રમો : દરરોજ સાંજે સબિલો અને જાહેર ચોકમાં કરબલાના શહીદોની યાદમાં વિના ભેદભાવે ભરપૂર માત્રામાં થતું અન્નદાન

તાજીયા પૂર્ણ કરવા પૂરજોશ કામગીરી : રાજકોટ : શહેરમાં રાબેતા મુજબ તાજીયા બની રહ્યા છે. આ કામગીરી જે તે ઇમામખાનામાં ચાલી રહ્યા છે જે તાજીયા આવતીકાલે ગુરૂવારે સાંજે બહાર આવે છે. જે તાજીયાને આખરી ઓપ આપવા પૂરજોશ તૈયારી ચાલી રહી છે. આ પૈકી નહેરૂનગર અને મઢી વિસ્તારમાં રૈયા રોડ ઉપર બની રહેલા બે તાજીયા અને એ વિસ્તારમાં બનેલી સબિલો તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા. ૧૮ : ગત ૯મી ઓગસ્ટ સોમવારે ઇસ્લામી માસ જીલહજ્જની ૨૯મી તારીખે ચંદ્રદર્શન નહી થતાં ૩૦ દિવસ પૂરા થતા અને મંગળવારે સાંજે સ્વચ્છ ચંદ્રદર્શન પણ થઇ જતા બુધવારથી ઇસ્લામી નૂતન વર્ષ હિજરી ૧૪૪૩નો પ્રારંભ થયો છે. એ સાથે જ મહોર્રમ માસનો પ્રારંભ થતાં હવે પરમ દી' તા. ૨૦ના રોજ ૧૦મી મહોર્રમ એટલે કે 'આશૂરાહ' પર્વ મનાવાશે.

બીજી તરફ આ વખતે આશૂરાહ પર્વ શુક્રવારના દિવસે જ આવેલ છે જે આ ઘટના ૮ વર્ષે ફરી બનેલ છે. ભૂતકાળમાં ૧૫-૧૧-૨૦૧૩ના દિવસે શુક્રવારે ૧૦મી મહોર્રમ મનાવાઇ હતી.

ગત વર્ષે મહોર્રમ માસ લોકડાઉનમાં આવેલ ત્યારે આ વખતે સતત બીજા વર્ષે મહોર્રમ માસ મહામારીના કાળમાં આવેલ છે અને સરકારની ગાઇડલાઇન યથાવત હોઇ એ જોતા મહોર્રમ માસનો આશુરાહ પર્ર્વ સંપુર્ણ સાદાઇથી ઉજવવામાં આવશે.

ઇસ્લામી પંચાગનો ૧૨મો મહિનો ગત જીલહજજ માસમાં ઇદુલ અદહા ઉજવાઇ હતી જે પર્વ બલિદાનની ભાવના પ્રકટ કરે છે. જયારે ઇસ્લામી મહિના મહોર્રમ માસમાં પણ ઘણી ઘટનાઓ અંકીત થઇ છે અને આ મહિનાનું અનેરૂ મહત્વ છે. જેમાં પણ ખાસ કરીને ઇરાક દેશના કરબલા શહેરની ધગધગતી ધરા ઉપર ૧૩૮૨ વર્ષો પહેલા બનેલી કરૂણ ઘટના પણ બલિદાનની ભાવના પ્રકટ  કરતી હોય ઇસ્લામી વર્ષની શરૂઆત અને તેનો અંત હંમેશા બલિદાનની ભાવના ઉપર નિર્ભર રહ્યા છે.

આશુરાહના દિવસે અનેક ઘટનાઓ  અંકીત થઇ છે પરંતુ ખાસ કરીને આ મહિનામાં ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના દોહીત્ર હઝરત ઇમામ હુસૈનએ પોતાના ૭૨ સાથીદારો પરિવારજનો સાથે ઇસ્લામ ધર્મની કાજે આપેલી ભવ્ય આહુતીને યાદ કરવામાં આવે છે. જેનો મુખ્ય દિવસ જ 'આશુરાહ' નો દિવસ છે.

આશુરાહ પર્વ મનાવવાની સાથે સાથે મહોર્રમ માસમાં કરબલામાં સત્યની કાજે શહીદી પામી ઇતિહાસમાં અમર થઇ ગયેલા ૭૨ શહિદોની સ્મૃતિમાં તાજીયા બનાવવામાં આવે છે. આ તાજીયાને જાહેર દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવે છે અને હિન્દુ મુસ્લિમ ભાઇ બહેનો તેમા જોડાય છે એ ઉપરાંત મહોર્રમ માસના પ્રથમ ૧૦ દિવસ કરબલાની ભવ્ય ગાથાને વર્ણવતી હુસેની મજાલિસો ઠેરઠેર પાણી શરબતની સબિલો અને જાહેર પ્રસાદ નિયાઝના ભરપુર કાર્યક્રમો ઉપરાંત રોશની યોજાય છે.

મહોર્રમ માસથી કદાચ કોઇ અજ્ઞાત હશે પરંતુ આ વખતે મહોર્રમ મહીનો હાલમાં ચાલી રહેલી વૈશ્વિક મહામારી વચ્ચે આવી જતા સાવચેતીના પગલા રૂપે રાજય સરકારે તમામ ધાર્મિક સમારંભો, જાહેર સમારંભો, પર્વોની ઉજવણી ઉપર ગાઇડલાઇન મુકેલ હોય જેના લીધે મહોર્રમ માસમાં સર્વત્ર સાદાઇ ફરી વળશે.

આ માસમાં તાજીયા - સબીલ, હુસેની મજલિસો, રોશની, નિયાઝ થઇ રહેલ છે.  દર વર્ષે અનેક લોકો આશુરાહની નમાઝ પઢવા ઉમટી પડે છે. એ ઉપરાંત લોકો ૯ અને ૧૦ મહોર્રમના રોઝા પણ રાખે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક મહામારીના લીધે હંમેશા ઉજવાતા ઉર્ષના કાર્યક્રમો ચાલુ વર્ષમાં મોકુફ રહેલ છે. એ ઉપરાંત મહતવની રાત્રીઓની ઉજવણી પણ સાદાઇથી થયેલ છે. એટલુ જ નહી, ગત ઇદોમાં પણ મુસ્લિમ સમાજે સંપુર્ણ સાદગી અપનાવતા અને હવે મહોર્રમના દિવસો પણ સાદાઇથી પસાર થઇ જશે એ નિશ્ચીત છે.

બીજી તરફ મહોર્રમ માસમાં બનતી સબિલ રચાઇ ગઇ છે અને તાજીયા પણ બની રહ્યા છે. ઉપરાંત રાબેતા મુજબ દરરોજ રાત્રે હુસેની મજલિસો યોજાઇ રહી છે પરંતુ આશૂરાહ પર્વ ફરી એકવાર ૮ વર્ષે શુક્રવારે આવતા આધ્યાત્મિક ઉત્સાહ મુસ્લિમોમાં બેવડાઇ જવા પામ્યો છે.

જ્યારે દૂધની ડેરી, ભગવતીપરા, પોપટપરા, જિલ્લા ગાર્ડન કવાર્ટસ મોચી બજાર, તવક્કલ ચોક સહિતના વિસ્તારોમાં ઉપરાંત અનેક મસ્જીદોમાં હુસેની મજાલિસો યોજાઇ છે. જેઓની ગુરૂવારે રાત્રે પૂર્ણાહુતિ થશે.  બીજી તરફ આવતીકાલે સાંજે તાજીયા જે બનેલ છે તે તમામ ઇમામખાનામાંથી બહાર આવી પોતપોતાના માતમમાં રહેશે અને કયાંય ફરશે નહીં. જો કે સબિલો ઉપરાંત જાહેર ચોકમાં સખ્ત દાતાઓ અને વિવિધ ગ્રુપો દ્વારા શહીદોની યાદમાં નિયાઝે હુસૈન રૂપે વિવિધ ખાદ્ય સામગ્રીઓ બનાવી ભરપૂર માત્રામાં દરરોજ સાંજે વિના ભેદભાવે વિતરણ કરવામાં આવી રહ્યું છે. મુસ્લિમ સમાજ દ્વારા રોઝા - નમાઝ સહિતની ઇબાદત ઉપરાંત કુઆર્ન પઠન, મીલાદ શરીફ સહિતના કાર્યક્રમો ચાલી રહ્યા છે. બંદગી થઇ રહી છે અને કરબલાના શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે.

  • ગત વર્ષ ઇસ્લામી નૂતન વર્ષ 'શુક્રવાર'થી શરૂ થયેલ અને આ વખતે 'આશૂરાહ' પર્વ જ 'શુક્રવાર'ના દિવસે આવ્યો

રાજકોટ : ગત વર્ષે ૨૧/૮/૨૦૨૦ના રોજ ચંદ્રદર્શન થતા 'શુક્રવાર'ના દિવસથી જ મહોર્રમ માસનો પ્રારંભ થયો હતો, એટલે કે ઇસ્લામી નૂતન વર્ષ હિજરી ૧૪૪૨નો પ્રારંભ થયેલ અને આ વખતે ઇસ્લામી પંચાગના ૧૨મા મહિના જીલહજ્જના ૩૦ દિ' પુરા થતા તા. ૧૦મી ઓગસ્ટના ચંદ્રદર્શન થતાં ૧૧મી ઓગસ્ટથી મહોર્રમ માસ સાથે ઇસ્લામી નૂતન વર્ષ હિજરી ૧૪૪૩ શરૂ થતા આ વખતે ૧૦મી મહોર્રમનો દિવસ એટલે કે 'આશૂરાહ' પર્વ 'શુક્રવાર'ના દિવસે આવ્યો છે.

ગત વર્ષે મહોર્રમ માસ શુક્રવારથી શરૂ થયો અને આ વખતે શુક્રવારના દિવસે આશૂરાહ પર્વ આવ્યો જેના લીધે આધ્યાત્મિક ઉત્સાહ બેવડાયો છે. જો કે આશૂરાહ પર્વ શુક્રવારે આવ્યાની ઘટના ફરી ૮ વર્ષે બની છે. 

(11:50 am IST)