Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

મુંજકામાં ખાખરાબેલા ગામના હરદેવસિંહ જાડેજાના ગોડાઉનમાંથી ૪ લાખની ચોરી

કોલ્ડ્રીંકસની એજન્સી ધરાવતાં ક્ષત્રિય વેપારીએ વેપારની રકમ બોકસમાં રાખી બોકસ કબાટ ઉપર રાખ્યું હતું: સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોર ઉઠાવી ગયાઃ ૩.૨૦ લાખ રોકડા, બે સીપીયુ, મોનીટર, મોબાઇલ ફોન, સ્ટેબીલાઇજર, ડીવીઆર સહિતની ચોરીઃ જાણભેદુની સંડોવણીની શંકાએ તપાસ

રાજકોટ તા. ૧૮: પડધરીના ખાખરાબેલા ગામના હરદેવસિંહ (હરૂભા) વનરાજસિંહ જાડેજા (ક્ષત્રિય) (ઉ.૪૦)ના મુંજકામાં આવેલા પંચરત્ન સેલ્સ એન્ડ સર્વિસ નામના ગોડાઉનમાંથી તસ્કરો રોકડા રૂ. ૩,૨૦,૯૧૦ અને બે સીપીયુ, મોનીટર, સ્ટેબીલાઇઝર , મોબાઇલ ફોન, ડીવીઆર મળી રૂ. ૪,૦૪,૫૧૦ની મત્તા ચોરી જતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે હરદેવસિંહ જાડેજાએ પોલીસને જણાવ્યું હતું કે પોતે ખાખરાબેલા ગામે પરિવાર સાથે રહે છે અને મુંજકામાં સત્તાધાર હોસ્ટેલવાળી શેરીમાં કાથડભાઇનું ગોડાઉન ભાડેથી રાખી પંચરત્ન સેલ્સ એન્ડ સર્વિસ નામે કોકાકોલાની એજન્સી ચલાવે છે. આ ફ્રેન્ચાઇઝી દેવપરાના ઇન્દ્રજીતસિંહ જાડેજાના નામથી છે. વેપાર પોતે સંભાળે છે. આ ધંધામાં પોતે, હિતેન્દ્રસિંહ જાડેજા અને દિવ્યેશભાઇ રાઠોડ એમ ત્રણ ભાગીદાર છે. પોતાનું કામ ગોડાઉનમાં માલ ઉતારવા, ચડાવવાનું અને દેખરેખ રાખવાનું છે. તેમજ કયારેક ધંધામાંવહેલા-મોડુ થાય તો પોતે રાજકોટમાં જ શિવ શકિત સોસાયટીમાં ભાડેથી રાખેલા મકાનમાં રોકાઇ જાય છે.

૧૬/૮ના રાત્રે સાડા નવેક વાગ્યે ગોડાઉન બંધ કર્યુ હતું. ચાર દિવસના ધંધાના ભેગા થયેલા પૈસા રૂ. ૩,૨૦,૯૧૦ એક બોકસ અંદર લેપટોપના થેલામાં રાખીને આ બોકસ ગોડાઉનની ઓફિસ અંદર કબાટ ઉપર રાખી દીધુ હતું. તેમજ ઓફિસને તાળુ મારી દીધુ હતું. ૧૭મીએ સવારે ગોડાઉને આવતાં ઓફિસનું તાળુ તુટેલુ જોવા મળ્યું હતું તેમજ બધુ વેરવિખેર જણાયું હતું. તપાસ કરતાં તસ્કરો બોકસમાં રાખેલી રોકડ રકમ ચોરી ગયાનું જણાયું હતું. તેમજ બે સીપીયુ, મોનીટર, મોબાઇલ ફોન અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ લઇ ગયાની ખબર પડી હતી. બનાવ અંગે બંને ભાગીદારોને જાણ કરી ઘરમેળે તપાસ કરીહ તી. બાદમાં સાંજે પોલીસને જાણ કરી હતી. ગોડાઉનમાં છ કર્મચારીઓ કામ કરે છે. જેમાંથી અગાઉ બે ને છુટા કરી દેવામાં આવ્યા છે. ચોરીમાં કોઇ જાણભેદુ હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. પી.આઇ. ડી. વી. દવે, પીએસઆઇ વાઘોસી, પીેએસઆઇ ડાંગર, શેલેષપરી, હરેશભાઇ સહિતની ટીમે ડોગ સ્કવોડ અને એફએસએલને સાથે રાખી તપાસ કરી હતી. (૧૪.૮)

(2:22 pm IST)