Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

સાયન્સની ખાનગી કોલેજ મંજુર કરાવવા ધંધાદારી સીન્ડીકેટ સભ્યોના ભારે ધમપછાડાઃ દબાણ ચરમસીમાએ

જગ્યા નહિ...લાયકાતવાળો સ્ટાફ નહિ...લેબોરેટરી નહી... સહિતની અપુરતી સુવિધા છતાં... : વર્ષે લાખો નહી કરોડો રૂપીયા રળી આપે તેવી બ્રાંચ લેવા ભાજપ-કોંગ્રેસના સીન્ડીકેટ સભ્યોએ કર્યુ લોબીંગ... સામસામા મોરચા

રાજકોટ, તા.,૧૮: ભવ્ય શૈક્ષણીક અને સંશોધનનો વારસો ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વોચ્ચ સતામંડળમાં ધંધાદારી  સીન્ડીકેટ સભ્યો અને એકેડેમીક કાઉન્સીલના સભ્યોએ વર્ચસ્વ જમાવતા ખાનગીકરણ વિદ્યાર્થીઓ અને શિક્ષણના ભોગે ખુલ્લેઆમ કરી રહયા છે. ત્યારે કુલપતિ અને કુલનાયકની જાણે મુક સંમતી હોય તેમ આંખ આડા કાન કરીને નજીકનાને સાચવતા હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વાર નવી સાયન્સની કોલેજ મંજુર કરાવવા ભાજપ-કોંગ્રેસના ધંધાદારી સીન્ડીકેટ સભ્યો અને એકેડેમીક કાઉન્સીલના સભ્યો ભારે ધમપછાડા  કરી રહયા છે.

જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી સાયન્સ કોલેજને મંજુરી માટે ૪ર અરજી આવી છે. તેમાં મોટા ભાગની કોલેજો પાસે પુરતો લાયકાત ધરાવતો શૈક્ષણીક સ્ટાફ, આચાર્ય, લાયબ્રેરી, જગ્યા સહિતની સુવિધા ચકાસતા મોટાભાગની કોલેજો પાસે ન હોવાનું માલુમ પડયું હતું. તમામ ૪ર કોલેજો પાસે વિડીયો રેકોર્ડીગ પણ કરાવવા આવેલ. છતા કેટલાક સીન્ડીકેટ સભ્યો નવી ખાનગી સાયન્સ કોલેજ મંજુર કરાવવા ધમપછાડા અને ભારે દબાણ કરી રહયાનું બહાર આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોટા ભાગની ખાનગી કોલેજો સીન્ડીકેટ સભ્યો કે એકેડેમીક કાઉન્સીલના સભ્યો ઉપરાંત ભાજપ-કોંગ્રેસના આગેવાનોની ભાગીદારીમાં ચાલતી હોય છે. ભાગ લેનાર સીન્ડીકેટ સભ્યો તેમના નજીકના સગા સબંધીઓના નામે ટ્રસ્ટમાં વહીવટ કરતા હોવાનું બહાર આવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએસસી, ડીએમએલટી, પીજીડીસીએ, બીસીએ સહિતની ખાનગી કોલેજોનીમંજુરી માંગતા  ટ્રસ્ટોમાં કેટલાકે તો સરકારી કે ગ્રાન્ટેડ કોલેજોના બિલ્ડીંગ દર્શાવીને મંજુરી માંગી છે. તેની સામે ભાજપના લોકોએ વિરોધ નોંધાવ્યો છે તો સામે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ હાથ મિલાવીને મંજુર કરાવવા ત્રાગડો રચ્યાનું પણ બહાર આવ્યું છે.

આ વર્ષે મોટાભાગની ખાનગી સાયન્સ કોલેજોમાં સંખ્યાનો અભાવ જોવા મળે છે છતાં યુનિવર્સિટી દ્વારા નવી કોલેજોની મંજુરી આપવાની કાર્યવાહી હાથ ધરાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ઉપર ફરી એક વાર ધંધાદારી શિક્ષણકારોના આંટાફેરા વધી ગયા હોવાનું જાણવા મળે છે.

(3:43 pm IST)