Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

આને છે કોઇ કહેવા વાળું?

સ્કૂલ બસના ચાલકની ભયંકર ગુનાહિત બેદરકારીઃ માસુમ વિદ્યાર્થીઓ ભરેલી બસ ડિવાઇડર પરથી ઠેકાડી!

ઓચીંતુ માથુ અફડાવાથી કે ગરદનમાં ઝાટકો આવવાથી કોઇ બાળકને ગંભીર ઇજા પહોંચે તો જવાબદાર કોણ?: ચાલકે બસ ઉલાળતાં છાત્રો હેબતાઇ ગયાઃ પોલીસ દાખલારૂપ કાર્યવાહી કરે

રાજકોટઃ વાહન વ્યવહાર વિભાગ અને પોલીસ વિભાગે સ્કૂલના વિદ્યાર્થીઓની હેરફેર કરતી રિક્ષાઓ, બસો અને વેન માટે ચોક્કસ નિયમો બનાવેલા છે. આરટીઓ પાસીંગથી વધુ છાત્રો ભરી ધસમસતી ફરતી વેન ઉપર તાજેતરમાં જ પોલીસે ધોંસ બોલાવી હતી. પીળા કલરની શાળા-કોલેજોની બસ પાછળ સ્પષ્ટ શબ્દોમાં લખેલુ હોય છે કે- આ બસનો ચાલક તમને જોખમી રીતે બસ ચલાવતો નજરે પડે તો અમને...નંબર પર જાણ કરો...આ સુચનાને તસ્વીરમાં દેખાતી બસનો ચાલક જાણે ઘોળીને પી ગયો હતો. આજે બપોરે ગોંડલ રોડ પર આવેલી કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમની સ્કૂલ પાસેથી આશીફ ખલીફા નામનો જાગૃત યુવાન તેના મિત્ર સાથે પસાર થઇ રહ્યો હતો ત્યારે ઓચિંતા સ્કૂલ કમ્પાઉન્ડમાંથી નીકળેલી બસે થોડે આગળ આવેલા 'કટ'માંથી યુ-ટર્ન લેવાને બદલે સીધી જ પોણો ફુટ જેટલા ઉંચા રોડ ડિવાઇડર પરથી આખી બસને ઠેકાડી હતી. તે સાથે જ બસમાં બેઠેલા માસુમ છાત્રો હક્કા-બક્કા થઇ ગયા હતાં. આ યુવાને બસ ચાલકને રોકવાની કોશિષ કરી હતી પરંતુ તેણે ડિવાઇડર ટપાડી બસ ભગાવી મુકી હતી. જીજે૩એટી-૬૦૫૫ નંબરની આ બસમાં બેઠેલા કોઇ ભુલકાનું માથુ અફડાવાથી કે ગરદનમાં ઝાટકો આવવાથી ગંભીર ઇજા થઇ હશે તો કોણ જવાબદાર? તેવો વેધક પ્રશ્ન જાગૃત યુવાને ઉઠાવી 'અકિલા' સમક્ષ તસ્વીર રજૂ કરી હતી. યુવાનની વાત પણ એકદમ સાચી હતી. આ બાબતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તાકીદે સ્કૂલ સંચાલકો અને જવાબદાર ચાલકની સાન ઠેકાણે લાવે તે જરૂરી બની ગયું છે.

(3:32 pm IST)