Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

રેસકોર્સ રીંગ રોડ-પેલેસ રોડ ઉપર છાપરા-ઓટલા તોડ ઝુંબેશઃ ૧૦ બિલ્ડીંગોના પાર્કિંગ ખૂલ્લા

રાજકોટ તા. ૧૮:  શહેરનાં વોર્ડ નં. ૨ અને ૭ માં રેસકોર્ષ રીંગ રોડ  ઉપર વાહન પાર્કિંગમાં છાપરા-ઓટલા સહિતનાં અનઅધિકૃત દબાણો ઉપર સેન્ટ્રલ ઝોન ટાઉન પ્લાનીંગ શાખાએ આજે સવારે બુલડોઝર ફેરવી દીધુ હતું આજે બપોર સુધીમાં કુલ ૧૦ દુકાનોનાં છાપરા-ઓટલનો કડુસલો બોલાવી દેવાયો હતો.

આ અંગે ટી. પી. વિભાગની યાદીમાં જણાવાયું છે કે કમિશ્નર બંછાનીધિ પાની દ્વારા મુખ્ય માર્ગો ઉપર નાગરીકો તથા વાહનોની અવરજવર સુચારૂ રીતે અને વિના વિક્ષેપે સતત રીતે થઇ શકે તે માટે તાજેતરમાં ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર રેસકોર્ષ રીંગ રોડ પર વોર્ડ નં. ૨ અને ૭માં પાર્કિંગ, માર્જીનમાં થયેલ દબાણ-ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ ૧૦ સ્થળોએ દબાણ દુર કરવામાં આવેલ. જેમા નાથ કોમ્પ્લેક્ષનાં પાર્કીંગમાં થયેલ આડસ દુર કરવામાં આવી. કેવેન્ટર્સનાં પાર્કીંગમાં મૂકવામાં આવેલ લાકડાની ગ્રીલ દુર કરાય. શિવ શકિત ટી સ્ટોલ-રોડ પરની ચા ની કેબીન દુર કરાય.  આદર્શ સોસાયટી કોર્નર પરથી ચા નો થડો હટાવાયો. રૂદ્ર પ્રયાગ માંથી રોડ પરનું શાઈન બોર્ડ દુર કરાયુ હતુ. જય બજરંગ હોટેલનાં પાર્કીંગમાં ચા નો થડો દુર કરાયો. રેસકોર્સ પ્લાઝાનાં પાર્કીંગમાં અડચણરૂપ પડતર સામાન હટાવાયુ. યુનિયન બેંકનાં પાર્કીંગમાં અડચણરૂપ પડતર સામાન તથા પંચમુખી પાણી પૂરીને ત્યાંથી ઓટાનું બાંધકામ તથા છાપરા તથા વર્ધમાન નગર-૨, પેલેસ રોડ પર જાહેર રસ્તા પર થયેલ છાપરા સહિતનાં ૧૦ દબાણો દુર કરાયા હતા.

આ ઝુંબેશ દરમ્યાન જુદા-જુદા આસામીઓ પાસેથી દબાણ હટાવ વિભાગ દ્વારા રૂમ.૧૬,૩૦૦ તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રૂ.૨,૮૦૦નો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત દબાણ હટાવ શાખાં, રોશની શાખા, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ તેમજ સાઙ્ખલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ. તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર ઉપસ્થિત રહ્યા હતા.

(3:12 pm IST)