Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

સોનીબજારમાંથી બે બંગાળી કારીગરો ૭૫ લાખનું સોનુ લઇ છૂ !!

ભોગ બનનાર ૭ થી ૮ વેપારીઓની નાયબ પોલીસ કમિશ્નર અજય ચૌધરીને રૂબરૂ મળી લેખીત ફરીયાદ કરીઃ વેપારીઓએ દાગીના બનાવવા માટે આપેલ બે થી સવા બે કિલો સોનુ લઇ અશરફ અલી અને મોઇ દુલ નામના કારીગરો અદ્રશ્ય

રાજકોટ, તા., ૧૮: સોનીબજારમાંથી  બે દિ' પુર્વે બંગાળી કારીગરો ૭પ લાખનું બે થી સવા બે કિલો સોનુ લઇ ગાયબ થઇ જતા સોની વેપારીઓ ગભરાટ ફેલાઇ ગયો છે. ભોગ બનનાર ૭ થી ૮ વેપારીઓ આજે  જોઇન્ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરીને આ બાબતે લેખીત ફરીયાદ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સોનીબજારમાં  પાટડીયા ચેમ્બર્સમાં દાગીના ઘડવાનું કામ કરતો મોહી દુલ  તથા અશરફ અલી નામના બંગાળી કારીગરો અચાનક અદ્રશ્ય થઇ જતા સોની વેપારીઓ હાફળા-ફાફળા થઇ ગયા હતા. આ બંન્ને બંગાળી કારીગરો પાસે સોનીબજારના અનેક વેપારીઓએ દાગીના ઘડાવવા માટે સોનુ આપ્યું હતું અને અચાનક  આ બંન્ને કારીગરો સોનાના મસમોટા જથ્થા સાથે ગાયબ થઇ જતા સોની વેપારીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

આ બંન્ને બંગાળી કારીગરો સોની બજારના ૭ થી ૧૦ વેપારીઓનું ૭પ લાખનું  બે થી સવા બે કિલો સોનું લઇ અદ્રશ્ય થઇ ગયા છે. અન્ય સોની વેપારીઓ પણ છેતરપીંડીનો ભોગ બન્યાનું બહાર આવ્યું છે. ભોગ બનનાર ૭ થી ૮ સોની વેપારીઓ આજે બપોરે જોઇન્ટ પોલીસ કમિશ્નર અજય ચૌધરીને રૂબરૂ મળી લેખીત ફરીયાદ કરી હતી. પોલીસે હાલ તુર્ત અરજી લઇ તપાસ હાથ ધરી છે.

સોની બજારમાં છાશવારે બંગાળી કારીગરો લાખો રૂપીયાનું સોનુ લઇ ગાયબ થઇ જાય છે અને અનેક વેપારીઓ છેતરપીંડીનો ભોગ બનવા છતાં પોલીસ ફરીયાદ કરતા નથી. જો કે આ બંન્ને કારીગરો સોનાનો મોટો જથ્થો લઇ ગાયબ થઇ જતા સોની વેપારીઓએ પોલીસમાં લેેખીત ફરીયાદ કરી હતી.

બીજી બાજુ છેતરપીંડીનો ભોગ બનનાર સોની વેપારીઓ ધીમે ધીમે બહાર આવી રહયા છે અને બંગાળી કારીગરો દ્વારા છાશવારે થતી લાખોની છેતરપીંડી મામલે સોની વેપારીઓ દ્વારા આજે એક મીટીંગનું પણ આયોજન કરાયાનું બહાર આવેલ છે.

હાલમાં વેપારમાં ભારે મંદી છે અને સોનાના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે બે કારીગરો લાખોનું સોનું લઇ ગાયબ થઇ જતા સોની વેપારીઓ હતપ્રભ થઇ ગયા છે.

(3:11 pm IST)