Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ભાજપ સરકારે જુનાગઢને વિકાસનું સરનામુ બનાવ્યુ છે, ત્યારે પ્રજાજનો મતરૂપી બદલો વાળે : રાજુ ધ્રુવ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રોપવે, નરસિંહ મહેતા યુનિવર્સીટી,મેડિકલ કોલેજ જેવી અનેક યોજનાઓ આપી જૂનાગઢની કાયાપલટ કરી છે : હજુ પાલીકામાં વિજયથી આ વિકાસકુચ આગળ ધપશે

રાજકોટ તા. ૧૮ : જૂનાગઢમાં ૨૧ જુલાઈ રવિવારનાં યોજનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાતાઓને મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટી પડી ભાજપને ભવ્ય વિજય અપાવવા રાજુભાઈ ધ્રુવે અપીલ કરી છે.

જો પાલિકાથી લઈ પાર્લામેન્ટ સુધી એક જ પક્ષનું શાસન હોય તો વિકાસનાં લાભો વધુ ઝડપી અને અસરકારક રીતે પ્રાપ્ત થાય છે. આથી વિધાનસભા અને લોકસભા ચૂંટણી બાદ જૂનાગઢ નગરપાલિકા ચૂંટણીમાં પણ ભાજપના પ્રતિનિધિઓને વિજયી બનાવવાથી જૂનાગઢના વિકાસ કાર્યોને પ્રોત્સાહન મળશે અને પાલિકાથી લઈ પાર્લામેન્ટ સુધી ગીર-જૂનાગઢમાં વિકાસ કાર્યોનો સુભગ સમન્વય રચાશે.

ભારતીય જનતા પાર્ટીની સરકારે સતત અને સખત કામ કરીને જૂનાગઢને વિકાસનું સરનામુ બનાવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારનાં શાસનમાં જૂનાગઢનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો બન્યો છે. ત્યારે હવે પ્રજાજનો મત આપી ઋણ ઉતારે તેવી અપીલ રાજુભાઇ ધ્રુવે કરી છે.

સૌરાષ્ટ્રમાં ટુરિઝમ સર્કીટ કાર્યરત કરવાનાં અભિયાનનાં ભાગરૂપ જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે થતાં સોમનાથ જતા યાત્રીકો જૂનાગઢની મુલાકાત લેતા થયા છે. ઉપરાંત મહાશિવરાત્રીનાં મેળાને મીનીકુંભ મેળાનો દરજ્જો પણ રાજય સરકારે અપતા જૂનાગઢમાં યાત્રિકોની આવક જાવક વધી છે.

ગીરનાર રોપ વે પ્રોજેકટ ૨૫ વર્ષથી અટકેલો હતો. રાજયનાં પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન બન્યા કે તુરંત ગિરનાર રોપ-વેની મંજૂરી આપતા આજે આ પ્રોજેકટ પૂર્ણતાને આરે આવ્યો છે.

જૂનાગઢમાં મેડીકલ કોલેજ કાર્યરત છે, ૬૫૦ કરોડનાં ખર્ચે મેડીકલ કોલેજ બની છે. સીવીલ હોસ્પીટલના નવા બ્લોકનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સંપન્ન થતાં જૂનાગઢવાસીઓને આરોગ્યની આધુનિક સવલતો પ્રાપ્ય બની છે.જૂનાગઢમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી બનાવવામાં આવી છે. ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. ભવન બિલ્ડીંગ અને શિક્ષણનાં પ્રોજેકટ માટે રૂ.૧૦૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

રાજયનાં દિર્દ્યદ્રષ્ટા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગીરનાર યાત્રાધામ વિકાસ મંડળની સ્થાપના કરી ભવનાથ ક્ષેત્રનાં વિકાસ માટે નવી દિશાનાં દ્વાર ખોલ્યા છે. ગીરનાર વિકાસ મંડળ થકી અનેક પ્રોજેકટ હાથ પર લેવાયા છે.

જૂનાગઢનાં દામોદરકૂંડ મજેવડી દરવાજો, સરદાર પટેલ દરવાજા સહિત જૂનાગઢનાં પુરાતન સ્થળોએ રાજય સરકારની ગ્રાન્ટમાંથી રીનોવેશન કરી પુનઃવિકાસની કામગીરી ધરવામાં આવી છે.જૂનાગઢમાં ઉપરકોટના વિકાસ માટે ૭ કરોડ ફાળવવામાં આવ્યા છે. જૂનાગઢ મહાનગર વિસ્તારમાં પાણી પ્રોજેકટ અને ગટર વ્યવસ્થા માટે રૂ. ૩૦૦ કરોડનાં લાંબા ગાળાનો પ્લાન રાજય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.

આમ, નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારો વિજય થતાની સાથે જ પાલિકાથી લઈ પાર્લામેન્ટ સુધીનાં ભાજપનાં શાસનમાં સંત-સમુદાયનાં સહયોગ સાથેના આશીર્વાદ અને સરકારના દૂરંદેશીભર્યા નિર્ણયથી યાત્રા-પ્રવાસના અનોખા ધામ તરીકે જૂનાગઢનો સર્વાંગી વિકાસ થશે તેમાં કોઈ બેમત નથી. ઉપરાંત ગીર-જૂનાગઢ વિકાસ કાર્યોને વધુને વધુ પ્રોત્સાહન મળતું રહેશે. તેમ અંતમાં રાજુભાઇ ધ્રુવે જણાવી લોકોએ ભાજપને ભવ્ય જીત અપાવવા અપીલ કરી છે.

(1:03 pm IST)