Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

રંગીલા રાજકોટની સુરક્ષા-શાંતિ જળવાઇ રહેશેઃ દારૂબંધીનો કડક અમલઃ પ્રજાના સાથથી થશે કામગીરીઃ નવનિયુકત પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ

અનુપમસિંહ ગહલોૈતને ભાવભીની વિદાયઃ રાજકોટ શહેરમાં ૨૬મા પોલીસ કમિશ્નરે ચાર્જ સંભાળ્યો : બાળકો, મહિલાઓ, સિનીયર સિટીઝન્સની સુરક્ષાને પ્રાથમિકતાઃ ટ્રાફિકની સમસ્યાનો નીવેડો લાવવા મ્યુ. કોર્પોરેશન તંત્રને સાથે રાખી નક્કર કાર્યવાહી થશેઃ અરજદારોને જરાપણ અસંતોષ નહિ રહેઃ નવી ટેકનોલોજીનો વધુ ને વધુ ઉપયોગ થશેઃ અનુપમસિંહ ગહલૌતની કામગીરીને પણ વખાણી : સરકારના ચાર પગલાઓ પારદર્શિતા, વિકાસ, અનુશાસન અને સંદેવદનશિલતાની નીતિરીતિને અનુસરવામાં આવશે

વેલકમ મનોજ અગ્રવાલ... : શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતની વડોદરા બદલી થતાં આજે તેમની પાસેથી નવનિયુકત પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ચાર્જ સંભાળ્યો છે. તસ્વીરમાં ચાર્જ સંભાળતા પહેલા એક બીજાને શુભેચ્છા પાઠવતાં ગહલોૈત અને અગ્રવાલ ઉપરની તસ્વીરમાં જોઇ શકાય છે. નીચેની તસ્વીરોમાં  શ્રી અગ્રવાલનું અન્ય અધિકારીઓએ સ્વાગત કર્યુ તે દ્રશ્યો તથા નીચેની તસ્વીરોમાં ડીસીપી બલરામ મીના, ડીસીપી કરણરાજ વાઘેલા, એડી ડીસીપી હર્ષદ મહેતા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી જે. કે. ઝાલા તથા પી.આઇ. એસ. એન. ગડુ, પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ એ. એસ. સોનારા, પીએસઆઇ કે. કે. જાડેજા, પીએસઆઇ આર. સી. કાનમીયા તથા સોૈથી નીચેની તસ્વીરમાં પુષ્પગુચ્છથી નવનિયુકત પોલીસ કમિશ્નરનું અભિવાદન કરતાં પોલીસ અધિકારીઓ અને સોૈથી છેલ્લે શ્રી ગહલોૈત, શ્રી અગ્રાવલ અને શ્રી ભટ્ટ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા) 

રાજકોટ તા. ૧૮: શહેરમાં સિંઘમની છાપ ઉભી કરનારા પોલીસ કમિશ્નઅ અનુપમસિંહ ગહલોૈતની વડોદરા ખાતે બદલી થતાં તેમને સમગ્ર પોલીસ તંત્ર, પ્રજાજનો અને મિડીયાએ ભાવભીની વિદાય આપી છે. એ સાથે જ નવનિયુકત પોલીસ કમિશ્નર તરીકે શ્રી મનોજ અગ્રવાલે આજે   ચાર્જ સંભાળ્યો છે. ૨૬મા પોલીસ કમિશ્નર તરીકે નિમણુંક પામનાર શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે રાજકોટ હું પહેલી જ વખત આવ્યો છું, પણ આ શહેર ખુબ સારુ છે એ હું અને બધા જ જાણે છે. રંગલા રાજકોટની સુરક્ષા અને શાંતિ એ મારી પ્રાથમિકતા હશે. કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે એ માટે પ્રજાજનોના સાથ સહકારથી ઉત્તમ કામગીરી કરવાની નેમ છે. શ્રી અગ્રવાલે દારૂબંધીના કાયદાને અત્યંત કડક અમલ થશે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું અને ટ્રાફિકની સમસ્યાના ઉકેલને અગ્રતા અપાશે તેમ પણ કહ્યું હતું.

મિડીયા સાથેની મુલાકાતમાં નવા નિમણુંક પામેલા પોલીસ કમિશ્નર શ્રી અગ્રવાલે રાજકોટ શહેરની જનતા જોગ સંદેશો આપતા જણાવ્યું હતું કે રાજકોટની શાંતિપ્રિય અને ઉત્સવપ્રિય જનતાની સુખાકારી  સુરક્ષા અને શાંતિ માટે અમે સતત સતર્ક રહીશું. કાયદો વ્યવસ્થાની કામગીરીને ઉત્તમ બનાવવા માટે પ્રજાજનોનો સહયોગ જરૂરી છે અને અમે રાજકોટીયનોને સાથે રાખીને તેમના હિતની કામગીરી કરીશું. કાયદો વ્યવસ્થાની જાળવણી માટે કોઇપણ ચમરબંધીને છોડવામાં આવશે નહિ.

શ્રી અગ્રવાલે આગળ જણાવ્યું હતું કે સરકારે દારૂબંધીના કાયદા કડક બનાવ્યા છે અને રાજકોટ શહેરમાં પણ દારૂબંધીને અત્યંત કડક અમલ કરીશું, આ બાબતમાં જરાપણ કચાશ હું ચલાવીશ નહિ. રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા બાબતે તેમણે જણાવ્યું હતું કે આ સમસ્યા માત્ર એક શહેરમાં નહિ લગભગ તમામ શહેરોમાં છે. રાજ્ય સરકારે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે વધુ ફોર્સ ઉભી કરવા, વધુ સાધનો વિકસાવવા રાજય માટે ૨૦૦ કરોડની જોગવાઇ કરી છે તેનો ઉપયોગ કરીને શહેરની ટ્રાફિક સમસ્યાનો નિવેડો લાવવામાં આવશે. આ માટે મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીનો પણ સહયોગ મેળવવામાં આવશે. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સાથે મળી આ સમસ્યા ઉકેલશે.

નવનિયુકત પોલીસ કમિશ્નરે વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે પોતે સરકારના ચાર મુદ્દાઓ પારદર્શક વહિવટ, વિકાસશીલતા, સંવેદનશીલતા અને અનુશાસનને અનુસરવામાં માને છે. આ નીતિરીતિથી કામગીરી કરવામાં આવશે. પોતે મુખ્યમંત્રીશ્રી સાથે ઇઝરાયલ ગયેલા ત્યારે ત્યાં જોયું હતું કે ત્યાં સ્માર્ટ સીટી નહિ પણ તેના કરતાં એક સ્ટેપ આગળ ઇન્ટેલીજન્સ સીટી છે. ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા માટે આઇ-વે પ્રોજેકટ છે જ એ ઉપરાંત નવી ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવશે.

શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે અરજીઓના નિકાલ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે અને ઓન લાઇન અરજી થઇ શકે તેવી વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવશે. અરજદારને તેની અરજીની કાર્યવાહી કયાં સુધી પહોંચી તેની માહિતી પણ મળતી રહેશે, જેથી પોલીસની કામગીરીથી તેમને સંતોષ રહે.

રાજકોટ શહેરના બાળકો, મહિલાઓ અને વૃધ્ધોની સુરક્ષાને પણ અગ્રતા આપવામાં આવશે. શહેર પોલીસની સમગ્ર ટીમ પણ ખુબ ઉત્સાહિત અને કાર્યશીલ છે તેનો સાથ લઇને સમગ્ર શહેરમાં કાયદો વ્યવસ્થાને લગતી શ્રેષ્ઠ કામગીરી શહેર પોલીસ કરતી રહેશે. શ્રી અગ્રવાલે કહ્યું હતું કે પોલીસનું મોરલ જળવાઇ રહે તેવી કામગીરીને પ્રાધાન્ય રહેશે.

દારૂબંધીનો કડક અમલ કરાવવામાં આવશે તેમ જણાવી શ્રી અગ્રવાલે કહ્યું હતું કે દારૂ તંદુરસ્તી માટે નુકસાનકારક છે, મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે દારૂ એ માત્ર શરીરને નહિ, આત્માને પણ નુકસાન કરે છે. હું દારૂબંધી બાબતે જરાપણ બાંધછોડ કરીશ નહિ.

શ્રી મનોજ અગ્રવાલે શ્રી અનુપમસિંહ ગહલોૈત પાસેથી ચાર્જ સંભાળ્યા બાદ શ્રી ગહલોૈતે તેમના કાર્યકાળ દરમિયાન કરેલી કાયદો વ્યવસ્થાની કામગીરીના પણ ભરપુર વખાણ કર્યા હતા. ચાજર્ની લેતી-દેતી વેળાએ  ડીસીપી બલરામ મીના, ડીસીપી કરણરાજ વાઘેલા, એઙ ડીસીપી હર્ષદ મહેતા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી જે. કે. ઝાલા તથા તમામ પોલીસ મથક, બ્રાંચના પી.આઇ., પીએસઆઇ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

સુરક્ષા સેતુ પ્રોજેકટના રચયીતા છે મનોજ અગ્રાવાલ

મુળ ગાજીયાબાદના મનોજ અગ્રવાલે કાનપુરમાં આઇઆઇટી કર્યુ છેઃ ટેકનોલોજી, સાયબર, એમ ટેક અને હ્યુમન રાઇટ્સનો પણ અભ્યાસ કર્યો છે

રાજકોટના નવા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ મુળ ગાજીયાબાદ (યુ.પી.)ના વતની છે. તેમણે કાનપુરમાં આઇઆઇટી કર્યુ છે. તેમજ ટેકનોલોજી અને સાયબરમાં બી ટેક અને એમ ટેકનો અભ્યાસ તેમજ હ્યુમન રાઇટ્સનો અભ્યાસ પણ કર્યો છે. રાજકોટ શહેરને તેમની આ ખાસીયતોનો લાભ મળશે. રાજ્યભરમાં જે સુરક્ષા સેતુનો પ્રોજેકટ કાર્યરત છે તેના રચયીતા ખુદ મનોજ અગ્રવાલ છે.

(3:47 pm IST)
  • બોરસદમાં ૧૩ તોલા સોનાની ચીલઝડપ : નકલી પોલીસના સ્વાંગમાં અમદાવાદના વેપારીને લૂંટી લેવાયો : અમદાવાદના બ્રહ્માણી જવેલર્સના વેપારીને બોરસદ ખાતે પોલીસના સ્વાંગમાં રહેલ ચીટરે થેલો તપાસવાના બહાને રૂ.૧૩ લાખના સોનાની ચીલઝડપ કરી લીધી : બોરસદના બળીયાદેવ વિસ્તારની ઘટના access_time 6:00 pm IST

  • મેડીકલ પ્રવેશમાં સર્ટીફીકેટની ચકાસણીની પધ્ધતી શું છે? એ આવતી કાલ સુધીમાં સ્પષ્ટ કરોઃ શંકાસ્પદ એસટીના જ્ઞાતિના સર્ટીફીકેટના આધારે મેડીકલમાં પ્રવેશ માટે ઉમેદવારી કરવાની સામે હાઇકોર્ટમાં પીઆઇએલ મુદ્દે ચીફ જસ્ટીસની ટકોર. access_time 3:43 pm IST

  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST