Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સના બાકીદારને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને ૧૬ લાખનો દંડ ફટકાર્યો

દંડની રકમ જમા ન કરાવે તો વધુ ૯૦ દિવસની સજા ફરમાવતી અદાલત

રાજકોટ, તા. ૧૮ : આખા દેશમાં ખૂબજ સારી નામના ધરાવતી તથા રાજકોટમાં મુખ્ય શાખા ધરાવતી મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી.એ નવસારીના શખસ સામે અત્રેની કોર્ટમાં દાખલ કરેલ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળના કેસમાં એક(૧) વર્ષની સાદી સજા તથા રૂ. ૧૬,૭ ,૦૪૯નો દંડ કરવાનો હુકમ અને જો દંડની રકમ જમા ન કરાવે તો ૯૦ (નેવુ) દિવસની સાદી કેદની વધુ સજા કરવાનો હુકમ ફરમાવતા ચેક રીટર્નના આરોપીઓમાં ફફડાટ મચી જવા પામેલ છે.

આ કિસ્સાની ટુંકમાં વિગત એવી છે કે, દેશભરમાં ખૂબજ સારી નામના ધરાવતી મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી.ને તેમના કલાયન્ટ મીહીર કનકસિંહ ઠાકોર, રહે. નવસારીવાળાએ તેમની બાકી ચૂકવવાની રકમ પૈકીની રકમ ચૂકવવા માટે રૂ. ૧૬,૭૧,૦૪૯.૯૧ નો ચેક આપેલ. સદરહું ચેક મીહીર કનકસિંહ ઠાકોરે મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી.ને આપ્યો ત્યારે એવું પાકુ વચન અને ખાત્રી આપેલ કે ફરીયાદી કંપની તેમના ખાતાવાળી બેંકમાં સદરહું ચેક જમા કરાવશે એટલે તેમને ચેકમાં જણાવેલ રકમ મળી જશે. આથી ફરીયાદી કંપની મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી.એ આરોપીના જણાવ્યા મુજબ ચેક પોતાની બેંકમાં રજૂ કરતા ચેક વગર વસુલાતે પરત ફરેલ.આથી ફરીયાદી કંપનીએ તેમના એડવોકેટ મારફતે લીગલ નોટીસ આપેલ. તેમ છતાં આરોપીએ કાયદાની જોગવાઇ મુજબ સમય મર્યાદામાં ચેકની રકમ ફરીયાદી કંપનીમાં જમા ન કરાવતા ફરીયાદી કંપની મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી.એ તેમના એડવોકેટ કિશન એમ. પટેલ મારફતે અત્રેની કોર્ટમાં ફોજદારી ફરીયાદ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ દાખલ કરેલ. જે ફરીયાદમાં ફરીયાદી કંપનીના એડવોકેટ કિશન એમ. પટેલ વિવિધ કોર્ટોની ઓથોરીટીઓ ટાંકી ધારદાર દલીલ કરી રજૂઆત કરેલ કે આરોપીએ આપેલ ચેક કાયદેસરના લેણા પેટે આપેલ હતો જે ચેક વગર વસુલાતે પરત ફરતા આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગુન્હો કરેલ છે. મેજીસ્ટ્રેટ શ્રી એન.એચ. વસવેલીયાએ ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીને તકસીરવાન ઠરાવી એક (૧) વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૧૬,૭૧,૦૪૯.૯૧નો દંડ કરવાનો હુકમ અને જો દંડની રકમ જમા ન કરાવે તો ૯૦ (નેવુ) દિવસની સાદી કેદની વધુ સજા કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી. વતી રાજકોટના એડવોકેટ કિશન એમ. પટેલ રોકાયેલા છે.

(3:47 pm IST)