Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ગાંધીગ્રામ નાણાવટી ચોક બગીચા પાસે પુત્રને બચાવવા જતાં હનીફભાઇ સોલંકી પર હુમલોઃ હત્યાનો પ્રયાસ

પુત્ર સદામ (ઉ.૨૨)ને બે મહિના પહેલા મિત્ર ગંજીવાડાના બાબા કોળી સાથે મજાકમાં મારામારી થઇ હોઇ તેનો ખાર રાખી બાબો, સકંદર તથા બે અજાણ્યા શખ્સો કારમાં આવ્યા અને કુહાડી-ધારીયા-પાઇપથી તૂટી પડ્યા

હુમલામાં ઘાયલ હનીફભાઇ સોલંકી અને તેના પુત્ર સદામ સોલંકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં

રાજકોટ તા. ૧૮: ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં મુસ્લિમ યુવાન પર જુના મનદુઃખને લીધે તેના જ બે મિત્રો ગંજીવાડા અને નવાગામના શખ્સોએ રાત્રે તે ઘર નજીક બગીચા પાસે બેઠો હતો ત્યારે હુમલો થયો હતો. આ વખતે તેના પિતા વચ્ચે પડતાં બંને શખ્સોએ તેના પર ધારીયા-કુહાડીના ઘા કરી દઇ ગંભીર ઇજા કરતાં સારવાર માટે દાખલ થયા છે. પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.

જાણવા મળ્યા મુજબ નાણાવટી ચોક આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૧૭/૩૩૬માં રહેતાં રિક્ષાચાલક હનીફભાઇ અલ્લાઉદ્દીનભાઇ સોલંકી (ઉ.૪૫) તથા તેનો પુત્ર સદામ હનીફભાઇ સોલંકી (ઉ.૨૫) રાત્રે સાડા દસેક વાગ્યે ઘર નજીક બગીચામાં બેઠા હતાં ત્યારે ગંજીવાડાનો બાબા પ્રેમભાઇ કોળી અને નવાગામનો સિકંદર ઉર્ફ સિકલો તથા બે અજાણ્યા શખ્સો કારમાં આવ્યા હતાં અને સદામને ગાળો ભાંડી મારી નાંખવાની ધમકી આપી ધારીયા, કુહાડી, પાઇપ સાથે હુમલો કરવા ધસી આવ્યા હતાં.

આ વખતે સદામને બચાવવા તેના પિતા હનીફભાઇ સોલંકી વચ્ચે પડતાં ચારેય શખ્સોએ તેના પર હુમલો કરી દઇ માથા, હાથ, શરીરે ગંભીર ઇજાઓ કરી હતી અને ભાગી ગયા હતાં. હનીફભાઇ અને સદામ બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પી.આઇ. એ. એલ. આચાર્ય, રાઇટર શૈલેષપરી અને ગિરીરાજસિંહ સહિતે હોસ્પિટલે પહોંચી સદામની ફરિયાદ પરથી બાબા, સિકંદર અને બે અજાણ્યા સામે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો.

ગંભીર ઇજા પામનાર હનીફભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા છે. સંતાનમાં બે પુત્રો છે. સદામના કહેવા મુજબ બાબો તેનો મિત્ર છે. બે મહિના પહેલા મજાક-મજાકમાં માથાકુટ થતાં પોતાને બાબાએ છરી મારી દીધી હતી. તે વખતે ફરિયાદ કરી હોઇ તેનું મનદુઃખ ચાલતું હોવાથી આ હુમલો થયો હતો.

(3:27 pm IST)