Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ખેડુતો કૃષિ મેળાનો લાભ લઇ વિકાસમાં સહભાગી બનેઃ મંત્રી જયેશ રાદડિયા

રાજકોટ તા. ૧૮ : ભારત કૃષિ પ્રધાન દેશ છે. ખેડુતો કૃષિ ક્ષેત્રે પ્રગતિ કરી દેશના આર્થિક વિકાસમાં સહભાગી બને તે માટે હાલના વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦૦૬ થી કૃષિ મેળાઓ શરૂ કર્યા છે રાજકોટ ખાતે માર્કેટીંગ યાર્ડમાં મંત્રી જયેશભાઇ રાદડિયાની ઉપસ્થિતીમાં રાજકોટ તાલુકાનો ખરીફ કૃષિ મહોત્સવ ર૦૧૯ યોજાયો હતો.

આ પ્રસંગે કૃષિ મેળાના લાભો જણાવતા અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ ઉપસ્થિત ખેડુતોને જણાવ્યું હતું કે, સમયની સાથોસાથ ખેતી ક્ષેત્રે ઘણા બદલાવ આવી રહ્યા છે. ત્યારે તેની વૈજ્ઞાનિક સમજ મળી રહે  તે માટે આ મેળાઓમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે તેમજ રાજય સરકારન કૃષિ લક્ષી કલ્યાણકારી યોજનાની માહિતી પુરી પાડવામાં આવે છે જેનો લાભ ખેડુતોએ લઇ વિકાસશીલ ગુજરાતમાં સહભાગી બનવું જોઇએ.

રાજય સરકાર દ્વારા ટપક સિંચાઇ માટે ૭૦% સબસીડી આપવામાં આવે છે ખેતી તેમજ પશુપાલન માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા દરેક ખેડુતોને પ્રતિ વર્ષરૂ.૬ હજાર આપવામાં આવે છે તેમ મંત્રી જયેશભાઇએ જણાવી વિવિધ યોજનાઓ ખેડુતો તેમની આવક બમણી થાય તે દિશામાં આગળ વધે તેવી આશા વ્યકત કરી હતી.

આ પ્રસંગે માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખિયાએ ખેડુતો સમય સાથે તાલ મિલાવી ઓછા ખર્ચે વધુ પાક મળે અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લે તેમ જણાવ્યું હતુ.

કૃષિ મહોત્સવમાં ખેડુતોને પ્રોત્સાહન મળે તે માટે મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડુતોને 'આત્મા' એવોર્ડથી સન્માસનીત કરી પુરસ્કાર આપવામાં આવ્યો હતો કૃષિ તેમજ પશુપાલન વિભાગના તજજ્ઞો દ્વારા ખેડુતોને આધુનિક ખેતી તેમજ પશુપાલન વ્યવસાય અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, તાલુકા પંચાયતના રઘુવીરસિંહ, જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવાસીયા, અધિકારી એસ.કે. જોશી, તરઘડીયા યુનિ. વૈજ્ઞાનીકો તેમજ મોટી સંખ્યામાં ખેડુત ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:20 pm IST)