Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

રાજકોટ યાર્ડમાં પરપ્રાંતના શાકભાજી અને ફળોની આવકો પરનો પ્રતિબંધ હટાવાયો

આજે પરપ્રાંતમાંથી ટમેટા, તરબૂચ અને વટાણાની આવકો થઈ

રાજકોટ, તા. ૧૮ :. કોરોના સંક્રમણને અટકાવવા અઠવાડીયા પૂર્વે રાજકોટ યાર્ડમાં પરપ્રાંતમાંથી આવતા શાકભાજી અને ફળો પર મુકાયેલ પ્રતિબંધ હટાવી લેવાતા આજે પરપ્રાંતમાંથી ફળો અને શાકભાજીની આવકો થઈ હતી.

રાજકોટ યાર્ડમાં પરપ્રાંત મુંબઈ, બેંગ્લોર અને ગુજરાતમાંથી તરબૂચ, ટમેટા અને વટાણાની પુષ્કળ આવકો થતી હતી પરંતુ આ શાકભાજી અને ફ્રુટની ગાડીઓ સાથે પરપ્રાંતમાંથી મજુરો પણ આવતા હોય કોરોના સંક્રમણ ફેલાય નહિ તે હેતુથી તકેદારીના પગલારૂપે પરપ્રાંતમાંથી આવતા ફ્રુટ અને શાકભાજીની આવકો પર યાર્ડના સંચાલકો દ્વારા પ્રતિબંધ મુકવામા આવ્યો હતો. આ પ્રતિબંધના પગલે ટમેટા અને વટાણાનો ભાવો પણ વધી ગયા હતા. જો કે ગઈકાલથી યાર્ડના સંચાલકો દ્વારા આ પ્રતિબંધ હટાવી લેવાયાનું યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યુ હતું.

આ પ્રતિબંધ હટતાની સાથે જ રાજકોટ યાર્ડમાં પરપ્રાંતમાંથી આજે તરબૂચ, વટાણા, ટમેટાની પુષ્કળ આવકો થઈ હતી.

(4:04 pm IST)