Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

મોરબી રોડ પર ટ્રકે બાઈકને હડફેટે લેતા સંદીપ કાચાનું મોતઃ મિત્ર ઘવાયો

કડીયા મિત્રો સંદીપ અને મુકેશ મોરબી કડીયાકામ કરવા જતા'તા ને કાળ ભેટયોઃ મિત્ર મુકેશભાઈ ગોહેલ સારવારમાં

અકસ્માત સર્જનાર ટ્રક તથા બાજુમાં બાઈક અને મૃતક સંદીપની ફાઈલ તસ્વીર નીચે ઘવાયેલ મિત્ર મુકેશ નજરે પડે છે(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮ :. મોરબી રોડ પર મારવાડી કોલેજ પાસે ટ્રકના ચાલકે ડબલ સવારી જઇ રહેલા બે કડીયા મિત્રોના બાઇકને ઉલાળતા કડીયા યુવાનનું મોત નિપજયુ હતું જયારે તેના મિત્રને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર શ્રધ્ધા પાર્ક શેરી નં. ૩ માં રહેતા મુકેશભાઇ બચુભાઇ ગોહેલ (ઉ.૪૩) (કડીયા) અને તેનો મિત્ર સંદીપ નરેન્દ્રભાઇ કાચા (ઉ.ર૮) (કડીયા) (રહે. કૃષ્ણનગર મેઇન રોડ, પર સહકાર શેરી નં. ૪ ના છેડે) બંને સીબીઝેડ બાઇક લઇને કડીયા કામ કરવા માટે સવારે મોરબી જતા હતા ત્યારે મોરબી રોડ મારવાડી કોલેજ પાસે જીજે-૧૮-એ.યુ. ૯૯૭ર નંબરના ટ્રકના ચાલકે બાઇકને ઉલાળતા બંને મિત્રો ફંગોળાઇ ગયા હતાં. બનાવ બનતા ટ્રક ચાલક ટ્રક રેઢો મુકી ભાગી ગયો હતો.

બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને જાણ કરતા બન્નેને તાકીદે ૧૦૮ મારફતે સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા ત્યાં સંદીપ કાચાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ અને મુકેશભાઈ ગોહેલ સારવાર હેઠળ છે. આ બનાવની જાણ થતા જ કુવાડવા પોલીસ મથકના પીએસઆઈ પી.સી. મોલીયા અને રાઈટર હમીરભાઈ બનાવ સ્થળે દોડી જઈ તપાસ આદરી હતી.

મૃતક સંદીપ બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો અને અપરીણિત હતો. તે મુકેશભાઈ સાથે કડીયાગામ કરતો હતો. પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ આદરી છે.

(4:04 pm IST)