Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

રાજકોટ બન્યુ અગનભઠ્ઠી : ૪૩ ડિગ્રી

વર્ષ ૨૦૧૦માં પણ આખો મે મહિનો મહત્તમ તાપમાન ૪૧ થી ૪૫ ડિગ્રી વચ્ચે જ રહેલુ : તાપમાન વધુ રહે તો સારા વરસાદના સંકેત : શહેરમાં સવારે ૧૧:૩૦ વાગ્યે જ ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચી ગયેલો : સૂર્યદેવના પ્રકોપ સાથે વરસતી લૂથી નગરજનો ત્રાહીમામ : પશુ - પંખીઓની હાલત પણ દયનીય : હજુ બે દિવસ હિટવેવ કન્ડીશન રહેશે : હવામાન ખાતુ : સાંજ સુધીમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને આંબશે

રાજકોટ, તા. ૧૮ : છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યદેવ આકરા પાણીએ જોવા મળે છે. બે દિવસથી તો અસહ્ય તાપ સાથે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આકરા તાપ, ગરમી, લૂથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. હજુ પણ ગરમી કેડો નહિં મૂકે. બે દિવસ હિટવેવ જેવી કન્ડીશન રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયુ છે.

રાજકોટ શહેરની જ વાત કરીએ તો સૂર્યદેવનો આકરો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બપોરના સમયે રસ્તાઓ ઉપર પાંખી હાજરી જોવા મળે છે. શહેરીજનોથી માંડી પશુ-પંખીઓની હાલત પણ દયનીય બની છે. રાજસ્થાન ઉપરથી જમીન ઉપર સૂકા પવનો આવતા હોય ગરમીનું પ્રમાણ વધુ હોવાનું હવામાન તંત્ર દ્વારા જણાવાયુ છે. દરીયાથી અંતર વધે એટલે તાપમાનમાં વધારો થાય. વર્ષ ૨૦૧૦માં પણ આવી પરિસ્થિતિ જોવા મળી હતી. સમગ્ર મે માસ દરમિયાન ગરમીનો પારો ૪૧થી ૪૫ ડિગ્રી વચ્ચે જોવા મળેલ. તાપમાનમાં વધારો જોવા મળે તો વરસાદના સારા સંકેત થાય તેવી કહેવત છે.

રાજકોટ શહેરમાં આજે બપોરે ૨:૩૦ વાગ્યે ૪૩ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયેલ. જયારે અસહ્ય તાપ વચ્ચે ૧૮ કિલોમીટરની ઝડપે ગરમ લૂ ફૂંકાઈ રહી છે. આજે સવારે  ૧૧:૩૦ વાગ્યે જ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચી ગયુ હતું. આજે સાંજ સુધીમાં પારો ૪૪ ડિગ્રીને પણ વધી જાય તો પણ નવાઈ નહિં. હવામાન તંત્રએ કહ્યું છે કે હજુ બે દિવસ હિટવેવ જેવી કન્ડીશન રહેશે. મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી આસપાસ રહેશે.

રાજકોટમાં આખુ અઠવાડીયુ તડકો બોકાસો બોલાવશે

તા. ૧૮ થી ર૪ સુધી રોજ ૪૩-૪૪ ડીગ્રીની આગાહી : અત્યારે ઓરેંજ એલર્ટ છે, હવે તાપમાન વધે તો રેડ એલર્ટ

રાજકોટ તા. ૧૮ :.. શહેરમાં ઘણા દિવસોથી તોબા પોકરાવી રહેલ ગરમી હજુ ઓછુ થવાનું નામ લેતી નથી હવામાન ખાતાએ તા. ર૪ મે સુધી રોજ ૪૩ થી ૪૪ ડીગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. શહેરમાં અત્યારે ૪૩ ડીગ્રી આસપાસના તાપમાન સાથે ઓરેંન્જ એલર્ટ ચાલુ છે હવે  જો તાપમાન વધીને ૪૪ કે તેથી આગળ વધે તો રેડ એલર્ટ જાહેર કરાશે. હવામાન વિભાગે આજે તા. ૧૮ મીએ ૪૪ ડીગ્રી તેમજ તા. ૧૯ થી રર અને ર૪ મીએ ૪૩ ડીગ્રી રહેવાની આગાહી કરી છે. તો ર૩ મીએ તાપમાન ૪૪ ડીગ્રી થઇ જાય તેવો આજનો વર્તારો છે.

(3:52 pm IST)