Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

ગોંડલના મેસપરમાં રાજકોટના પોલીસમેનની હત્યામાં ૩ આરોપીઓ ૪ દિ'ના રીમાન્ડ પર

ત્રણેય આરોપીઓ અને સગીર કોર્ટમાં હાજર થયા હતાઃ માજી સરપંચ રાજભાના ઘરમાંથી તલાસી દરમિયાન દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા અલગ ગુન્હો દાખલ કરાયો

ગોંડલ, તા. ૧૮ :. ગોંડલના મેસપર ગામે પાંચ દિ' પૂર્વે રાજકોટના પોલીસ કોન્સ્ટેબલની થયેલ હત્યાની ઘટનામાં હાજર થયેલ ૪ આરોપી પૈકી ૩ આરોપીઓને કોર્ટે ચાર દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. જ્યારે એક બાળ આરોપીને જુવેનાઈલ બોર્ડમાં મોકલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત શનિવારના સાંજે તાલુકાના મેસપર ગામે ગિરાસદાર પરિવારો વચ્ચે માથાકુટ સર્જાતા રાજકોટના પોલીસ કમાન્ડો એવા નરેન્દ્રસિંહ જાડેજાની નિર્મમ હત્યા થવા પામી હતી. જેમાં રાજેન્દ્રસિંહ જટુભા જાડેજા પહેલેથી જ તાલુકા પોલીસે હાજર થતા ધરપકડ કરાઈ હતી. જ્યારે બાકી રહેતા ક્રિપાલસિંહ અજીતસિંહ જાડેજા, મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા તેમજ માધુભા પ્રવિણસિંહ જાડેજા કોર્ટના શરણે આવતા ધરપકડ કરાઈ હતી અને ત્રણેયને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ૪ દિ'ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. દરમિયાન તાલુકા પોલીસના પ્રોબેશનલ એએસપી અમિત વસાવા, રાઈટર રાજભા ગોહિલ તથા રાજદીપસિંહ ચુડાસમા અને સ્ટાફ દ્વારા મેસપર ખાતે પૂર્વ સરપંચ રાજભા જેઠુભા જાડેજાના ઘરની તલાસી લેવાતા ત્યાંથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવતા તે કબ્જે કરી તેના વિરૂદ્ધ આર્મ્સ એકટનો અલગથી ગુન્હો દાખલ કરાયો હતો.

(12:33 pm IST)