Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રાજકોટના કોન્‍ટ્રાકટર યુવાનને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં વધુ બેની સંડોવણીની આશંકા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૮: રાજકોટના કોન્‍ટ્રાક્‍ટર યુવકને હનીટ્રેપમાં ફસાવનાર આરોપીઓએ વધુ ૨ શખ્‍સના નામ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં જાગનાથ પ્‍લોટ, જાગનાથ મંદિરની બાજુમાં  રાજમંદિર એપાર્ટમેન્‍ટ ફલેટ નંબર ૪૦૩માં યાજ્ઞિક રોડ ખાતે રહેતા કન્‍સ્‍ટ્રક્‍શનનું કામ કરતા ધર્મેશભાઈ પ્રવીણભાઈ પંડ્‍યાને રૂહી પટેલ તરીકેની ઓળખ આપી યુવતીએ જૂનાગઢ ખાતે મળવા બોલાવી બાદમાં હનીટ્રેપમાં ફસાવી યુવાન પાસેથી ૨૫ લાખનું લખાણ કરાવી સોનાની વીંટી વગેરે પડાવી લેવાના કેસમાં ૨ મહિલા સહિત ૫ શખ્‍સ સામે ફરિયાદ થતાં એસઓજીએ હિના કાનજીભાઈ વાઢેર-જૂનાગઢ, નિયોજિત નરસિંહભાઈ ઠુંમર-રાજકોટ, રાહુલ સુરેશભાઈ પરમાર-રાજકોટ અને હીનાબેન રમેશભાઈ વીરડીયા-જૂનાગઢને ઝડપી લીધા હતા.

બાદમાં બી ડિવિઝનનાં તપાસનીશ પીએસઆઇ આર. એમ. વાળાએ કોર્ટમાં રજુ કરી ૧૮ એપ્રિલ, ગુરુવાર સાંજ સુધીનાં રિમાન્‍ડ પર મેળવી વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપીઓએ તેમની સાથે અન્‍ય ૨ શખ્‍સની સંડોવણી હોવાનું જણાવી બંનેનાં નામ આપ્‍યા હતા. આથી પોલીસે નામ મુજબના શખ્‍સોની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.

(1:48 pm IST)