Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કાલે મનપાનું જનરલ બોર્ડઃ ૬ મહિના બાદ લોકપ્રશ્નો ચર્ચાશે કે...?

ભાજપ-કોંગ્રેસના ૧૯ થી વધુ કોર્પોરેટરોના પાણી, આરોગ્ય, બાંધકામ સહિતના કુલ ૪૬ પ્રશ્નોની ચર્ર્ચાઃ પારડી રોડ પરના કોમ્યુનીટી હોલ તથા : શોપીંગ સેન્ટરનું પૂ. રણછોડદાસજી બાપુ નામકરણ, સીટી ઇજનેર (સ્પે) તથા ચીફ એકાઉન્ટની પસંદગી કરવા સહીત ૮ દરખાસ્તો અંગે નિર્ણય થશે

રાજકોટ, તા., ૧૮:  મ્યુનિસીપલ કોર્પોરેશનમાં દર બે મહિને મળતી જનરલ બોર્ડની બેઠક કાલે  તા. ૧૯ એપ્રિલને ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે મળશે.  આ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસના ૧૯ થી વધુ કોર્પોરેટર દ્વારા પાણી, આરોગ્ય, બાંધકામ, ટી. પી. સહિતના ૪૬ થી વધુ  પ્રશ્નો રજૂ કર્યા છે. આ સભામાં કોંગ્રેસના વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટર ઘનશ્યામસિંહ એ. જાડેજાનાં પ્રથમ પ્રશ્ને ચર્ચા થશે. અત્રે નોંધનીય છે કે, મ્યુનિસીપલ કોર્પોરેશનનું જનરલ બોર્ડ છેલ્લે ઓકટોબર માસમાં મળ્યું હતું. છ મહિના બાદ મળનાર આ જનરલ બોર્ડમાં લોકપ્રશ્ને ચર્ચા થશે કે નહિ?  માત્ર રાજકીય આક્ષેપબાજી થશે?

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ કાલે બપોરે ૧૧ કલાકે કોર્પોરેશન કચેરીના બીજા માળે આવેલ રમેશભાઇ છાંયા સભાગૃહમાં મેયર ડો.જૈમનભાઇના અધ્યક્ષસ્થાને મળનારી સામાન્ય સભા મળશે. આ સભામાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા પાણી, આરોગ્ય, બાંધકામ સહીતના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા છે.

જેમાં પ્રથમ પ્રશ્ન કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ વોર્ડ નં. ૧૧ ના વિસ્તાર જીવરાજ પાર્કથી આર્યલેન્ડ કસ્તુરી પાર્ક વિસ્તારનો ડામર રોડ વર્ષ ર૦૧૭-૧૮ ના એકશન પ્લાનમાં પાસ થયેલો ને બાદમાં આ કામગીરી એક એજન્સીને પણ સોંપવામાં આવેલી. રસ્તાના ખાત મુર્હુત પણ થયેલા પણ વર્ષ થવા છતા પણ આ રોડનું કામ શરૂ કરવામાં આવેલ નથી. તો કયાં કારણોસર વિલંબમાં છે ?

વોર્ડ નં. ૧૧ માં રા. મ્યુિ.ન કોર્પો. દ્વારા વૃક્ષારોપણ દ્વારા વૃક્ષો વાવેતર કરેલ તેમજ રોડ પર વૃક્ષો વાવેલા છે. પરંતુ હવે ઉનાળાની ગરમીના કારણે આ વૃક્ષો જીવન-મરણ  વચ્ચે જોલા ખાય છે. તો આ વૃક્ષોને પાણી માટેનો શું આગામી પ્લાન છે ?

આ વોર્ડના ઘણા બધા વિસ્તારમાં પાણીના વાલ્વ લીકેજ છે. ને પાણી બગાડ થાય છે. તે બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવેલ ને વાલ્વ બદલી પણ થયેલ છે. પણ જે તે સ્થીતી છે તો શું અમારા આ વિસ્તારને પણ વાલ્વ કૌભાંડ ભરખી ગયેલ છે. સહિતના પ્રશ્નો રજૂ કર્યા છે.

જયારે બીજો પ્રશ્નો કોંગ્રેસના સીમ્મીબેન જાદવ દ્વારા ટી.પી., ઓડીટ તથા પ્રોજેકટનો રજૂ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અશ્વિનભાઇ ભોરણીયાએ ટી. પી. શોપ-ર, અનિતાબેન ગૌસ્વામીએ રોશની, જગ્યા રોકાણ-ર, મનસુખભાઇ કાલરીયા-સો. વે.મે., વોટર વર્કસ, ટ્રાફીક એન્ડ ટ્રાન્સ-૩, વર્ષાબેન રાણપરા-આવાસ યોજના, રોશની-ર, અજયભાઇ પરમાર જગ્યા રોકાણ, માર્કેટ-ર, અંજનાબેન મોરઝરીયા-વોટર વર્કસ, દેવરાજભાઇ મકવાણા-ટી. પી. બાંધકામ, વિજયાબેન વાછાણી-આરોગ્ય-ર, બીનાબેન આચાર્ય-આરોગ્ય ટી.પી.-ર, મનીષભાઇ રાડીયા-વોટર વર્કસ, ટેક્ષ-ર, વશરામભાઇ સાગઠીયા-એસ્ટેટ, વોટર વર્કસ, આરોગ્ય-૩, રેખાબેન ગજેરા-પી.પી.પી. યોજના, ટી. પી., ગાર્ડન-૩,

કોંગ્રેસના પુર્વ વિપક્ષી નેતા  ગાયત્રીબા વાઘેલાએ  ફુડ, બાંધકામ, સો. વે. મે., મુકેશભાઇ રાદડીયા સો. વે. મે. શોપ,  અતુલભાઇ રાજાણી-વોટર વર્કસ, બાંધકામ-ર, દિલીપભાઇ આસવાણી સાં. વિ. વિ. બાંધકામ, વિજીલન્સ, ગીતાબેન ડી. પુરબીયાએ વોટર વર્કસ, ડ્રેનેજ બાંધકામ સહિતના ૪૬ પ્રશ્નો પુછવામાં આવ્યા છે.

૮ દરખાસ્તો અંગે નિર્ણય

 મ્યુનિ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં સીટી એન્જીનીયર (સ્પે.), ચીફ એકાઉન્ટની જગ્યા ભરવા માટે ઉમેદવારની પસંદગી, વોર્ડ નં. ૧૭ ના પારડી રોડ પર આવેલ કોમ્યુનીટી હોલ તથા શોપીંગ સેન્ટરનું પૂજય રણછોડદાસજીબાપુ નામકરણ કરવા તથા વોર્ડ નં. ૮ માં લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ ગાર્ડનને ગોકળભાઇ ભગત નામકરણ કરવા સહિતની ૮ દરખાસ્તો અંગે નિર્ણય થશે. (૪.૧૧)

(4:28 pm IST)