Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

વિવેકાનંદ ઇન્સ્ટી.ના સંચાલકના પત્નિનું ૭મા માળેથી પટકાતા મોત

મહિલા કોલેજ ચોક પાસે મેરીગોલ્ડ રેસિડેન્સીમાં બનાવઃ માયાબેન મોહલાની (ઉ.૬૨) ગેલેરીમાં કપડા સુકવતી વખતે પડી ગયાઃ પતિ રમેશભાઇ નેભલદાસ બનાવ વખતે ન્હાવા ગયા'તાઃ એક પુત્ર મુંબઇ રહે છેઃ સિંધી પરિવારમાં અરેરાટી

જ્યાં ઘટના બની તે મહિલા કોલેજ ચોકમાં આવેલ મેરીગોલ્ડ રેસિડેન્સી બિલ્ડીંગ તથા ઘટના સ્થળે માયાબેન રમેશભાઇ મોહલાનીનો નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

 

રાજકોટ તા. ૧૮: કુવાડવા રોડ પર કુચીયાદળમાં આવેલ ખુબ જ જાણીતી વિવેકાનંદ ઇન્સ્ટીટ્યુટ ઓફ હોટેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટના સંચાલકના ૬૨ વર્ષિય ધર્મપત્નિ મહિલા કોલેજ ચોક પાસે આવેલા મેરીગોલ્ડ બિલ્ડીંગના સાતમા માળેથી પડી જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. કપડા સુકવતી વખતે ગેલેરીમાંથી અકસ્માતે પટકાયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. બનાવથી સિંધી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મહિલા કોલેજ ચોક કોસ્મો કોમ્પલેક્ષ નજીક આવેલા મેરિગોલ્ડ રેસિડેન્સમાં સાતમા માળેથી એક વૃધ્ધા પડી ગયાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટીએ વૃધ્ધાને મૃત જાહેર કર્યા હતાં. આ વૃધ્ધા સાતમા માળે રહેતાં માયાબેન રમેશભાઇ મોહલાની (સિંધી) (ઉ.૬૨) હોવાનું ખુલ્યું હતું. એ-ડિવીઝન પોલીસને જાણ થતાં પી.એસ.આઇ. જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. ભીખાલાલ પટેલ, રાઇટર વિરેન્દ્રસિંહ સહિતના દોડી ગયા હતાં.

પોલીસે તપાસ કરતાં એવી વિગતો ખુલી હતી કે માયાબેન પોતાના ફલેટની બાલ્કનીમાં કપડા સુકવતી વખતે પડી ગયા હતાં. એ વખતે એમના પતિ રમેશભાઇ બાથરૂમમાં ન્હાવા ગયા હતાં. રસોઇયાએ તેમને જાણ કરી હતી.

પોલીસની વિશેષ તપાસમાં ખુલ્યા મુજબ માયાબેનના પતિ રમેશભાઇ મોહલાની કુચીયાદળમાં આવેલી જાણીતી શિક્ષણ સંસ્થા વિવેકાનંદ ઇન્સ્ટીટ્યુટ ઓફ હોટેલ એન્ડ મેનેજમેન્ટના સંચાલક છે. તેમને સંતાનમાં એક પુત્ર છે જે મુંબઇ રહે છે અને ત્યાં છાત્રોને વિદેશ નોકરીએ મોકલવા માટેની કામગીરી કરે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટના આકસ્મિક હોવાનું હાલ બહાર આવ્યું છે. આમ છતાં પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે. બનાવને પગલે મેરીગોલ્ડના રહેવાસીઓમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. (૧૪.૧૧)

(4:26 pm IST)