Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

મુખ્ય કોન્ટ્રાકટરે તો ઠીક પેટા કોન્ટ્રાકટરે પણ કામ 'પેટા'માં આપ્યું !!

મચ્છુ-૧થી આજી ડેમની પાઈપલાઈન કામમાં ચાલતી સાવ લાલીયાવાળીઃ આમા વાલ્વ ન તૂટે તો થાય શું ? સિંચાઈ અધિકારીઓ કઠપુતળી બની કામ કરતા હોવાનો ગ્રામજનોનો રોષઃ જબરી ગોલમાલઃ વિજીલન્સ તપાસ કરવામાં આવે તો કૈંકના તપેલા ચડે અને જબરા ધડાકા થાય

રાજકોટ, તા. ૧૮ :. સુર્યરામપરા પાસે વાલ્વ તૂટયો અને પાણીની તંગીના સમયમાં કરોડો લીટર પાણી વેડફાયુ જેમાં આ ગંભીર બેદરકારી માટે કોણ જવાબદાર ? તે અંગે તો તથ્ય બહાર ન જ આવ્યું પરંતુ એક ચોંકાવનારી હકીકત એવી બહાર આવી છે કે સૌની યોજનાના આશરે સાડા ત્રણસો કરોડમાં પ્રથમથી જબરી ગોલમાલ ચાલી રહી છે. ચોંકાવનારી વિગતો એવી ચર્ચાઈ રહી છે કે આ કરોડોનું કામ અમદાવાદની સોમનાથ નામની કંપનીને અપાયુ છે. આ કંપનીએ ડેમ પરનું પમ્પીંગ કામ કોઈ બીજાને પેટામાં આપ્યુ છે અને પાઈપ લાઈનનું કામ કોઈ રાધે નામની કંપનીને આપી દીધુ છે. એથી પણ ચોંકાવનારી હકીકતો એવી છે કે, રાધે એ પણ વલી પેટામાં કામ આપી દીધુ છે.

મચ્છુ ડેમની આજુબાજુના ગ્રામજનોએ મુખ્ય કોન્ટ્રાકટરને તો કયારેય જોયા નથી ! વળી રાધે નામની કોન્ટ્રાકટ કંપનીના કોન્ટ્રાકટરને આ કામ પેટામાં આપ્યુ છે પરંતુ સિંચાઈના અધિકારીઓને કે રાધે કંપનીના જવાબદારો કયારેય નજરે પડતા નથી. નાના નાના પેટા કોન્ટ્રાકટરોને અલગ અલગ કામો આપી દેવાયાનું કહેવાય છે.

મુખ્યમંત્રીના હસ્તે જે યોજનાનો પ્રારંભ થયો હોય અને એમાં સિંચાઈ વિભાગ અને મુખ્ય કોન્ટ્રાકટરોના યોગ્ય સુપરવિઝન વિના અને જરૂરી ચકાસણી વિના થઈ રહેલા કામોનો અંજામ પાઈપલાઈન તુટે એવો જ આવે અને તોડફોડનો આરોપ ગ્રામજનો કે અજાણ્યા માણસો ઉપર ઢોળી દેવાની વાતથી પણ ભારે રોષ સુર્યરામપરામાં નજરે પડે છે.

મોટા માથાઓની લોકોના પૈસાની મલાઈ તારવીને અન્યોને કામો આપી દેવાની નિતી અને સિંચાઈ વિભાગના અધિકારીઓની મીલીભગતથી જ નબળા કામો થતા હોય છે અને હાલમાં અત્યંત કિંમતી એવા નર્મદાના જળનો મોટો બગાડ થાય છે.

સુર્યરામપરા આસપાસના લોકોના જણાવ્યા મુજબ પ્રારંભથી પાઈપલાઈનના નબળા કામ થઈ રહ્યાની શંકા ગ્રામજનોને હતી, આ ઉપરાંત તુટેલા વાલ્વને કોઈપણ તોડી શકે તે ડેમેજ કરી શકે તેવુ નથી ત્યારે વાલ્વ લીકેજ થયો કે તૂટયો તે માટેનુ કારણ પણ હજુ રહસ્યમય જ છે.

દરમિયાન વાલ્વ તૂટયો અને કરોડો લીટર પાણી વેડફાયુ છતા સિંચાઈ વિભાગ કે મુખ્ય કોન્ટ્રાકટરો સોમનાથ કે પટેલ એન્જીનીયરીંગના જોઈન્ટ વેન્ચરે ગંભીરતા ન લીધી અને ઉલ્ટાનું પાઈપ લાઈનના કામમાં વધુ બેદરકારીઓ દાખવાઈ રહ્યાનું ચર્ચાય છે.

હાલમાં ફરી બીજી પાઈપલાઈનનું કામ શરૂ થયુ છે. તેમા પણ જબરી બેદરકારી દાખવાઈ રહ્યાનો રોષ ગ્રામજનોમાં ઉઠયો છે. ગ્રામજનો એવુ ચર્ચી રહ્યા છે કે ૪૦૦ કરોડથી વધુના આ કામમાં જો પ્રથમથી વીજીલન્સ તપાસ કરવામાં આવે તો જમીન વિકાસ નિગમના કૌભાંડો તો પાશેરામાં પહેલી પુણી જેવા જણાશે.

મળતા અહેવાલો મુજબ કરોડોના આ કામ અંગે સિંચાઈ વિભાગ પાસેથી સત્તાવાર રીતે વિગતો મેળવી ઉચ્ચ સ્તરે તપાસ માંગવાના ચક્રો ગતિમાન થયા છે.(

સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારી શું કહે છે...

રાજકોટઃ ચારસો કરોડથી પણ વધુ રકમના મચ્છુ-૧ થી આજી-૧ મા પાણી પહોંચાડવાની સૌની યોજનાના કામમાં કોન્ટ્રાકટર કોણ અને કામ કરે કોણ તે બાબતે તથા જબરો વાલ્વ તૂટી જવા બાબતે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી મહેતાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, મુખ્ય કોન્ટ્રાકટર તો સોમનાથ અને પટેલ એન્જીનીયરીંગ (જે.વી.)મા છે પરંતુ તેઓ  પેટામાં કામ આપી શકે કે નહી તે જોવું પડશે, હું અત્યારે બહારગામ છું શુક્રવારે આવીને વાત કરીએ.

દરમ્યાન સુર્યરામપરા પાસે પાણીનો વિશાળકાય વાલ્વ તુટવા પાછળ કયા પરીબળો એ ભાગ ભજવ્યો તે અંગે તેમણે જણાવ્યું કે વાલ્વ બરાબર હતો પરંતુ આવડો મોટોવાલ્વ કોઇ ગ્રામજનો તોડી શકે કે વાલ્વ જ નબળી ગુણવતા નો હતો તે પ્રશ્ન નો જવાબ તેઓ આપી શકયા નહતા.(૨-૨૭)

 

(4:11 pm IST)