Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ગરમીમાં વધ-ઘટઃ દ. ભારત - જમ્મુ કાશ્મીરમાં વરસાદ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી જમ્મુ કાશ્મીર અને દ. ભારતમાં હળવો - મધ્યમ વરસાદ પડશેઃ આજે - કાલે ૪૦ થી ૪૩ ડિગ્રી, શનિવારે આંશિક ઘટાડો થશે, ૨૧મીએ ૩૮ થી ૪૧ ડિગ્રી વચ્ચે, ૨૨મીથી ફરી તાપમાન વધશે : તા.૨૩ થી ૨૫ ગરમીનો પારો ૪૧ થી ૪૪ ડિગ્રી વચ્ચે રહેશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલનો નિર્દેશ

રાજકોટ, તા. ૧૮ : સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં આ સપ્તાહ દરમિયાન ગરમીમાં વધ-ઘટ જોવા મળશે. જો કે ગરમીમાં બહુ ઘટાડો નહિં થાય. જયારે દક્ષિણ ભારત અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે કરી છે.

આ અગાઉ ગત અઠવાડીયે આપેલી આગાહી મુજબ ગઈકાલે ગરમીનું પ્રમાણ વધુ જોવા મળેલ. ગરમ સેન્ટરોમાં મહત્તમ તાપમાન ૪૦ થી ૪૩ ડિગ્રીની રેન્જમાં નોંધાયેલ. જે પૈકી સૌથી વધુ ગરમ સેન્ટર અમરેલીમાં ૪૨.૪ ડિગ્રી (નોર્મલથી બે ડિગ્રી ઉંચુ), કંડલા એરપોર્ટ ૪૨ ડિગ્રી, સુરેન્દ્રનગર ૪૧.૮, ભુજ - ૪૧.૬ (નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ), રાજકોટ ૪૧.૫ (નોર્મલથી બે ડિગ્રી ઉંચુ) ડીગ્રી નોંધાયેલ. જયારે સૌથી વધુ ખરાબ હાલત પોરબંદરમાં ૪૧.૪ ડિગ્રી નોંધાયેલ. જે નોર્મલથી ૮ ડિગ્રી ઉંચુ જોવા મળેલ. જયાં તીવ્ર હીટવેવ નોંધાયેલ.

અશોકભાઈ તા.૧૮ થી ૨૫ એપ્રિલની આગાહી અંગે જણાવે છે કે તા.૧૮, ૧૯ (બુધ-ગુરૂ) મહત્તમ તાપમાન ૪૦ થી ૪૩ ડિગ્રી વચ્ચે રહેશે. જયારે તા.૨૦ના આંશિક ઘટાડો થશે. ૨૧મીએ તાપમાનની રેન્જ ૩૮ થી ૪૧ ડિગ્રી વચ્ચે અને ૨૨મીથી ફરી ગરમી વધશે. તા.૨૩, ૨૪, ૨૫ દરમિયાન ગરમીનો આકરો રાઉન્ડ આવશે. પારો ૪૧ થી ૪૪ ડિગ્રી વચ્ચે રહેશે. આમ આગાહીના પાછલા દિવસોમાં ત્રણ દિવસ જોરદાર ગરમી પડશે.

જયારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તા. ૧૮ થી ૨૧ દરમિયાન મ્મુ કાશ્મીર અને લાગુ રાજયોમાં કયારેક વરસાદ પડશે. તેમજ દક્ષિણ ભારત, કોસ્ટલ કર્ણાટક અને કેરળમાં તા.૧૮ થી ૨૩ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડશે.(૩૭.૧૧)

(4:10 pm IST)