Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

હેપ્પી વેકેશન

બાળકોને તેની મોજમાં જ રહેવા દો

અત્યારે લગભગ બધી જ પરીક્ષાઓ પુરી થઈ જ ગઈ હશે અને બધાના ઘરમાં રજાનો માહોલ ચાલુ થઈ ગયો હશે. આખા વર્ષના ભણતરનો થાક આ રજાઓમાં જ તો ઉતારવાનો હોય ને, આ રજાની તો મજા જ અલગ હોય છે, કેવી મજા કરતા આપણે ઉનાળા વેકેશનમાં યાદ છે ને? છેલ્લું પેપર હોય પરીક્ષાનું ત્યારથી જ મગજમાં તો વેકેશન ચાલુ થઈ ગયું હોય, કલાકોની ગણતરી કે હવે આટલા જ કલાકો બાકી પરીક્ષા પુરી થવાંને, જેવી પરીક્ષા પુરી થાય કે જાણે કોઈ કેદી જેલમાંથી છુટ્યો હોય એવા આનંદની અનુભુતિ થાય. કોઈની રોકટોક નહીં સાંભળવાની મનમાં આવે ત્યારે સુવાનું અને નીંદર ઉડે ત્યારે જ ઊઠવાનું, મિત્રો સાથે આખી સોસાયટી માથે લેવાની, છોકરાઓ તો બધાના ઘરનાં કાચ એક- એક વાર તોડી ના લે ત્યાં સુધી સાચાં ક્રિકેટરના કહેવાય અને છોકરીઓ પણ કુંડાળાની જાત- જાતની કુકરીઓ બનાવવામાં પોતાની ઈનોવેટીવનેશ દેખાડે. ભુલેચૂકે  કે પણ ચોપડીઓને હાથ નહી અને ઘરનાં લોકો આપણાં તોફાનોથી થાકીને સામેથી પુછે કે હવે કેટલા દીવસ બાકી છે. વેકેશનનાં એટલો ત્રાસ આપવાનો, થોડાં દિવસ મામાના ઘેર જવાનું અને ત્યાં તો રામરાજ જ હોય તેમ આપણી બધી જ જીદો મામા પાસે પુરી કરાવવાની...શું યાદગાર દિવસો હતાંને એ અત્યારે પણ યાદ કરીએ તો એક જ અફસોસ થાય કે શું કામ મોટા થઈ ગયાં આપણે???

જયારે અત્યારના બાળકોનાં વેકેશન પર નજર કરીએ તો તેમને પણ આપણા જેટલું જ વેકેશન મળે છે અને તેઓ પણ ઉજવે જ છે એક ''પધ્ધતિસર વેકેશન'' પરીક્ષા પુરી થયાનાં એકાદ અઠવાડીયાં સુધી અઠવાડીયું પુરું થતાં જ બાળકોને વેકેશનમાં ચાલતાં અલગ- અલગ વર્ગોમાં દાખલ કરવામાં આવે છે, જેથી આ સમયમાં તે કંઈક બીજુ પણ શીખી શકે. ભણતરનાં બોજથી થાકેલાં બાળકોને વેકેશનનું પણ એક અલગ જ ટાઈમ ટેબલ અનુસરવાનું હોય છે. સવારમાં ઊઠતા વેત જ બાળકોને સ્પોર્ટસ રમવા જવાનું અને ત્યાંથી થાકી ને આવે ત્યાં સંગીતના વર્ગો તેમની રાહ જોતા હોય ત્યાંથી ફકત જમવા માટે ઘેર આવવાનું અને બપોર પછી સ્વીમીંગ શીખવા જવાનું અને ત્યાંથી છુટ્ટા થઈને ડાન્સ શીખવા તો જવું જ પડે આવાં અલગ- અલગ ઘણા વર્ગો ચાલતા હોય છે. જેમાં બાળકોને મોકલવામાં આવે છે. આ બધાં જ વર્ગો દ્વારા બાળક ભણતર સિવાયની પ્રવૃતિમાં પણ આગળ વધી શકે છે. પરંતુ આ બધી જ જગ્યાએ આગળ વધવામાં બાળકનું બાળપણ કયાંક પાછળ છુટી જતું હોય એવું નથી લાગતું?

માતા-પિતા હંમેશાએ જ ઈચ્છતા હોય છે કે પોતાનું બાળક બધાં જ ક્ષેત્રમાં આગળ વધે પરંતુ  તેનાં માટે તેમના બાળપણનો ભોગ લેવોએ શું વ્યાજબી છે??  તમારાં બાળકને શું ગમે છે, તેને કંઈ પ્રવૃત્તિમાં રસ પડે છે એ જાણીને એ જ શોખમાં તે આગળ વધે અને તેનાં માટે સમય આપે તે સમજી શકાય એવું છે પરંતુ આંધળા અનુકરણમાં આવીને અને બીજાને દેખાડી દેવાં કે મારુ બાળક બીજા કરતાં કંઈક વિશેષ છે માતા- પિતાએ પણ ભુલી જાય છે કે આ એક નાનકડું બાળક છે, કોઈ મશીન નથી કે તમે એને ગમે તેમ ચલાવો, અરે મશીનને પણ વ્યવસ્થિત રીતે વાપરવામાંના આવે તો એ બગડી જાય છે, તો આ તો એક બાળક છે, તેનાં મન પર શું અસર થતી હશે એ જાણવાનો પ્રયાસ કર્યો કોઈ દિવસ? હજુ તો એમને પોતાની જીંદગી ચાલુ કરી છે, ઘણો બધો સમય છે એમની પાસે નવું- નવું શીખવાનો અને કરવાનો પરંતુ આ બધામાં એમનો જે બાળપણનો સમય છે, હસવા- રમવાંનો, નીખાલસ તોફાનો કરવાનો સમય, નાની- નાની આંખોથી મોટા- મોટા સપનાઓ જોવાનો સમય અને કાગળની હોળીઓ બનાવીને પોતાનાં જ એક કાલ્પનિક જગતમાં રહેવાનો સમય તો શું કામ એમનાં આ સમયમાં વિક્ષેપ પાડીને એમને આ વાસ્તવિક જગતની  હરીફાઈ, દેખાદેખીનો પરિચય આટલી નાની ઊંમરથી જ કરાવવો જોઈએ, એમને પોતાની નાનકડી અને અણસમજુ દુનિયામાં જ રહેવાં દો ને કારણ કે સમજી વિચારીને જીંદગીનો કેટલો આનંદ લઈ શકાય છેએ તો આપણું મન જ જાણે છે.

આ બાળપણનો સમય એમનો ''ગોલ્ડન પીરીયડ'' છે જે એમનાં જીવનમાં ફરી કયારેય આવવાને નથી. તો એમને પણ આ સમય પોતાની રીતે જીઁવવા દો જેથીએ પણ જયારે મોટાં થઈને પોતાના બાળપણને યાદ કરે ત્યારે તેમને પણ એ સમયના જીવી શકયાનો અફસોસ નહીં પરંતુ ફરી એકવાર એ સમય જીવવાનું મન થાય, પાછો બાળક બનવાનું મન થાય. તો ચાલો આજથી જ બધાં તૈયાર થઈ જાવ પોતાનાં બાળક માટે તેનાં બાળપણની મીઠી યાદો ભેગી કરવામાં અને તેમનાં બાળપણને વધુ રંગીન બનાવવામાં એમને મદદ કરવા માટે.(૩૦.૪)

સી.એ.રિધ્ધી કે ખખ્ખર, મો.૯૬૩૮ ૯૦૧૧૧૪

(4:06 pm IST)