Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

દુધની ફ્રેન્ચાઇઝી આપતી માર્કેટીંગ વિરુધ્ધ લેણી રકમ વસુલવાનો દાવો મંજુર કરતી કોર્ટ

રાજકોટ તા. ૧૮: દૂધની ફ્રેન્ચાઇઝી આપતી એકઝીસ્ટન્સ માર્કેટીંગ પ્રા.લી. વિરૂધ્ધનો લેણી રકમ વસુલ મળવાનો દાવો મંજુર કરતી અદાલતે કહયું આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે નિશાબેન જયોતિકુમાર ખંભોળીયાને એકઝીસ્ટન્સ માર્કેટીંગ પ્રા.લી. કંપનીએ ગોપાલક ધી મિલ્ક રીવોલ્યુશનના નામથી દૂધ અને દૂધની વસ્તુઓ અંગેની ફ્રેન્ચાઇઝી આપેલી. અને જે સંબંધેનો કાયદેસરનો ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ નિશાબેન જયોતિકુમાર ખંભોળીયા સાથે કરેલ. અને જે ફ્રેન્ચાઇઝી સંબંધિત કંપની દ્વારા નક્કી થયા મુજબ વાદી નિશાબેન ખંભોળીયાએ રૂ. ૧૦,૦૦૦/- ડીપોઝીટ પેટે કંપનીને ચેકથી આપેલા અને જે અંગેની રીસીપ્ટ કંપનીએ કરી આપેલ.

એકઝીસ્ટન્સ માર્કેટીંગ પ્રા.લી. કંપનીએ દૂધની ડીલીવરી સંબંધિત નિયત કરેલી સ્કીમ મુજબ ફ્રેન્ચાઇઝી હોલ્ડરે વર્તવાનું અને તે અનુસાર કંપનીએ નિયત કરેલ શરતો અનુસાર દુધની ડીલીવરી આપવાની હતી. કંપની દ્વારા શરુઆતના સમયગાળામાં દૂધની ડીલીવરી નિયત શરતો અનુસાર કરેલી પરંતુ ત્યારબાદ અનિયમિતતા થવા લાગેલ અને જે અનિયીમતતા અંગે વાદી નિશાબેનએ કંપનીને જાણ કરેલી. અને જે અનિયમિતતા અંગેનો કંપનીએ સ્વીકાર કરેલ.

પ્રતિવાદી કંપનીની બેદરકારી તથા ડીલીવરીની અનિયમિતતા તેમજ ફ્રેન્ચાઇઝી સમયે નક્કી થયા મુજબ સંપૂર્ણ દૂધ પુરૂ નહીં પાડવાના કારણે વાદી નિશાબેન ખંભોળીયાને ઘણી નુકશાની વેઠવી પડેલ અને આ પરિસ્થિતિમાં ઘણી મુશ્કેલીઓ વેઠવી પડેલ. પરંતુ કંપનીએ તે અંગે કોઇ ગંભીરતા દાખવેલ નહીં અને ખોટી ખાતરી અને વિશ્વાસ આપેલ.

વાદી નિશાબેન અને અન્ય ફ્રેન્ચાઇઝી હોલ્ડરની અવાર-નવાર ફરીયાદને કારણે પ્રતિવાદી કંપનીએ ફ્રેન્ચાઇઝી હોલ્ડરની ડીપોઝીટની રકમ તથા જમા પડેલ રકમ સહિતની રકમ પરત આપવાનું નક્કી કરેલ. પ્રતિવાદી કંપનીના બેદરકારીભર્યા કૃત્યને કારણે અને ફરીયાદો અંગે કોઇ ગંભીરતા નહીં દાખવવાના કારણે વાદી નિશાબેન ખંભોળીયાએ ડીપોઝીટ સહિતની રકમ સ્વીકારવાનું નક્કી કરેલ. પ્રતિવાદી એકઝીસ્ટન્સ માર્કેટીંગ પ્રા.લી.એ વાદી નિશાબેન ખંભોળીયાના નામનો રૂ. ૩,૨૫,૦૦૦/- અંકે રૂપિયા ત્રણ લાખ પચ્ચીસ હજાર પૂરાનો ચેક આપેલ. જે ચેક કલીયર થયા વિના ફંડઝ ઇનસફીશીયન્ટના શેરા સાથે પરત ફરેલ. જે અંગે વાદી નિશાબેન ખંભોળીયાએ પ્રતિવાદી કંપનીને લીગલ નોટીસ પાઠવેલ. પરંતુ પ્રતિવાદી કપની કે તેના ડિરેકટર્સ નોટીસ મુજબ વર્તેલ નહીં કે વાદી નિશાબેન ખંભોળીયાની કાયદેસરની લેણી રકમ વસૂલ આપેલ નહીં.

જેથી વાદી નિશાબેન ખંભોળીયાએ રાજકોટની એડી. સ્મોલ કોઝ કોર્ટમાં દિ.કે.નં.: ૯૧/૨૦૧૭થી એકઝીસ્ટન્સ માર્કેટીંગ પ્રા.લી. કંપની અને તેના ડિરેકટર્સ વિરુધ્ધ લેણી રકમ વસૂલ મળવા અંગેનો દાવો દાખલ કરી વ્યાજ સહિતની રકમ અપાવવા દાદ માંગેલ. જે દાવાના કામે પ્રતિવાદીઓને યોગ્ય રીતે સમન્સ-નોટીસની બજવણી થઇ ગયેલ. દાવાના કામે વાદીએ રજુ રાખેલ દસ્તાવેજી પુરાવા તથા મોૈખિક પુરાવા અને કાયદાકીય જોગવાઇઓ અને દલીલોને ધ્યાને લઇ નામદાર અદાલતે વાદી નિશાબેન ંખંભોળીયાનો લેણી રકમનો દાવો રૂ. ૩,૨૫,૦૦૦/- ઉપર ૭% લેખે દાવો કર્યા તારીખથી વ્યાજ સહિતની રકમ ચુકવવામાં હુકમ ફરમાવી દાવો મંજુર કરેલ.

આ કામમાં વાદી નિશાબેેન જયોતિકુમાર ખંભોળીયા વતી એડવોકેટ તરીકે હરેશ બી. દવે, નરેશ જી. દવે તથા મેહુલ વિ. મહેતા રોકાયેલ. (૧.૧૯)

(2:46 pm IST)