Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કોર્પોરેશનના પટેલભાઇના નામે છેતરી જનારા ગઠીયાની શોધખોળ

મકાનની નવી આકારણી પેટે વેરાના ૨.૨૮ લાખ માંગ્યા'તાઃ ગુલાબવાટીકામાં બનાવઃ વૃધ્ધએ પોતાના દિકરા સાથે વાત કરતાં ગઠીયાએ લાવો હું વાત કરું કહી ફોન લઇ લીધો ને વાત થઇ ગઇ લાવો પૈસા...તેમ કહી ૨.૧૨ લાખ લઇને છનનન

રાજકોટ તા. ૧૮: ગુલાબવાટીકા-૩માં તંતી પાર્ક પાસે પ્રદિપ નામના મકાનમાં રહેતાં ભૂપતસિંહ ભાવસિંહ જાદવ (ઉ.૭૩) નામના કારડીયા રાજપૂત વૃધ્ધને કોર્પોરેશનનના પટેલભાઇના નામે છેતરીને રૂ. ૨,૧૨,૦૦૦ લઇને છનનન થઇ ગયેલા ગઠીયાને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.

ગઇકાલે બપોરે ભૂપતસિંહ અને પુત્રવધૂ વિલાસબા ઘરે હતાં ત્યારે દરવાજો ખખડતાં વિલાસબાએ ખોલતાં ૩૫ થી ૪૦ વર્ષનો એક શખ્સ આવ્યો હતો અને તેણે પોતે કોર્પોરેશનમાંથી આવે છે અને પટેલભાઇ નામ છે ઘરમાં પુરૂષ હોય તો બોલાવો તેમ કહેતાં વિલાસબાએ સસરા ભૂપતસિંહ તેમના રૂમમાં સુતા હોય તેને જગાડ્યા હતાં. ભૂપતસિંહ હોલમાં આવતાં ખુરશી પર પોતાને પટેલભાઇ કહેનાર શખ્સ બેઠો હતો. તેણે કહેલ કે તમારા મકાનની આકારણી વેરા પ્રમાણે થઇ ગઇ છે અને તમારે રૂ. ૨,૨૮,૦૦૦ દેવાના છે.

આ વાત સાંભળી ભૂપતસિંહે પુત્ર ઉદયસિંહને ફોન જોડ્યો હતો અને પુછ્યું હતું કે કોર્પોરેશનના કોઇ પટેલભાઇ સાથે પૈસાની વાત થઇ છે કે કેમ? ફોન ચાલુ હતો એ વખતે જ એ ગઠીયાએ 'લાવો હું વાત કરું' તેમ કહી ફોન લઇ લીધો હતો અને બાદમાં વાત કરવાનો ડહોળ કરી 'ઉદયસિંહ સાથે વાત થઇ ગઇ' તમે પૈસા આપી દ્યો' તેમ કહેતાં ઘરમાં ૨,૧૨,૦૦૦ જ હોવાનું ભૂપતસિંહે કહેતાં એ શખ્સે બાકીના પૈાસ હું નાંખીને ભરી દઇશ તેમ કહી ૨,૧૨,૦૦૦ની રોકડ લઇ લીધી હતી. તેમજ છેલ્લે ભરેલા વેરાની પહોંચ પણ તે લેતો ગયો હતો.

એ જતો રહ્યા બાદ ભૂપતસિંહે ફરીથી પુત્ર ઉદયસિંહને ફોન જોડતાં તેણે પૈસા આપવાની કોઇ જ વાત થઇ ન હોવાનું કહેતાં ભૂપતસિંહને છેતરાઇ ગયાની ખબર પડી હતી. માલવીયાનગર પોલીસને જાણ થતાં પી.એસ.આઇ. જે. કે. પાંડાવદરાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (૧૪.૧૦)

(2:02 pm IST)