Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ભગવતીપરાના રવિના નામે ફેસબૂક પર મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તેવું સાહિત્ય પોસ્ટ કરાયું

મોટે ભાગે મુસ્લિમ મિત્રો ધરાવતાં બોરીચા યુવાનના નામે લેભાગુએ નકલી આઇડી બનાવીઃ રવિ પોતે પણ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યોઃ બી-ડિવીઝન પોલીસે મહમદભાઇ હાલાની ફરિયાદ પરથી આઇ ટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

રાજકોટ તા. ૧૮: શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતાં રવી મઠીયા નામના બોરીચા યુવાનના નામે ફેસબૂક આઇડી બનાવી મુસ્લિમ ધર્મની લાગણી દુભાય એ પ્રકારના લખાણો, ફોટા પોસ્ટ કરી દેતાં દેકારો મચી ગયો હતો. જોત જોતામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ભેગા થઇ ગયા હતાં અને રવિના ઘરે પહોંચ્યા હતાં. પરંતુ રવિ સાથે વાતચીત ચાલુ હતી ત્યારે પણ અભદ્ર ભાષા સાથેની પોસ્ટ અપલોડ થતાં રવિના નામે કોઇએ તેના નામે ફેસબૂક એકાઉન્ટ બનાવી  આવુ કૃત્ય કર્યાનું સમજાતાં રવિને સાથે રાખી બધા પોલીસ મથકે પહોંચ્યા હતાં અને આઇટી એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકર અને સ્ટાફે જય પ્રકાશનગરમાં રહેતાં મુસ્લિમ સમાજના આગેવાન મહમદભાઇ કાસમભાઇ હાલા (ઉ.૪૫)ની ફરિયાદ પરથી ફેસબૂક પર રવિ મઠીયાના નામે ફેસબૂક આઇડી બનાવનાર વ્યકિત સામે આઇપીસી ૧૫૩ (એ), ૨૯૫ (ક) તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૬૭ (અ) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રવી મઠીયાના નામે ફેસબૂક એકાઉન્ટ બનાવી કોઇ શખ્સે મુસ્લિમ ધર્મના આલા ઇમામહુશેન તથા મહમદ સાહેબ વિશે તેમજ કુર્રાન વિશે અને અલ્લાહ બાબતે અભદ્ર ભાષા સાથેના ફોટા અપલોડ કરી ધાર્મિક લાગણી દુભાય અને બે કોમ વચ્ચે ઘર્ષણ ઉભુ થાય તેવું કૃત્ય કરવા સબબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. વિસ્તારમાં લોકો શાંતિ જાળવે અને અફવાને કારણે તંગદીલી ન ફેલાય એ હેતુથી રાત્રે જ પોલીસે વિસ્તારના હિન્દુ-મુસ્લિમ લોકોને એકઠા કરી શાંતિ જાળવવા અપિલ કરી હતી. આરોપીને શોધવા સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે. (૧૪.૭)

(12:05 pm IST)