Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ઘાંચીવાડમાંથી ૧૫૮૪ ટીન બીયર ભરેલી બોલેરો સાથે ઇરફાન અને વિકાસ પકડાયાઃ યુનુસ ફરાર

એ-ડિવીઝનના ભરતસિંહ ગોહિલ અને હાર્દિકસિંહની બાતમી પરથી રાત્રે એક વાગ્યે આંગડિયાના બોર્ડવાળી ગાડી અટકાવતાં જથ્થો મળ્યોઃ કુલ ૬,૫૮,૪૦૦નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૧૮: એ-ડિવીઝન પોલીસે ઘાંચીવાડમાંથી રૂ. ૧,૫૮,૪૦૦ના બીયરના ૧૫૮૪ ટીન ભરેલી આંગડિયા સર્વિસનું બોર્ડ લગાવેલી માલવાહક બોલેરો ઝડપી લઇ જંગલેશ્વર અને શાપર વેરાવળના બે શખ્સને પકડી લીધા છે. ભગવતીપરાનો મુસ્લિમ શખ્સ એકટીવા પર બેસી ભાગી ગયો હતો. પોલીસે કુલ રૂ. ૫,૫૮,૪૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના અને એસીપી પૂર્વ બી. બી. રાઠોડની સુચના તથા પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, એએસઆઇ શિવરાજસિંહ જાડેજા, હેડકોન્સ. ભરતસિંહ ગોહિલ, કોન્સ. ક્રિપાલસિંહ ઝાલા, કરણભાઇ વીરસોડીયા, હાર્દિકસિંહ પરમાર, જગદીશભાઇ વાંક, નરેશભાઇ ઝાલા, ઇન્દ્રસિંહ, ભાવેશભાઇ, શૈલેષભાઇ સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્યારે ભરતસિંહ અને હાર્દિકસિંહને બાતમી મળી હતી કે નવી ઘાંચીવાડ-૭ શાળા નં. ૪૮ પાસે બીયરનો જથ્થો ભરેલી ગાડી આવી છે. આ માહિતી પરથી રાત્રે એક વાગ્યે દરોડો પાડતાં એક શખ્સ એકટીવા પર ભાગી ગયો હતો. જ્યારે બોલેરો નં. જીજે૩બીવાય-૮૮૦૮ સાથે બે શખ્સ પકડાઇ ગયા હતાં.

આ શખ્સોએ પુછતાછમાં પોતાના નામ ઇરફાન ઉમરભાઇ સાંજી (ખલીફા) (ઉ.૨૭-રહે. જંગલેશ્વર મેઇન રોડ ગોસીયા મસ્જીદ પાછળ, ભાડેથી) તથા વિકાસ અશોકભાઇ સૂર્યવંશી (બાવાજી) (ઉ.૧૯-રહે. શાપર વેરાવળ હાઉસીંગ બોર્ડ કવાર્ટર ૧૨૩) જણાવ્યા હતાં. જ્યારે ભાગી ગયેલો શખ્સ ભગવતીપરાનો યુનુસ હોવાનું પકડાયેલા બંને શખ્સે જણાવ્યું હતું.

પોલીસે ઓમ શાંતિ આંગડિયા એન્ડ ટ્રાન્સપોર્ટ લખેલી બોલેરો પર બાંધેલી કાળા રંગની તાલપત્રી હટાવીને જોતાં અંદરથી ૧,૫૮,૪૦૦ના ૧૫૮૪ નંગ બીયરના ટીનનો જથ્થો મળી આવતાં ઇરફાન અને વિકાસની ધરપકડ કરી હતી. ભાગી ગયેલા યુનુસની શોધખોળ થઇ રહી છે. તસ્વીરમાં એ-ડિવીઝન પી.આઇ. વી.વી. ઓડેદરા અને ટીમ તથા જપ્ત થયેલી બોલેરો, પકડાયેલા બંને શખ્સો અને મુદ્દામાલ જોઇ શકાય છે. (૧૪.૬)

(12:05 pm IST)