Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કુવાડવા રોડ મીરા પાર્કમાં રજપૂત દંપતિ પર પુત્રવધૂ અને વેવાઇ-વેવાણનો હુમલો

પ્રિયા ઘરમાં ઝઘડો થતાં થેલો ભરી માવતરે જતી રહીઃ બાદમાં માતા-પિતા સાથે આવી મારામારી કરીઃ પ્રિયાએ પણ પતિ અને સાસરિયા વિરૂધ્ધ મહિલા પોલીસમાં રજૂઆત કરી

રાજકોટ તા. ૧૮: કુવાડવા રોડ પર મીરા પાર્કમાં રહેતાં કડવાભાઇ બેચરભાઇ વાઢેર (રજપૂત) (ઉ.૬૦) અને તેમના પત્નિ કંચનબેન (ઉ.૫૫) પર શિવમ્ પાર્કમાં રહેતાં તેના વેવાઇ વીભાભાઇ ગોપાલભાઇ ડોડીયા, વેવાણ મીનાબેન અને પુત્રવધૂ પ્રિયા નિકુલે હુમલો કરી ઢીકા-પાટુનો માર મારી ઇજા કરતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

કડવાભાઇના પુત્ર નિકુલ વાઢેરે જણાવ્યું હતું કે તેને મોરબી રોડ પર મોબાઇલની દૂકાન છે. ત્રણ વર્ષ પહેલા પ્રિયા સાથે લગ્ન થયા છે અને સંતાનમાં નવ માસનો પુત્ર છે. પોતે અને પત્નિ ઉપરના માળે અલગ રહે છે. માતા-પિતા નીચે રહે છે. પત્નિ પોતાનું ધાર્યુ જ કરતી હોઇ અને દિકરાને મારા માતા-પિતાને રમાડવા પણ ન દેતી હોઇ ઝઘડો થતાં ગઇકાલે તે થેલો ભરી માવતરે જતી રહી હતી અને બાદમાં તેના માતા-પિતાને સાથે લાવી મારા માતા-પિતા પર હુમલો કર્યો હતો. પ્રિયાએ મહિલા પોલીસમાં અરજી-ફરિયાદ કરતાં પોતાને પોલીસે ત્યાં બોલાવ્યો હોવાનું પણ નિકુલ વાઢેરે જણાવ્યું હતું.

(11:51 am IST)