Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

મામાની અંતિમક્રિયામાં હાજરી આપવા ગયેલા કોડીનાર રાજકોટના નિલેષભાઇ જોષીનું કાર અકસ્માતમાં મોત

ત્રિવેણીનગરના બ્રાહ્મણ પરિવામરમાં કલ્પાંતઃ અંબુજા ચોકમાં કાર ડિવાઇડર પર ચડી ગઇઃ નાના ભાઇ યોગેશભાઇને ઇજા

રાજકોટ તા. ૧૮: કોડીનારના અંબુજા ચોકમાં કાર ડિવાઇડર સાથે અથડાઇને પલ્ટી ખાઇ જતાં ચાલક રાજકોટના બ્રાહ્મણ યુવાન અને તેના નાના ભાઇને ગંભીર ઇજા થતાં સારવાર માટે કોડીનાર અને ત્યાંથી રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મોટા ભાઇનું મોત નિપજ્યું હતું. બંને ભાઇઓ મામાનું અવસાન થયું હોઇ તેમની અંતિમવિધીમાં હાજરી આપવા ગયા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. ઘરના મોભીના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્યા મુજબ ગુરૂપ્રસાદ ચોક ત્રિવેણી નગર-૩માં રહેતાં નિલેષભાઇ પ્રવિણભાઇ જોષી (ઉ.૪૫) નામના બ્રાહ્મણ યુવાનના કોડીનાર રહેતાં મામાનું અવસાન થયું હોઇ તે અને નાના ભાઇ યોગેશભાઇ જોષી (ઉ.૪૨) ગઇકાલે કાર લઇને કોડીનાર ગયા હતાં. ત્યાં ગત સાંજે આઠેક વાગ્યે બંને ભાઇ અંબુજા ચોકમાં પહોંચ્યા ત્યારે સામેના વાહનની હેડલાઇટને કારણે નિલેષભાઇની આંખ અંજાઇ જતાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર રોડ ડિવાઇડર પર ચડી જઇ પલ્ટી મારી જતાં બંને ભાઇઓને ઇજા થઇ હતી.

કોડીનાર સારવાર બંને ભાઇને રાજકોટ ખસેડાયા હતાં. જેમાં નિલેષભાઇનું સારવાર દરમિયાન વહેલી સવાર મોત નિપજ્યું હતું. જ્યારે તેમના ભાઇને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.   હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલાળા અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી કોડીનાર પોલીસને મોકલ્યા હતાં.

મૃત્યુ પામનાર બે ભાઇમાં મોટા હતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી છે.

(11:51 am IST)