Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

પ્રકાશ ચાર વર્ષથી દિલ્હી, વડોદરા, અંકલેશ્વરના શખ્સો સાથે મળી નકલી ડીગ્રી-માર્કશીટના ગોરખધંધા કરતો'તો

આમ્રપાલી પાસે વે ટુ લર્ન-સનરેયઝ કલાસીસમાં ક્રાઇમ બ્રાંચ ડમી ગ્રાહકને લઇને પહોંચતા ધો-૧૦, ૧૨ની નકલી માર્કશીટ કાઢી આપીઃ દિલ્હીના એચ.એચ. ફાઉન્ડેશનના સંચાલક, વડોદરાના પંકજ સંઘવી અને અંકલેશ્વરના હિતેષ પટેલના નામ ખુલ્યાઃ ટીમો તપાસાર્થે રવાનાઃ ધોરણ-૧૦ની માર્કશીટો, બીએસસી, એમ.એ, બીએડ, બીકોમ, એમટેક, એમબીએ સહિતની નકલી ડીગ્રીઓ-માર્કશીટો વેંચાતી હતી

જ્યાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડ્યો હતો એ રૈયા રોડ પર આવેલુ કોમ્પલેક્ષ, નકલી ડીગ્રીનો જથ્થો તથા પકડાયેલો પ્રકાશ ગોહેલ (રાવળ) જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૮: શહેરના રૈયા રોડ પર આઝાદ ચોક વૈશાલીનગર-૯ના ખુણે  આવેલા વે ટુ લર્ન-સનરેયઝ નામના એન્જિનીયરીંગના  કલાસીસ ચલાવતો કુવાડવા રોડ મારૂતિનંદન નગર-૩માં રહેતો પ્રકાશ સુરેશભાઇ ગોહેલ (રાવળ) (ઉ.૩૬) નામનો શખ્સ બહારના રાજ્યોની અલગ-અલગ યુનિવર્સિટીની નકલી ડીગ્રીઓ અને બોગસ માર્કશીટ વેંચતો હોવાની માહિતી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ૫૧ ડીગ્રી સર્ટિફિકેટ અને ૨૧ જેટલી નકલી માર્કશીટ કબ્જે કર્યા છે. પ્રાથમિક તપાસમાં પ્રકાશે પોતે છેલ્લા ચાર વર્ષથી  દિલ્હી, બરોડા અને અંકલેશ્વરના શખ્સ સાથે મળી નકલી ડીગ્રી અને માર્કશીટો ૫૦ હજાર થી ૮૦ હજાર સુધીમાં વેંચતો હોવાનું બહાર આવતાં ગુનો દાખલ કરી ક્રાઇમ બ્રાંચની ટીમો બરોડા-અંકલેશ્વર તપાસાર્થે દોડી ગઇ છે. પ્રકાશને સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ થઇ રહી છે.

ડીસીબીના હેડકોન્સ. ચેતનસિંહ ચુડાસમાને ફરિયાદી બનાવી પ્રકાશ ગોહેલ તેમજ દિલ્હીના એચ.એચ. ફાઉન્ડેશનના સંચાલક, વડોદરાના પંકજ સંઘવી તથા અંકલેશ્વર જીઆઇડીસી જલધારા ચોકડી પાસે એમઆઇટી એજ્યુકેશન ગ્રુપ ધરાવતાં   હિતેષ પટેલ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૮, ૪૭૧, ૧૨૦-બી મુજબ ગુનો નોંધી હાલ તુર્ત સનરેયઝ કલાસીસના સંચાલક પ્રકાશ રાઠોડની ધરપકડ કરી લીધી છે. એફઆઇઆરમાં જણાવાયું છે કે પી.એસ.આઇ. એચ. બી. ધાંધલીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી મળતાં વે ટુ લર્ન કલાસીસમાં પહોંચતાંએક શખ્સ બેઠેલ હોઇ તેને પુછતાછ કરતાં પોતાનું નામ પ્રકાશ ગોહેલ જણાવ્યું હતું. સાથેના ડમી ગ્રાહકે ધોરણ-૧૦ તથા ૧૨ની બોગસ માર્કશીટ બનાવવી છે તેવી વાત કરતાં પ્રકાશ ગોહેલે રૂ. ૬૫ હજાર થશે તેવી વાત કરી હતી. ડમીએ હા પાડી માર્કશીટ જોવા માંગતા પ્રકાશે ઉત્તર પ્રદેશની ધોરણ-૧૦ની માર્કશીટ બતાવતા જ તેને પંચની હાજરીમાં પકડી લેવાયો હતો.

ઓફિસમાંથી ધોરણ-૧૦ની ૨૦૦૩ની ઉત્તરપ્રદેશની માર્કશીટ મળી હતી. આ ઉપરાંત જયપુશ નેશનલ યુનિવર્સિટીની ૨૦૧૫ની બીએસસી ફર્સ્ટ યરની, શિલોંગ મેઘાલયની વિલીયમ કેરી યુનિવર્સિટીની બીએસસી પ્રથમ વર્ષની, યુ.પી.ની ધોરણ-૧૨ની ૨૦૧૧ની માર્કશીટ, જુના રાજસ્થાનની બીએડની સિંઘાનીયા યુનિવર્સિટીની માર્કશીટ, કાશી વિદ્યાપીઠ વારાણસીની બીકોમની નકલી માર્કશીટ, અરૂણાચલ પ્રદેશની એમએની હિમાલયન યુનિવર્સિટીની માર્કશીટ, સનરાઇઝ યુનિવર્સિટી રાજસ્થાનની બીએસસીની ત્રણ નકલી માર્કશીટ, રાજસ્થાનની એમટેકના અભ્યાસની ચાર માર્કશીટ (કલર કોપી), સનરાઇઝ યુનિવર્સિટી રાજસ્થાનની બીકોમની ત્રણ માર્કશીટ, કાનપુરની છત્રપતિ સાહુજી મહારાજ યુનિવર્સિટીની એમબીએની નકલી માર્કશીટ તેમજ રાજસ્થાન સનરાઇઝ યુનિવર્સિટીની બીકોમની ત્રણ માર્કશીટ મળી આવતાં કબ્જે લેવાઇ હતી.

પોલીસે પ્રકાશની પુછતાછ કરતાં તે ચાર વર્ષથી દિલ્હીના એસ.એસ. ફાઉન્ડેશનના સંચાલક, વડોદરાના પંકજ અને અંકલેશ્વરના હિતેષ પટેલ પાસેથી આવતી નકલી માર્કશીટ પોતે ૫૦ હજારમાં વેંચી તેમાંથી ૨૫ હજાર પોતે રાખી બાકીના પૈસા બીજા ત્રણને મોકલતો હોવાનું કબુલ્યું હતું. ઓફિસમાંથી લેપટોપ, મોબાઇલ ફોન, અલગ-અલગ યુનિવર્સિટીની ૧૫ નકલી માર્કશીટ કબ્જે કરવામાં આવી છે. એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. એચ. બી. ધાંધલ્યા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. ચેતનસિંહ ચુડાસમા, સંજયભાઇ કુમારખાણીયા, સામતભાઇ ગઢવી સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે. એક ટૂકડી બરોડા-અંકલેશ્વર તપાસ માટે રવાના થઇ છે. પકડાયેલા પ્રકાશના સાત દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

પ્રકાશે અત્યાર સુધીમાં ૪૫ જેટલી નકલી માર્કશીટ વેંચી હોવાનું પ્રાથમિક રીતે કબુલ્યું છે. પ્રકાશે પોતે બેચલર ઓફ એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો છે. નકલી ડીગ્રીઓ પોતે જ બનાવતો હતો કે બહારથી આવતી હતી? આવી ડીગ્રીના ઉપયોગથી કોઇએ નોકરીઓ મેળવી લીધી કે કેમ? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે.

(12:06 pm IST)