Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ગુજરાતી હિન્‍દી સિનેમાના અત્‍યંત પ્રખ્‍યાત કલાકારોથી સજજ એક અદભુત મ્‍યુઝિકલ નાટક

હાજી કાસમ તારી વીજળી - મ્‍યુઝિકલ નાટક - વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટનું આગામી નજરાણું

રાજકોટઃ જયારે એમ સાંભળવા મળે કે વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ નું નાટક હોય તો આંખ બંધ કરી ને ટિકિટ લઇ લેવાની ત્‍યારે એમ લાગે કે રાજકોટને શ્રેષ્‍ઠ સાહિત્‍ય પૂરૂં પાડવાના અથાગ પ્રયત્‍નો સાર્થક થતાં  જાય છે. રાજકોટ વાસીઓએ જે ઉમળકાથી વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ ના દરેક નાટકોને આવકાર્યા છે તે જ દેખાડે છે કે રાજકોટ દિલથી કલા -કદરદાન રહ્યું છે.

વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટનું નવું નાટક આવી ગયું છે - હાજી કાસમ તારી વીજળી. નામ જાણીતું લાગ્‍યુંને ? તમારૂં અનુમાન સાચું છે. આ એ જ વીજળી છે જેના વિષે આપ સહુ ભણી ગયેલાં છો. લોકગીત - હાજી કાસમ તારી વીજળી મધદરિયે વેરણ થઇ ..... અને જેના પર થી પ્રખ્‍યાત લેખક શ્રી ગુણવંતરાય આચાર્ય એ હાજી કાસમ તારી વીજળી નામથી જ સમુદ્ર સાહસકથા લખી.

ગુજરાતનું ટાઇટેનિક કહેવાતું અને ટાઇટેનિકની તો ૨૪ વર્ષ પહેલા લગભગ ૭૪૦ લોકોને લઇને ડૂબી ગયેલા વહાણ વીજળી વિષે આપણે આગળના દિવસોમાં વાતો કરતા રહીશું. ગુજરાતનું ટાઇટેનિક એટલા માટે કારણ કે ટાઇટેનિકની જેમ જ વીજળી વહાણ પણ કદી ડૂબશે નહિ તેવું કહેવાતું અને ૪ જેટલી લગ્નની જાન , વિદ્યાર્થીઓ, બાળકો અનેસ્ત્રીઓને લઇને ડૂબી ગયેલા વીજળીની કરૂણાંતિકા સમગ્ર વિશ્વમાં જાણીતી છે. અને આ જ સત્‍ય ઘટના પર આધારિત ઉત્તમ પ્રકારના ડાયલોગો અને લાઈવ ગીતો સાથેનું નાટક એટલે વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ પ્રસ્‍તુત હાજી કસમ તારી વીજળી.

નાટકમાં મુખ્‍ય કલાકારો તરીકે સુપ્રસિદ્ધ લોકગાયક આદિત્‍ય ગઢવી, અનેક ગુજરાતી ફિલ્‍મો, સિરીઝમાં ઉત્તમ એકિટંગ માટે વખણાતા મયુર ચૌહાણ -માઈકલ , ટ્‍યુશન ફિલ્‍મ ફેઈમ સોહની ભટ્ટ , લવની લવસ્‍ટોરીઝ ફેઈમ તર્જની ભાડલા છે. નાટક અનેક ગુજરાતી અને બોલિવૂડ ફિલ્‍મો સિરીઝ વગેરેમાં કામ કરેલાં સુપ્રસિદ્ધ એક્‍ટર ડિરેક્‍ટર શ્રી અભિનય બેંકર દિગ્‍દર્શિત છે તો લાઈવ ગીતો આદિત્‍ય ગઢવી ગાય છે અને કર્ણપ્રિય મ્‍યુઝિક ગુજરાત અને હિન્‍દી સિનેમામાં ખુબ જાણીતું નામ શ્રી મેહુલ સુરતીનું છે. રાજકોટમાં કયારેક જ આટલી સુપ્રસિદ્ધ કાસ્‍ટને લઇને આવતા સૌપ્રથમ બ્રોડવે સ્‍ટાઈલ મ્‍યુઝિકલ નાટક માટે સજ્જ છો રાજકોટ?

તા.૨૨ એપ્રિલ ૨૦૨૩, શનિવાર, હેમુ ગઢવી હોલ, રાજકોટ. ટિકિટ બુકીંગ માટે મો. ૯૦૨૩૨ ૮૨૪૦૭.

વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ ના આ પ્રયોગમાં તેમના સદાય ના શુભચિંતક , પથદર્શક અને હર હંમેશ હિંમત પ્રદાન કરતા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારની સાથે આટોમાઇઝ ઘરઘંટી, અદાણી મસાલા - સ્‍વાદના સર્જકો , સિલ્‍વર પમ્‍પ્‍સ એન્‍ડ મોટર્સ, તિરૂપતિ કુરિયર સર્વિસ પ્રાયવેટ લિમિટેડ અને સાગર પોલિટેકિનક લિમિટેડ નો સહકાર પ્રાપ્ત થયેલ છે

(3:50 pm IST)