Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

કોના શિરે ડે.મેયરનો તાજ ?

રાજકોટ : શહેરનાં વોર્ડ નં.૨ના કોર્પોરેટર ડો.દર્શિતાબેન શાહ ધારાસભ્‍ય તરીકે ચૂંટાતા તાજેતરમાં પાર્ટી ડે.મેયર પદેથી તેમનું રાજીનામુ લીધુ હતું. વર્તમાન ટર્મની બાકીની છ માસની મુદત માટે આ જગ્‍યા ખાલી પડતા હવે પ્રદેશની મંજૂરીથી નવા પદાધિકારીની નિમણૂંક પણ છ માસ માટે કરવામાં આવનાર છે. વડોદરાના મેયરની વરણી પણ આ જ રાજકીય સંજોગોમાં થઇ જતા હવે રાજકોટમાં પણ આગામી સોમવારના બોર્ડમાં નિમણુંક થાય તેવી પૂરી શકયતા છે. રાજકોટમાં મહિલા ડે.મેયરની જગ્‍યાએ ફરી મહિલા કોર્પોરેટર જ પદ સંભાળે તેવું ઘણા લોકો કહી રહ્યા છે. ચાર પુરૂષ અને એક મહિલા પદાધિકારીની વ્‍યવસ્‍થા ચાલુ રહી શકે છે. જોકે નવા સંજોગોમાં તમામ નિર્ણયો ઉપરથી જ આપશે તેવી ધારણા છે. ડે. મેયરની નિમણૂંકની દરખાસ્‍ત અરજન્‍ટ બિઝનેશ તરીકે આપે તેવુ લાગે છે. રાજકીય આલમ તથા મનપાની લોબીમાં ચર્ચા મુજબ મહિલા કોર્પોરેટરને જ ડે.મેયરનો તાજ પહેરાવવામાં આવે તેવી શક્‍યતાઓ દર્શાવી છે. જેમાં વોર્ડ નં. ૪ના કોર્પોરેટર અને પૂર્વ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડિયા, વોર્ડ નં. ૧૪ના અનુભવી કોર્પોરેટર વર્ષાબેન રાણપરા તથા વોર્ડ નં. ૮ના ડો. દર્શનાબેન પંડયામાંથી કોઇને ડે.મેયરની જવાબદારી સોંપાશે. મનપાના પદાધિકારીઓના વોર્ડ તથા વિધાનસભા પ્રમાણે સંતુલન જાળવવા માટે જુના રાજકોટમાંથી ડે.મેયરની પસંદગી કરાય તેવી પણ શક્‍યતાઓ રહેલી છે.

(3:48 pm IST)