Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

હોમી દસ્‍તુર માર્ગ સામેના અંડરપાસને મંજુરી

એસ્‍ટ્રોન - લક્ષ્મીનગર અંડરબ્રીજ પરનો ટ્રાફિક હળવો થશે :રેલવેએ મંજુરી આપી : હવે ૨.૦૮ કરોડના ખર્ચે બનશે અંડરબ્રીજ : AVPT-DH કોલેજની દિવાલો કપાત થશે : સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા મેયર સહિતના પદાધિકારીઓના પ્રયત્‍નો સફળ

રાજકોટ તા. ૧૮ : શહેરના યાજ્ઞીક રોડથી ડો. હોમી દસ્‍તુર માર્ગથી ટાગોર માર્ગ સામે ૨.૮ કરોડના ખર્ચે અન્‍ડરપાસ બનાવવા માટે રેલવે વિભાગ તરફથી પ્રાથમિક મંજુરી મળી છે. આ કામ અંતર્ગત ૨.૫ મીટર ઉંચાઇ, ૪-૪ મીટરના બે ગાળા અને ૧૮ મીટર લંબાઇ ધરાવતો વધુ એક અન્‍ડરપાસ બનાવવામાં આવશે. આ કામ માટે સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા મેયર સહિતના પદાધિકારીઓના પ્રયત્‍નો સફળ થયા છે.

શહેરની ટ્રાફિક સમસ્‍યા હળવી બને તે માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓ સતત પ્રયત્‍નશીલ છે. આ માટે રેલવે ટ્રેક સુધીના એપ્રોચ રોડ પર વધુ એક અન્‍ડરપાસ બનાવવાની દિશામાં કરવામાં આવી રહેલા સઘન પ્રયાસોના ભાગરૂપે ગત તા.૧૭ માર્ચ ૨૦૨૩ના રોજ રેલ્‍વે વિભાગ સાથેના જુદા જુદા પ્રશ્નો અંગે મિટીંગ મળેલ હતી. આ મિટીંગમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર ડો.પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, રેલ્‍વે વિભાગના ડી.આર.એમ. અનિલકુમાર જૈન, મ્‍યુનિ.કમિશ્નર અમિત અરોરા, ડે.કમિશ્નર આશિષ કુમાર, રેલ્‍વેના સિનીયર ડિવિઝનલ એન્‍જીનીયર ઇન્‍દ્રજીતસિંહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, સિટી એન્‍જીનીયર એચ.એમ. કોટક, એચ.યુ. દોઢિયા તેમજ રેલ્‍વે વિભાગના સબંધક સ્‍ટાફ હાજર રહેલ. આ મીટીંગમાં અન્‍ય મુદ્દાઓની સાથે શહેરની ટ્રાફિકની સરળતા માટે હયાત એસ્‍ટ્રોન નાલાની બાજુમાં ડો. હોમી દસ્‍તુર માર્ગ સામે નવું નાલુ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે, તે માટે પણ જરૂરી ચર્ચા કરવામાં આવેલ. આ બાબતે બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઇ પટેલ દ્વારા સતત ફોલોઅપ કરવામાં આવી રહ્યુ હતુ. સાંસદ મોહનભાઇ કુંડારીયાની મધ્‍યસ્‍થીથી રેલવે વિભાગ દ્વારા પ્રાથમિક મંજુરી મંજૂરી મળેલ છે.

આ અંગે વિગતો આપતા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ તથા બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઇ પટેલ જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ અંગેનુ આયોજન કરી પ્રાથમિક મંજુરી માટે તા. ૪ માર્ચ ૨૦૨૩ ના રોજ રેલવે વિભાગની મંજુરી માંગવામાં આવેલ, અને જરૂરી પ્રશ્નોની ચર્ચા અને સંકલન માટે તા.૧૭ માર્ચ ૨૦૨૩ ના રોજ બંન્ને વિભાગોની સંયુક્‍ત મીટિંગ મળેલ. ત્‍યારબાદ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલ પ્રયાસોથી રેલવે વિભાગ દ્વારા ઉક્‍ત પ્રોજેક્‍ટને પ્રાથમિક મંજુરી મળી ગયેલ છે, જેમાં રૂ.ર.૮ કરોડની અંદાજીત ખર્ચની રકમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલવે વિભાગને ચુકવવાની રહેશે.

આ કામ અંતર્ગત ૨.૫ મીટર ઉંચાઇ, ૪-૪ મીટરના બે ગાળા અને ૧૮ મીટર લંબાઇ ધરાવતો અન્‍ડરપાસ એ.વી.પી.ટી. દિવાલ દસ્‍તુર માર્ગની સામે હયાત એસ્‍ટ્રોન નાલા પાસે બનાવવામાં આવશે, સાથોસાથ લાઇન ઓફ પબ્‍લીક સ્‍ટ્રીટ અંતર્ગત ધર્મેન્‍દ્ર કોલેજની હોસ્‍ટેલ તરફની દિવાલ કાઢી, રસ્‍તો પણ પહોળો કરવામાં આવશે, જેનાથી આ વિસ્‍તારમાં ટ્રાફિકની સમસ્‍યા ઘણી હળવી થશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે.

 

 

અન્ડરપાસ કેવો બનશે : ટેકનીકલ માહિતી
*   ૨.૫ મીટર ઉંચાઇ
*    ૪-૪ મીટરના બે ગાળા
*   ૧૮ મીટર લંબાઇ

(3:47 pm IST)