Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ક્રાઇમ બ્રાંચે વધુ પાંચ શખ્‍સોને ચોરાઉ અને શંકાસ્‍પદ મોબાઇલ સાથે પકડયા

ચોરાયેલા-ગૂમ થયેલા મોબાઇલ શોધવાની ઝુંબેશ અંતર્ગત

રાજકોટ તા. ૧૮: ચોરાયેલા અને ગૂમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવા માટે શરૂ થયેલી ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાંચે વધુ પાંચ મોબાઇલ ફોન શોધી કાઢી પાંચ શખ્‍સોને પકડી લીધા છે. જેમાંથી ચાર શખ્‍સોએ આ ફોન કોની પાસેથી મેળવ્‍યા કે ચોરી કર્યા અથવા તો છળકપટથી મેળવ્‍યા? તેની તપાસ થઇ રહી છે. જ્‍યારે એક ફોનની ચોરીનો ગુનો દાખલ થઇ ચુક્‍યો હતો. તે ડિટેક્‍ટ થયો છે.

ચુનારાવાડમાં ભાણજીદાદાના પુલના છેડે ઝૂપડામાં રહેતાં રોહિત રામભાઇ ધાંધલપરીયા (ઉ.૨૦)ને રૂા. ૫૦૦૦ના વીવો કંપનીના ડાર્ક બ્‍લુ રંગના ચોરાઉ ફોન સાથે પકડી લીધો હતો. માલિક કોણ? તેની તપાસ થઇ રહી છે. જ્‍યારે રેસકોર્ષ રીંગ રોડ પર મગનલાલ આઇસ્‍ક્રીમ પાસે ફૂટપાથ પર રહેતાં ગોવિંદ મગનભાઇ ચારોલીયા (ઉ.૨૫)ને રેડમી કંપનીના ગોલ્‍ડન રંગના ૫૦૦૦ના ફોન સાથે પકડી લેવાયો છે, આ ફોનના માલિક પણ કોણ છે? તેની તપાસ થઇ રહી છે.

આ ઉપરાંત કુબલીયાપરા-૫માં રહેતાં ગોપી ઉર્ફ ચેતુ મફાભાઇ સોલંકી (ઉ.૧૯)ને રૂા. ૧૦ હજારના વીવો કંપનીના કાળા રંગના ફોન સાથે પકડી લેવાયો છે. જ્‍યારે કોઠારીયા સોલવન્‍ટ ફાટક પાસે ૨૫ મીટરીયામાં રહેતાં રામકુમાર બશરાજભાઇ આર્ય (ઉ.૨૭) નામના મુળ યુપીના શખ્‍સને રૂા. ૧૦ હજારના ટેકનો સ્‍પાર્ક કંપનીના બ્‍લુ રંગના મોબાઇલ સાથે પકડી લેવાયો છે. આ શખ્‍સ માલવીયાનગર પોલીસની હદમાં અગાઉ ચોરીમાં પકડાયો હતો.

આ ઉપરાંત સદર બજાર વિનોદ બેકરી પાસે રહેતાં મુળ યુપીના પરષોત્તમપુરના ઇદ્રીશ વાજીદઅલી ગુર્જર (ઉ.૪૨)ને રૂા. ૧૬ હજારના વન પ્‍લસ કંપનીના મોબાઇલ સાથે પકડી લેવાયો હતો. આ ફોન પ્ર.નગર પોલીસની હદમાંથી ચોરાયો હતો.

ઉપરોક્‍ત તમામ કામગીરી પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, ંસંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ એલ. એલ. ચાવડા અને તેમની ટીમોના પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ એન. ડી. ડામોર, પીએસઆઇ એ. એસ. ગરચર, ચેતનભાઇ ચાવડા, હિતેન્‍દ્રસિંહ જાલા, અશોકભાઇ ડાંગર, દિપકભાઇ ચોૈહાણ, એભલભાઇ બરાલીયા, રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ, શૈલેષભાઇ, કુલદિપસિંહ, ગિીરરાજસિંહ, વિજયભાઇ, હરપાલસિંહ, જયદેવસિંહ, પ્રદિપસિંહ, ધર્મેન્‍દ્રસિંહ સહિતે કરી હતી.

(3:45 pm IST)