Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

સિસ્‍ટર નિવેદિતા શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ જાહેર

પૂર્વ પ્રાથમિક વિભાગમાં સુરતના અલ્‍પાબેન દેસાઇની પસંદગી જયારે પ્રાથમિક વિભાગમાં વડથલીના કનુભાઇ પંચાલની અને માધ્‍યમિક વિભાગમાં મોટી ભાડાઇના કીર્તીકુમાર ઠકકરની પસંદગી

રાજકોટ તા. ૧૮ : શિક્ષણ ક્ષેત્રે પોતાનું શ્રેષ્‍ઠ યોગદાન આપી શિક્ષણ કાર્યને ઉજાળનારા શિક્ષકોની નિષ્‍ઠાને બિરદાવવા અને અન્‍ય શિક્ષકોને પ્રેરણા આપવા સિસ્‍ટર નિવેદિતા ફાઉન્‍ડેશન રાજકોટ દ્વારા દર વર્ષે પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને માધ્‍યમિક શિક્ષણક્ષેત્રે ગુજરાત રાજયમાં કાર્યરત શિક્ષકોમાંથી પસંદગી સમિતિ દ્વારા ઉત્તમ ગુણવતાયુકત કાર્ય કરનાર શિક્ષકની પસંદગી કરી ‘સિસ્‍ટર નિવેદિતા શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ' આપી સન્‍માનિત કરવામાં આવે છે. ગુજરાતમાંથી અત્‍યાર સુધીમાં કુલ ૭૨ શિક્ષકો આ એવોર્ડથી સન્‍માનિત થઇ ચુકયા છે.

ત્‍યારે વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ના સિસ્‍ટર  નિવેદિતા એવોર્ડ શિક્ષક એવોર્ડ માટે નામો જાહેર કરવામાં આવતા પૂર્વ પ્રાથમિક વિભાગમાં શ્રીમતી પાર્વતીબેન દેસાઇ વિદ્યાકુંજ સુરતના શિક્ષિકા શ્રીમતી અલ્‍પાબેન દેસાઇની પસંગી કરવામાં આવી છે. જેઓ આધુનિક ટેકનોલોજીના વિકાસ સાથે ઇન્‍ટરેકટીવ બોર્ડ, ફલેટ પેનલ બોર્ડ, પ્રોજેકટ અને કમ્‍પ્‍યુટર જેવા ઉપકરણોના માધ્‍યમથી શિક્ષણ આપે છે. બાળ પુસ્‍તકાલયના આયોજનથી બાળકો અને તેમના વાલીઓને પુસ્‍તક વાંચન માટે પ્રેરીત કરવાનું તેમણે મોટુ કાર્ય કર્યુ છે.

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રના એવોર્ડ માટે વિનોબા આશ્રમશાળા વડથલી તા. મેઘરજ, જિ. અરવલ્લીના આચર્યશ્રી કનુભાઇ પંચાલની પસંદગી કરવામાં આવી છે. ૨૨ વર્ષના પોતાના કાર્યકાળ દરમિયાન તેઓએ શૈક્ષણિક રીતે પછાત આદિવાસી વિસ્‍તારના બાળકોના ઉત્‍કર્ષ માટે શિક્ષક, આચાર્ય અને ગૃહપતિ તરીકે નોંધપાત્ર સેવાઓ આપી છે. આશ્રમ શાળાના બાળકોના આરોગ્‍ય અને આહાર માટે દાતાઓના સહકારથી સારી સેવાઓ શરૂ કરાવી.

માધ્‍યમિક શિક્ષણક્ષેત્રાના એવોર્ડ માટે ભાડઇ માધ્‍યમિક શાળા, મોટીભાડઇ, તા. માંડવી, જિ. કચ્‍છના આચાર્યશ્રી કીર્તિકુમાર ઠકકરની પસંદગી કરવામાં આવી છે. જેઓએ ૨૬ વર્ષ પહેલા ભાડઇ ગામની ધર્મશાળમાં ૫૧ વિદ્યાર્થીઓથી શરૂ થયેલ માધ્‍યમિક શાળામાં આચાર્ય તરીકે સેવાની શરૂઆત કરી અને અંતે આજે તેઓની તપヘર્યા ફળી હોય તેમ આધુનિક વર્ગખંડો અને અદ્યતન બાંધકામ સાથેની માધ્‍યમિક શાળાનું નિર્માણ થયુ છે. જયાં આજે આસપાસના ૧૨ ગામના બાળકો અભ્‍યાસ માટે આવે છે. છેલ્લા બે દાયકાથી શાળાનું પરિણામ ૮૦ ટકા કરતા વધારે આવે છે. શાળામાં સમૃધ્‍ધ પુસ્‍તકાલયનું પણ નિર્માણ કર્યુ છે. તેમને રાજયના શ્રેષ્‍ઠ આચાર્યનો એવોર્ડ ગવર્નરશ્રીના હસ્‍તે મળેલો છે.

(3:33 pm IST)