Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ખેતીની જમીન અપાવવાના નામે રણજીત મકવાણાની લલુડી વોંકળીના દંપતિ સાથે છેતરપીંડીઃ અનેક છેતરાયાની શંકા

રાજકોટ તાલુકા અનુસુચિત સામુદાયિક ખેતી સહકારી મંડળી લી.ના નામે ખોટી ઓફિસ ખોલી લીધી'તી :સભ્‍ય ફીના ૧૦૦૦ અને જમીનના ૩ લાખ મેળવી લીધા બાદ ઓફિસને તાળા મારી છનનન થઇ ગયાની માલવીયાનગરમાં ફરિયાદ : ભોગ બનનાર જગદીશભાઇ સાગઠીયાએ કહ્યું-હકિકતે તાલુકા અનુસુચિત સામુદાયિક ખેતી સહકારી મંડળીની ઓફિસ કેકેવી ચોકમાં છે, તેના પ્રમુખ પણ બીજા છેઃ આ વાતની જાણ અમને છેતરાઇ ગયા પછી થઇ :તમને ખીજડીયામાં જમીન મળશે તેમ કહી કો'કની જમીન દેખાડી દીધી'તી! :ફરિયાદી ભારતીબેન જગદીશભાઇ સાગઠીયાને બની બેઠેલા પ્રમુખ રણજીત મકવાણાએ સભ્‍યપદનું પ્રમાણપત્ર આપ્‍યું ત્‍યારની તસ્‍વીર

 

રાજકોટ તા. ૧૮: છેતરપીંડીના રોજબરોજ બની રહેલા બનાવોમાં વધુ એક ગુનાનો ઉમેરો થયો છે. શહેરના કેનાલ રોડ પર રહેતાં એક દંપતિ સાથે એક શખ્‍સે અનુસુચિત સામુદાયિક ખેતી સહકારી મંડળી લી.ના નામે ખોટી ઓફિસ રાજનગર ચોકમાં ખોલી સરકાર તરફથી સસ્‍તામાં ખેતીની જમીન અપાવવાની લાલચ દઇ સભ્‍ય ફી પેટે ૧ હજાર અને બાદમાં જમીન, કુવો, ફેન્‍સીંગ માટે ૩ લાખ મેળવી લઇ ઓફિસને તાળા મારી દેતાં અને પોતે છનનન થઇ જતાં આ મામલે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવમાં પોલીસે કેનાલ રોડ લલુડી વોંકળી પાસે વસુંધરા સોસાયટી પાસે લલુડી વોંકળીમાં રહેતાં ભારતીબેન જગદીશભાઇ સાગઠીયા (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી રણજીત ગીરધરભાઇ મકવાણા (રાજકોટ) વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ખેતીની જમીન સરકાર તરફથી સસ્‍તામાં અપાવવાના બહાને રૂા. ૩,૦૧,૦૦૦ની ઠગાઇ કરવાનો ગુનો નોંધ્‍યો છે. ભારતીબેન સાગઠીયાએ જણાવ્‍યું છે કે તા. ૪/૩/૨૨ના રોજ મને જાણવા મળેલુ કે તાલુકા અનુસુચિત સામુદાયિક ખેતી સહકારી મંડળી લી. રાજકોટ તરફથી ખેતી કરવા માટે જમીન આપવામાં આવે છે. જેની ઓફિસ નાના મવા રોડ રાજનગર ચોક પાસે ક્રિષ્‍ના કોમ્‍પલેક્ષમાં આવેલી છે. આથી હું અને મારા પતિ જગદીશભાઇ બંને ત્‍યાં ગયા હતાં. ત્‍યારે ઓફિસ ખાતે એક વ્‍યક્‍તિ હાજર હતાં. જેણે પોતાનું નામ રણજીત ગીરધરભાઇ મકવાણા હોવાનું કહ્યું હતું. અમે તેને મળી અનુસુચિત જાતીમાં આવતાં હોવાની વિગતો આપી વાવણી માટેની જમીન બાબતે વાત કરી હતી.

આથી રણજીત મકવાણાએ કહેલું કે અમારી મંડળીની જમીન ખીજડીયા ગામે આવેલી છે. આ જમીન તમારે વાવવા જોઇતી હોય તો તમારે મંડળીના સભ્‍યપદ માટે રૂા. ૧૦૦૦ ભરવા પડશે. આથી અમે તેના કહેવા મુજબ ૧૦૦૦ ફી ભરી દીધી હતી. ત્‍યારબાદ બીજા ત્રણ લાખ ભરવાનું કહેતાં અમે ઓફિસે જઇ ૧,૫૦,૦૦૦ ભર્યા હતાં. બાકીના ૧,૫૦,૦૦૦ પણ ભરપાઇ કરી દીધા હતાં. આમ કુલ તેને ૩,૦૧,૦૦૦ અમે આપ્‍યા હતાં. આ પછી અમે જમીનના કાગળો માટે પુછતાં તેણે કાગળોની કામગીરી એક બે મહિના સુધી ચાલતી હોય છે કાગળો થશે એટલે તમને આપી દેવામાં આવશે. તેમ કહ્યું હતું.

ત્‍યારબાદ થોડા દિવસો પછી અમે રાજનગર ચોક ખાતે આવેલી ઓફિસે તપાસ કરવા જતાં આ ઓફિસ બંધ થઇ ગયાનું જણાયું હતું. અમે સગા સંબંધી મારફત રણજીત મકવાણાની શોધખોળ કરી હતી પરંતુ પત્તો મળ્‍યો નહોતો અને તેનો ફોન ઉપર પણ સંપર્ક થતો ન હોઇ અને ફોન પણ તેણે બંધ કરી દીધો હોઇ છેતરપીંડી થયાની ખબર પડતાં અમે ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં ભારતીબેને જણાવતાં માલવીયાનગરના હેડકોનસ. કે. પી. મોરીએ પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં ગુનો નોંધતા આગળની તપાસ પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, પીએઅસાઇ એન. વી. હરિયાણી અને ટીમે હાથ ધરી છે.

દરમિયાન ફરિયાદીના પતિ જગદીશભાઇ સાગઠીયાએ જણાવ્‍યું હતું કે અગાઉ દલિત સમાજના એક કાર્યક્રમમાં મારી ઓળખાણ રણજીત મકવાણા સાથે થઇ હતી. તે તરઘડીયા ગામે રહેતો હોવાનું કહ્યું હતું અને બાદમાં તેણે રાજકોટ તાલુકા અનુસુચિત સામુદાયિક ખેતી સહકારી મંડળી લી.ના પ્રમુખ હોવાની અને ઓફિસ રાજનગર ચોકમાં આવેલી હોવાનું કહેતાં તેમજ ખેતીની જમીન આ મંડળી તરફથી અપાય છે તેવું કહેતાં અમે તેની પાસે ગયા હતાં. પરંતુ છેતરાઇ ગયા પછી તપાસ કરતાં ખબર પડી હતી કે રણજીત આ મંડળીનો પ્રમુખ નથી અને મંડળીની સાચી ઓફિસ કેકેવી ચોકમાં છે તથા તેના પ્રમુખ નિતીનભાઇ ચાવડા છે. આ ઉપરાંત અમે પૈસા ભર્યા બાદ અમને ખીજડીયા લઇ જઇ જમીન પણ બતાવી હતી. પરંતુ બાદમાં ખબર પડી હતી કે આ જમીન તો બીજાની માલિકીની છે. રણજીતે મંડળીની ખોટી ઓફિસ ચાલુ કરી છેતરપીંડી કરી હોવાનું અને બીજા લોકો પણ છેતરાયાનું વધુમાં જગદીશભાઇએ જણાવતાં તપાસ થઇ રહી છે. છેતરાયેલા લોકો તરઘડીયા તપાસ કરવા ગયા હતાં. પરંતુ રણજીત ત્‍યાં મળી આવ્‍યો નહોતો. તેમ પણ જણાવાયું હતું.

 

(1:02 pm IST)