Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

નાનામવા વિસ્‍તારમાં પાણીના ધીમા ફોર્સની ફરિયાદ : મહિલાઓ દ્વારા પાણી આપો... મનપા હાય હાયના સૂત્રોચ્‍ચાર

મનપા કચેરીએ બહેનોની મેયરને રોષ પૂર્ણ રજૂઆત : વોર્ડ નં. ૧૧ની સીલ્‍વર ગોલ્‍ડ રેસી., ગોલ્‍ડ રેસી., ગોવિંદ રત્‍ન, તિરૂપતી પાર્ક સહિત ૬૫૦ પરિવારોને પાણીની મુશ્‍કેલીઃ કોર્પોરેટરો માટે પ્રવેશબંધી : તાત્‍કાલિક પાણી સમસ્‍યા ઉકેલવાની મેયર પ્રદીપ ડવ તથા સ્‍ટે. ચેરમેન પુષ્‍કર પટેલની ખાત્રી

રાજકોટ તા. ૧૭ : ઉનાળો શરૂ થતાં જ શહેરના વિવિધ વિસ્‍તારોમાં પીવાના પાણીની મુશ્‍કેલીઓ ઉભી થવા લાગી છે. મનપા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણીના ફોર્સ અંગે ફરિયાદો ઉઠવા લાગી છે. બહેનોને પાણી ઓછું આવતા પારાવાર તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

શહેરના નાના મૌવાની વિવિધ સોસાયટીમાં ઓછા ફોર્સની ફરિયાદ લઇને મોટી સંખ્‍યામાં બહેનો આજે પાણી આપો... પાણી આપો... તથા મહાનગરપાલિકા હાય..હાય...ના સૂત્રોચ્‍ચાર કરી પ્‍લે કાર્ડ સાથે મનપા કચેરીએ ધસી ગયેલ. જ્‍યાં થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયેલ.

રજુઆત કરવા આવેલ બહેનોએ જણાવેલ કે, અમે સીલ્‍વર ગોલ્‍ડ રેસીડેન્‍સી, ગોલ્‍ડ રેસીડેન્‍સી, ગોવિંદરત્‍ન, તિરૂપતી પાર્ક સહિતની નાના મૌવા રોડની ૬ સોસાયટીઓમાં રહીએ છીએ. ઘણા સમયથી નળમાં પાણીનો ફોર્સ ઓછો આવતો હોવાની ફરિયાદો કોર્પોરેટરો તથા તંત્રને કરેલ હોવા છતાં કોઇ નિકાલ આવ્‍યો નથી. અમે ૬૫૦ જેટલા પરિવારો ઓછા પાણીથી હેરાન થઇ રહ્યા છીએ.

મનપા કચેરીએ આવેલ સોસાયટીના રહેવાસીઓ દ્વારા આ ૬ સોસાયટીમાં વોર્ડ નં. ૧૧ના કોર્પોરેટરોને આવવાની મનાઇ ફરમાવી છે. પાણીની તકલીફથી ત્રસ્‍ત બહેનોએ ભારે સૂત્રોચ્‍ચાર કરી મેયર સમક્ષ પાણી આપવા માંગ કરી હતી.

મેયર ડો. પ્રદીપ ડવે બહેનોની રજૂઆત સાંભળી ૮ દી'માં પાણીના ફોર્સની સમસ્‍યાના નિરાકરણની ખાત્રી આપી હતી. જ્‍યારે પુષ્‍કર પટેલે સ્‍ટેન્‍ડીંગ ચેરમેન સંબંધિત વિભાગના અધિકારીને આ વિસ્‍તારમાં પાણી સમસ્‍યા ઉકેલવા સુચના આપતા વોર્ડના ઇજનેર સહિતના સ્‍ટાફ દ્વારા પદાધિકારીની તાકિદે આ વિસ્‍તારમાં સર્વે સહિતની કામગીરી તાત્‍કાલિક ધોરણે હાથ ધરવામાં આવી હતી.

મેયરે ૮ દી'માં તકલીફના સમાધાન અંગે જણાવ્‍યું છે, પણ જો ૮ દી'માં નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ રજૂઆત કરવા આવેલ બહેનોએ ઉચ્‍ચારી હતી.

 ઉનાળાની શરૂઆતે એકતરફ મહાનગરપાલિકા દ્વારા પૂરતું પાણી હોવાના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે બીજીતરફ હકીકત કંઈક અલગ જ છે. વોર્ડ નં. ૧૧માં આવેલ નાના મવા રોડ પરની જુદી-જુદી ૬ સોસાયટીઓમાં ૫૦૦થી વધુ પરિવારો તરસ્‍યા હોવાનું સામે આવ્‍યું છે. આજરોજ આ વિસ્‍તારની સિલ્‍વર ગોલ્‍ડ રેસિડેન્‍સી ખાતે સ્‍થાનિકો મોટી સંખ્‍યામાં એકઠા થયા હતા. અને વિવિધ બેનરો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્‍યો હતો. આ સોસાયટીઓમાં છેલ્લા ૫-૬ વર્ષથી દરેક ઉનાળામાં પાણીની હાલાકી ભોગવવી પડતી હોવાનું અને આ મામલે અનેક રજૂઆતો છતાં કોઈપણ ઉકેલ આવતો નહીં હોવાનો સ્‍થાનિકોએ આક્ષેપ કર્યો હતો.

શહેરના નાનામૌવા રોડ નજીક આવેલ ઓમ રેસિડેન્‍સી, ગોલ રેસિડેન્‍સી તેમજ સિલ્‍વર ગોલ્‍ડ રેસિડેન્‍સી અને ગોવિંદ પાર્ક સહિત કુલ ૬ કરતા વધુ સોસાયટીઓમાં લાંબા સમયથી પૂરતું પીવાનું પાણી મળતું નથી. ચાલુવર્ષે ઉનાળાની શરૂઆતમાં પૂરતું પાણી મળવાનું બંધ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને આજે સિલ્‍વર ગોલ્‍ડ રેસી. ખાતે આ તમામ સોસાયટીઓનાં રહેવાસીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રગટ કરવામાં આવ્‍યો હતો. વિવિધ બેનરો સાથે સૂત્રોચ્‍ચાર કરી આ વિસ્‍તારનાં લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્‍યો હતો. તાજેતરમાં આ મામલે મેયરને રજૂઆતો કરવા છતાં સમસ્‍યા જેમની તેમ જ હોવાનું પણ લોકોએ કહ્યું હતું.

(3:13 pm IST)