Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

માધવપુરના મેળાના આયોજન અંગેની વિડિયો કોન્ફરન્સમા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં મેળા યોજવા અંગે ચર્ચા કરાઇ

મેળાના આયોજન અંગેની રૂપરેખા અને મેળાની તમામ વ્યવસ્થા વિશે પી.પી.ટી.ના માધ્યમથી વિસ્તૃત ચર્ચા

રાજકોટ:રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં  માધવપુરના મેળા અંગે રાજકોટ સહિત પાંચ જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ, ગાંધીનગર ખાતેથી માધવપુરના મેળા વિશે ઐતિહાસિક માહિતી ઓનલાઇન પૂરી પાડી હતી. આ વર્ષે માધવપુરના મેળાનું આયોજન ૩૦ માર્ચથી ૦૩ એપ્રિલ સુધી કરાયુ છે. તેમજ વર્ષ ૨૦૧૮માં યોજાયેલ મેળા અંગે ચર્ચા  કરાઇ હતી. જેમાં દેશના નવ રાજ્યોએ ભાગ લીધો હતો. સાંસ્કૃતિક મેળાના આયોજનનો મુખ્ય હેતુ પ્રવાસન, હસ્તકલા અને ખાનપાને ઉત્તેજન આપવાનો છે.

આ વર્ષના મેળાના આયોજન અંગેની રૂપરેખા અને મેળાની તમામ વ્યવસ્થા વિશે પી.પી.ટી.ના માધ્યમથી વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.

આ મેળા માટે રાજકોટ જિલ્લાને ૭૦ બસ ફાળવવવામાં આવશે. જેના થકી સાધુ સંતો, વૈષ્ણવ સંપ્રદાય, કૃષ્ણપંથી ભક્તો, ઇસ્કોન મંદિરનાં અનુયાયીઓ સહિતના લોકો માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જિલ્લામાં અભ્યાસ કરતા ઉતર પૂર્વ ભારતના  વિદ્યાર્થીઓને આમંત્રિત કરવા અંગે સુચના આપવામાં આવ્યા હતા.

 આ ઉપરાંત જિલ્લાના ખાનગી પ્રવાસન આયોજકોને સામેલ કરી ખાસ સુવિધા પૂરી પાડવા અંગે ચર્ચા કરાઇ હતી. મેળાનો મુખ્ય પ્રસંગ એટલે રુક્મણિજીના વિવાહ, દરિયાકાંઠે  રેત શિલ્પકારોની કલાનું પ્રદર્શન વગેરે અંગે પણ ચર્ચા કરાઈ હતી.

આ વિડીયો કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટર કે.બી.ઠક્કર, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, જી.એસ.આર.ટી.સી.ના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર વી.બી.ડાંગર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:01 am IST)