Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રાજકોટના થોરાળા વિસ્તારના ખુન કેસમાં પકડાયેલ બે-આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ,તા. ૧૮: રાજકોટના થોરાળા વિસ્તારમાં ધર્મેશભાઇ આનંદભાઇ ચાવડા ઉવ. ૩૭ની હત્યા કરવાના આરોપસર પકડાયેલ અને જેલમાં રહેલ આરોપી ભીખાભાઇ ચકુભાઇ ચાવડા અને રસીકભાઇ ચકુભાઇ ચાવડા રહે.રાજકોટવાળાએ જામીન કરતા સેશન્સ અદાલતના જજશ્રી પી.એમ.ત્રિવેદીએ આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, આ કામમાં મરણજનાર ધર્મેશભાઇ આનંદભાઇ ચાવડાનાઓની આ કામના અન્ય આરોપી ભીખાભાઇ ચકુભાઇ ચાવડા અને રસીકભાઇ ચકુભાઇ ચાવડા દારૂનો ધંધો કરતા હોય અને દારૂનો ધંધો કરવાની ના પાડેલ તે બાબતનુ મનદુઃખ ચાલતુ હોય તે મનદુઃખનો ખાર રાખી આ કામના તમામ આરોપીઓએ એક સંપ કરી લોખંડના પાઇપ, લાકડી છરીથી ઇજા પહોંચાડેલ જેના કારણે ગુજરનારનું મૃત્યુ થયાની ફરિયાદ ગુજરનારના પત્ની જયોત્સનાબેન ધર્મેશભાઇ ચાવડાએ કુલ (૧) રતાભાઇ પરમાર (૨) મૌલીકભાઇ પરમાર (૩) નરેશભાઇ દવેરા (૪) ભીખાભાઇ ચકુભાઇ ચાવડા (૫) રસીકભાઇ ચકુભાઇ ચાવડા આરોપીઓની સામે કરેલ.

સદરહું ફરિયાદના અનુસંધાને થોરાળા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૦૨,૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮ તથા જી.પી. એકટની કલમ ૧૩૫ (૧) હેઠળ ફરિયાદ નોંધેલ તેમજ સદરહું બનાવમાં ક્રોસ ફરીયાદ થયેલ હોય જેમાં મૌલીકભાઇ પરમારને ગુજરનારે છરી વતી હુમલો કરેલ તેથી થોરાળા પોલીસે મૌલીક પરમારની ફરીયાદ ઉપરથી ગુજરનારની સામે આઇ.પી.સી. કલમ ૩૨૬ વિગેરે કલમો હેઠળ ગુનો નોંધેલ.

ઉપરોકત ગુના સંબંધે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરેલ અને તે પૈકી ભીખાભાઇ ચકુભાઇ ચાવડા અને રસીકભાઇ ચાવડાએ જમીન પર છુટવા અરજી કરેલ હતી.

દલીલો તેમજ રજુ થયેલ દસ્તાવેજી પુરાવા લીસ્ટને ધ્યાનમાં લઇને સેશન્સ અદાલતના જજશ્રી પી.એમ.ત્રિવેદીએ આરોપી ભીખાભાઇ ચકુભાઇ ચાવડા અને રસીકભાઇ ચકુભાઇ ચાવડાને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી ભીખાભાઇ ચકુભાઇ ચાવડા અને રસીકભાઇ ચકુભાઇ ચાવડા વતી એડવોકેટ પીયુષભાઇ એમ.શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીવીદભાઇ પારેખ, નીતેષભાઇ કથીરીયા, જીતેન્દ્ર ધુળકોટીયા, વિજયભાઇ પટગીર, હર્ષિલભાઇ શાહ, રાજેન્દ્રભાઇ જોશી તેમજ પ્રકાશભાઇ પરમાર રોકાયેલા હતા.

(3:19 pm IST)