Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

માંડા ડુંગર પાસે એક મહિના પહેલા હુમલામાં ઘાયલ થયેલા નિલેષભાઇ સગપરીયાનું મોત

માસીના દિકરાને પેલટ બાબતે થયેલી માથાકુટમાં જયસુખ, સિધ્‍ધાર્થ, રામજી, રતન સહિતે હુમલો કર્યો હતો : સિવિલ અને ખાનગીમાં સારવાર લીધી હતીઃ એ પછી ઘરે હતાં: આજે પેટમાં દુઃખાવો ઉપડતાં ફરી દાખલ કરાયા ને દમ તોડયોઃ વિસેરા સહિતના રિપોર્ટ આવ્‍યા બાદ મોતનું કારણ બહાર આવ્‍યા પછી પોલીસ આગળની કાર્યવાહી કરશે

રાજકોટ તા. ૧૮: બેકબોન પાર્કમાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં નિલેષભાઇ રામજીભાઇ સગપરીયા (ઉ.વ.૪૮) ઉપર તા. ૧૯/૧૨/૨૦ના રોજ માંડા ડુંગર પાસે પ્‍લોટ બાબતના ડખ્‍ખામાં ધોકા-પાઇપ-ધારીયાથી હુમલો થયો હતો. આ બનાવમાં પોલીસે જે તે વખતે ૩૦૭ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડી લીધા હતાં. હુમલામાં ઘાયલ રામજીભાઇએ સારવાર બાદ રજા લીધી હતી અને ઘરે હતાં. આજે પેટમાં દુઃખાવો ઉપડયા બાદ ફરીથી હોસ્‍પિટલમાં ખસેડાતાં મોત નિપજ્‍યું હતું. પોસ્‍ટમોર્ટમ, વિસેરા સહિતના રિપોર્ટ આવ્‍યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્‍યા પછી પોલીસ જરૂર પડયે આઇપીસી કલમ ૩૦૨નો ઉમેરો કરશે.

નિલેષભાઇ સગપરીયા, તથા તેમના સાળા ગોવર્ધન સોસાયટીના મયુરભાઇ મગનભાઇ પટેલ (ઉ.૩૭) ૧૯મીએ પોતાના માંડા ડુંગર પાસે આરતી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયા-૩માં આવેલા કારખાને હતાં ત્‍યારે ત્‍યાંના પ્‍લોટ બાબતે જયસુખ જોગાવા, સિધ્‍ધાર્થ, રામજી, રતન સીહતે ધોકા-પાઇપ-ધારીયાથી હુમલો કર્યો હતો. જેમાં નિલેષભાઇ અને તેના સાળાને ઇજા થતાં સિવિલમાં ખસેડાયા હતાં.

એ પછી વધુ સારવાર માટે નિલેષભાઇને ખાનગી હોસ્‍પિટલમાં લઇ જવાયા હતાં. ત્‍યાંથી ૧૯ થી ૨૮મી સુધી સારવાર લીધા બાદ રજા લઇ ઘરે ગયા હતાં. આજે ઘરે હતાં ત્‍યારે પેટમાં દુઃખાવો ઉપડતાં ફરીથી ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

પોસ્‍ટ મોર્ટમ બાદ તબિબે વિસેરા લઇ પરિક્ષણમાં મોકલ્‍યા છે. અલગ અલગ ત્રણ રિપોર્ટ આવ્‍યા બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવે એ પછી પોલીસ જરૂર પડયે હત્‍યાની કલમ ૩૦૨નો ઉમેરો કરશે. હાલમાં એ.ડી. નોંધી પીઆઇ વી. જે. ચાવડા, જાવેદભાઇ રિઝવી, સ્‍મીતભાઇ સહિતે જરૂરી કાર્યવાહી કરી છે.

મૃત્‍યુ પામનાર નિલેષભાઇ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે.

(4:30 pm IST)