Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

લેન્‍ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ રાજકોટમાં નોંધાયો ત્રીજો ગુનો

મોટા મવાના ખેડૂત સાથે સરકારી ખરાબો નામે કરી દેવાના બહાને ૭૩ લાખની છેતરપીંડીઃ બે પકડાયા

તાલુકા મામલતદાર કે. એમ. કથીરીયાની ફરિયાદ પરથી મવડી પ્‍લોટ અમરનગરના બહાદુરસિંહ ચોૈહાણ, પાળ રોડના કેતન વોરા અને તપાસમાં ખુલે તેની સામે ગુનોઃ બે મુખ્‍ય સુત્રધારની પુછતાછ : મોટા મવાના અશ્વિનભાઇ પરસાણાએ કરેલી અરજીની તપાસ બાદ કલેક્‍ટર રેમ્‍યા મોહનના આદેશથી નોંધાવાઇ ફરિયાદ

મોટા મવામાં સરકારી ખરાબો પચાવી પાડવા ખોટા દસ્તાવેજો ઉભા કરી ખેડૂત અશ્વિનભાઇ પરસાણા પાસેથી કટકે કટકે ૭૩ લાખ રૂપિયા મેળવી લઇ છેતરપીંડી કરનારા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ જે. વી. ધોળાએ માહિતી આપી હતી (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૮: લેન્‍ડ ગ્રેબીંગ એક્‍ટના નવા કાયદા હેઠળ રાજકોટ શહેરમાં અગાઉ  તાલુકા પોલીસ અને પ્ર.નગર પોલીસમાં બે ગુના નોંધાયા હતાં અને આરોપીઓને પકડી લેવામાં આવ્‍યા હતાં. આવો ત્રીજો એક ગુનો તાલુકા પોલીસ મથકમાં દાખલ થયો છે. જેમાં મોટા મવાના રહીશ અશ્વિનભાઇ પરસાણાએ ગામમાં આવેલી પોતાની જમીનને લગત સરકારી ખરાબાની જમીન લેવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોઇ એ દરમિયાન આ જમીન તેના નામે કરી દેવાની લાલચ આપી બે શખ્‍સોએ તેને જમીન નામે થઇ ગયાના જુદા-જુદા ૧૦ ડોક્‍યુમેન્‍ટ આપી તેના બદલામાં કટકે કટકે રૂા. ૭૩ લાખ પડાવી લઇ છેતરપીંડી આચર્યાનું જણાવાતાં કલેક્‍ટરશ્રીના આદેશ બાદ તાલુકા મામલતદારે ફરિયાદી બની ગુનો દાખલ કરાવતાં બે આરોપીને સકંજામાં લેવાયા છે.

તાલુકા પોલીસે આ અંગે કુવાડવા રોડ વૃંદાવન એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૩૦૨માંરહેતાં મુળ જુનાગઢના વતની રાજકોટ તાલુકા મામલતદાર શ્રી કે. એમ. કથીરીયાની ફરિયાદ પરથી મવડી વિસ્‍તારના ચંદ્રેશનગર મેઇન રોડ અમરનગર-૨, ખોડિયાર નિવાસમાં રહેતાં બહાદુરસિંહ માનસિંહ ચોૈહાણ તથા મવડી પાળરોડ અમૃત ઓટો ગેરેજ સંસ્‍કાર સીટી ખાતે રહેતાં કેતન વોરા અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના કાયદાની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે.

મામલતદારશ્રી કથીરીયાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તા. ૧૨/૧/૨૧ના રોજ નાયબ કલેક્‍ટર કચેરી-૨ ખાતે મોટા મવાના રહેવાસી અશ્વિનભાઇ ધીરૂભાઇ પરસાણાએ લેખિત અરજી આપી હતી. જેમાં રાજકોટના મોટા મવા ગામના સર્વે નં. ૧૩૫/૧ની જમીન એકર ૦૫-૦૯ ગુઠા જમીનને લાગુ આવેલ સરકારી ખરાબાની સ.ન. ૧૮૦ પૈકીની જમીન લાગુ જમીન આપવા બાબતે તેમની સાથે થયેલી છેતરપીંડીની વિગતો હતી.

આ અરજી અન્‍વયે નાયબ કલેક્‍ટર દ્વારા વિગતવારનો અહેવાલ કલેક્‍ટરશ્રીની કચેરીમાં કરતાં ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ) અધિનીયમ-૨૦૨૦ના કાયદા હેઠળ નિમાયેલી સમિતીની ૧૫/૧/૨૧ના રોજ મળેલી બેઠકમાં સામાવાળા વિરૂધ્‍ધ એફઆઇઆર દાખલ કરવાનો કલેક્‍ટરશ્રીએ આદેશ કરતાં અમે તાલુકા પોલીસમાં ગુનો નોંધવા ફરિયાદ આપી હતી.

સાહેદ-અરજદાર અશ્વિનભાઇ પરસાણાએ મોટા મવા ગામના સર્વે નં. ૧૩૫/૧ને લાગુ ખરાબાના સર્વે નં. ૧૮૦ પૈકીની જમીન મેળવવા એકાદ વર્ષ પહેલા આરોપી કેતન વોરાનો સંપર્ક કર્યો હતો. કેતેને બહાદુરસિંહ નામની વ્‍યક્‍તિ સાથે મુલાકાત કરાવી હતી. કેતન અને બહાદુરસિંહે પહેલેથી જ અશ્વિનભાઇને છેતરવાનો ઇરાદો નક્કી કર્યો હોઇ અઇસલ સરકારી કાગળો જેવા જ અધારો બોગસ રીતે બનાવી ઉભા કર્યા હતાં. આ બોગસ ડોક્‍યુમેન્‍ટમાં મહેસુલ વિભાગ સચીવાલય ગાંધીનગરનો નંબર તારીખ વગરનો લેન્‍ડ રેવન્‍યુ કોર્ડ કલમ ૬૧ હેઠળ પગલા લેવા બાબતનો હુકમ તેમજ રૂા. ૬૧,૧૧૬ તા. ૫/૭/૨૦૧૭નું ચલણ, મહેસુલ વિભાગ ઓફિસ નં. ૩ સચીવાલય ગાંધીનગરનો જમીન ફાળવવા અંગેનો હુકમ, જમીન બાબતનો ગેઝેટ પત્ર, અશ્વિનભાઇ પરસાણાના નામનો મોટા મવાના ગામના ખાતા નં. ૭૧નો ગામ નમુના નંબર ૮- જમીનની ખાતાવહી સર્વે નં. ૨૦૦ ક્ષેત્રફળ હે.આ.રે. ચો.મી. ૦-૧-૧૯, મનીષ ધીરૂભાઇ પરસાણાના નામનો મોટા મવા ગામના ખાતા નં. ૭૧નો ગામ નમુના નંબર ૭ સર્વે નં. ૨૦૦ ક્ષેત્રફળ હે.આ.રે. ચો. મી. ૦-૧-૧૯, અશ્વિનભાઇ ધીરૂભાઇ પરસાણાના નામનો મોટા મવા ગામના ખાતા નં. ૭૧નો ગામ નમુના નંબર ૧૨ સર્વે નં. ૨૦૦ ક્ષેત્રફળ હે.આર. રે. ચો. મી. ૦-૧-૧૯, અશ્વિન ધીરૂભાઇ પરસાણાના નામનો મોટા મવા ગામના ખાતા નં. ૭૧નો ગામ નમુના નંબર ૮-અ જમીનની ખાતાવહી સર્વે નં. ૧/૮૦/પૈ ૨૦૧ ક્ષેત્રફળ હે.આ.રે. ચો.મી. ૦-૪૦-૧૯ તેમજ અશ્વિન ધીરૂભાઇ પરસાણાના નામનો મોટા મવા ગામના ખાતા નં. ૭૧નો ગામ નમુના નંબર ૭ સર્વે નં. ૧૮૦ પૈકી ૨૦૧ ક્ષેત્રફળ, અશ્વિન ધીરૂભાઇ પરસાણાના નામનો અન્‍ય એક ગામ નમુના નંબર ૧૨ સહિતના કુલ ૧૦ બોગસ ડોક્‍યુમેન્‍ટ ઉભા કરી લીધા હતાં.

 એ પછી અશ્વિનભાઇ પરસાણાની માલિકીની જમીનને લાગુ આવેલી સરકારી ખરાબાની જમીન સર્વે નં. ૧૮૦ પૈકીની જમીન લાગુ તરીકે ખેતીના હેતુ માટે અપાવી દેવાની લાલચ આપી અશ્વિનભાઇ પાસેથી ટૂકડે ટૂકડે રૂા. ૭૩,૦૦,૦૦૦ (તોંતેર લાખ) જેવી માતબર રકમ પડાવી લીધી હતી. પરંતુ અશ્વિનભાઇને બાદમાં પોતાની સાથે છેતરપીંડી થઇ રહ્યાની ખબર પડતાં કલેક્‍ટરતંત્રમાં અરજી કરી હતી. આ બાબતે પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ સમક્ષ વિડીયો રેકોર્ડિંગ તથા રૂબરૂ લીધેલા નિવેદન ઉપરથી ઠગાઇની પુષ્‍ટી થઇ હતી.

ફરિયાદમાં મામલતદારશ્રી કથીરીયાએ આગળ જણાવ્‍યું છે કે અશ્વિનભાઇ પરસાણા સહિતના મોટા મવા ગામના સર્વે નં. ૧૩૫/૧ની જનીમ એકર ૦-૫-૦૯ ગુંઠા જમીનને લાગુ આવેલી સરકારી ખરાબાની જમીન સ.નં. ૧૮૦ પૈકીની જમીન આવેલી છે જેમાં આરોપીઓ બહાદુરસિંહ ચોૈહાણ અને કેતન વોરાએ બોગસ દસ્‍તાવેજો ઉભા કરી સરકારી જમીન ઉપર કોઇ માલિકી હક્ક પ્રત્‍યક્ષ કબ્‍જો ન હોવા છતાં સરકારશ્રીના નામે મહેસુલ વ્‍ભિાગ, કલેક્‍ટરશ્રી, મામલતદારશ્રી તથા એનઆઇસીના નામે ખોટા આધારો ઉભા કરી સરકારી જમીન પચાવી પાડવાના ઇરાદે બોગસ ખોટા ડોક્‍યુમેન્‍ટ ઉભા કરી અસલ તરીકે અશ્વિનભાઇ પરસાણા સમક્ષ રજૂ કરી તેને વિશ્વાસમાં લઇ તેની પાસેથી રૂા. ૭૩ લાખ પડાવી લઇ ઓળવી જઇ છેતરપીંડી કરી હોઇ બંને આરોપી સામે ગુનો દાખલ કરાવાયો છે.

 પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએઅસાઇ ભરતભાઇ વનાણી, પદુભા રાણા સહિતે ગુનો દાખલ કર્યો છે. આગળની તપાસ ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં એસીપી જે. એસ. ગેડમ, પદુભા રાણા, ઇમ્‍તિયાઝભાઇ, જયંતિભાઇ રાઠોડ સહિતની ટીમે હાથ ધરી છે. બે આરોપીને પોલીસે પુછતાછ માટે બેસાડી દીધા છે. કોરોના ટેસ્‍ટ કરાવ્‍યા બાદ ધરપકડની કાર્યવાહી થશે. તેણે આ બોગસ ડોક્‍યુમેન્‍ટ કોની પાસે બનાવડાવ્‍યા? બીજા કોઇ આવા ગુના આચર્યા છે કે કેમ? તે સહિતના મુદ્દે તપાસ થશે.

આ ૧૦ બોગસ ડોક્‍યુમેન્‍ટ આરોપીઓ બહાદુરસિંહ અને કેતને ઉભા કર્યા હતાં

(૧) મેહેસુલ વિભાગ સચિવાલય ગાંધીનગર,  (૨) રૂા. ૬૧,૧૧૬નું ચલણ, (૩) મહેસુલ વિભાગનો જમીન ફાળવવા અંગેનો હુકમ, (૪) જમીનનો ગેઝેટ પત્ર, (૫) ખેડુતના નામના ગામ નમુના નંબરની ખાતાવહી કુલ ૬ મળી આવા દસ બોગસ ડોક્‍યુમેન્‍ટ ઉભા કરી દીધા હતાં અને ખેડૂત  પાસેથી કટકે કટકે ૭૫ લાખ રૂપિયા પડાવી લીધા હતાં

(4:29 pm IST)