Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ગીતો ચોપડીમાંથી નહિ ખોપડીમાંથી રેલાવું છું : ઓસમાણ મીર

રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વ અંતર્ગત મ્યુ. કોર્પોરેશન દ્વારા લોકડાયરો : મોર બની થનગનાટ કરે, માઁ નો પાલવ, વાલમ આવોને સહિતના ગુજરાતી ગીતોની રમઝટ રાત્રે ૯ કલાકે સ્વામીનારાયણ ચોક ખાતે બોલાવશે : શહેરીજનોને લોકડાયરા સહિતના કાર્યક્રમમાં ઉમટી પડવા શાસકપક્ષના દંડક અજય પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષ વાગડીયાનો અનુરોધ : 'ભૂમિ ટવેન્ટી-ટવેન્ટી' આલ્બમમાં સલીમ સુલેમાન - અરીજીતસિંહ - સુખવિંદરસિંહ તથા શ્રેયા ઘોષાલ સાથે ઓસમાણ મીર ગીતો રજૂ કરશે : આજે ઓસમાણ મીર, કાલે કિર્તીદાન ગઢવી તથા સોમવારે ગીતાબેન રબારીનો લોકડાયરોઃ ત્રણેય ઝોનમાં આયોજન : જયમીન ઠાકર

રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજે યોજાનાર લોકડાયરાના કલાકાર ઓસમાણ મીર, અજય પરમાર, જયમીન ઠાકર, આશિષ વાગડીયા સહિતના અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલ તે સમયની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮ : ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થઇ રહેલી હોય જો અંતર્ગત મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે ત્રણેય ઝોનમાં આજથી તા. ૨૦ સુધી ઓસમાણ મીર, કિર્તીદાન ગઢવી તથા ગીતાબેન રબારીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.  આજે રાત્રે ૯ કલાકે સ્વામીનારાયણ ચોક ખાતે ઓસમાણ મીર ગીતોની રમઝટ બોલાવશે. 

અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલ ઓસમાણ મીરે જણાવ્યું હતું કે, રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજકોટ શહેરમાં થઇ રહી છે ત્યારે આજે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં મોર બની થનગનાટ કરે, માનો પાલવ, વાલમ આવો ને સહિતના સુપ્રસિધ્ધ ગુજરાતી ગીતો રમઝટ બોલાવીશ.

વધુમાં ઓસમાણ મીરે જણાવ્યું હતું કે, હું ખોપડીમાંથી વધુ અને ચોપડીમાંથી ઓછું ગાવ છું. તેમણે તેમના આગામી સમયના નવા આલ્બમ વિશે ચર્ચા કરી હતી.

આ અંગે મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ,  સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા,  આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર એક સંયુકત યાદીમાં જણાવે છે કે, ત્રણેય ઝોનમાં નીચે મુજબની વિગતે અલગ અલગ જગ્યાએ યોજાનાર લોક ડાયરામાં કીર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, ઓસમાણ મીર તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

સેન્ટ્રલ ઝોન

તા.૧૮ના રોજ રાત્રે ૯ કલાકે, સ્વામી નારાયણ ચોક, પી.ડી. માલવીયા કોલેજ પાછળ લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય રાજયનાં મહિલા અને બાલ કલ્યાણ વિભાગના મંત્રી વિભાવરીબેન દવેનાં હસ્તે કરવામાં આવશે. જેમાં ઓસમાણ મીર તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

વેસ્ટ ઝોન

તા.૧૯નાં રોજ રાત્રે ૯ કલાકે, નાના મવા સર્કલ ગ્રાઉન્ડ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરીનાં હસ્તે કરવામાં આવશે. જેમાં કીર્તીદાન ગઢવી તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

ઈસ્ટ ઝોન

તા.૨૦નાં રોજ રાત્રે ૯ કલાકે, પાણીનાં ઘોડા પાસે, બાલક હનુમાન મંદિર, પેડક રોડ, ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય રાજયનાં અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો વિભાગના મંત્રી જયેશભાઈ રાદડીયાનાં હસ્તે કરવામાં આવશે. જેમાં ગીતાબેન રબારી તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

આ તમામ લોક ડાયરા કાર્યક્રમોમાં પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે મોહનભાઈ કુંડારિયા – સંસદસભ્ય, રાજકોટ,  કમલેશભાઈ મીરાણી – પ્રમુખ, રાજકોટ શહેર ભા.જ.પ.,  ધનસુખભાઈ ભંડેરી - ચેરમેન ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ, નીતિનભાઈ ભારદ્વાજ – પ્રદેશ ભાજપ અગ્રણી, ગોવિંદભાઈ પટેલ – ધારાસભ્ય, રાજકોટ, અરવિંદભાઈ  રૈયાણી – ધારાસભ્યશ્રી, રાજકોટ, લાખાભાઈ સાગઠીયા – ધારાસભ્ય, રાજકોટ, શ્રીમતી અંજલીબેન રૂપાણી – પ્રભારી, રાજકોટ શહેર ભા.જ.પ. મહિલા મોરચો ઉપસ્થિત રહેશે.

આ તમામ લોક ડાયરા કાર્યક્રમોમાં મુખ્ય મહેમાન તરીકે ભીખાભાઈ વસોયા -  પૂર્વ પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ, ભાનુબેન બાબરીયા – રાષ્ટ્રીય મંત્રી, અનુસુચિત જાતિ મોરચો, અશ્વિનભાઈ મોલીયા - ડે. મેયર, રાજકોટ મ્યુ.કો., દેવાંગભાઈ માંકડ - મહામંત્રી, રાજકોટ શહેર ભા.જ.પ., કિશોરભાઈ રાઠોડ - મહામંત્રી શ્રી, રાજકોટ શહેર ભા.જ.પ., જીતુભાઈ કોઠારી - મહામંત્રી શ્રી, રાજકોટ શહેર ભા.જ.પ. હાજર રહેશે.

આ તમામ લોક ડાયરા કાર્યક્રમોમાં અતિથી વિશેષ તરીકે દલસુખભાઈ જાગાણી - નેતા શાસક પક્ષ, રાજકોટ મ્યુ.કો., વશરામભાઈ સાગઠીયા – નેતાશ્રી વિપક્ષ, રાજકોટ મ્યુ.કો., અજયભાઈ પરમાર – દંડક, શાસક પક્ષ, રાજકોટ મ્યુ.કો. હાજર રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાનાં મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર  ઉદિત અગ્રવાલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા,  આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા તથા પદાધિકારીઓ દ્વારા રાજકોટનાં શહેરીજનોને આ લોક ડાયરા તથા કરાઓકે સંગીત આધારિત 'સૂરો કી સલામી' કાર્યક્રમમાં ઉમટી પડવા અનુરોધ કર્યો છે.

ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ વિદેશમાં પણ

રાજકોટ : આજના સમયમાં ગુજરાતી ફિલ્મના ક્રેઝ વિશે વાત કરતા ઓસમાણ મીરે જણાવ્યું હતું કે, ગુજરાત અને ભારતમાં તો ગુજરાતી ફિલ્મો જોવાઇ રહી છે. આ ઉપરાંત કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં લોકો થિયેટરમાં ગુજરાતી ફિલ્મો જોવા જઇ રહ્યા છે

(3:50 pm IST)