Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

કાલે કિશોરદાના સદાબહાર હિટ ગીતો ગુંજશે

ધી ગ્રેટ કિશોરકુમાર ફેન કલબ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે નવા વર્ષનો પ્રથમ કાર્યક્રમ

રાજકોટ, તા. ૧૬ : શહેરની સંગીતપ્રેમી જનતા માટે અને તેમાં પણ ''હરફન મૌલા'' એવા ફિલ્મ જગતના સીંગીંગ સુપરસ્ટાર કિશોરદાના ચાહકો માટે ખાસ આનંદની વાત કે કિશોરદાની યાદમાં તેમના નામને અને ગીતોને અમર રાખવા રાજકોટમાં ગુજરાતની પ્રથમ ''ધી ગ્રેટ કિશોરકુમાર ફેન કલબ'' દ્વારા કિશોરદાની યાદમાં તા.૧૯ના શનિવારના રોજ હેમુગઢવી નાટ્યગૃહ ખાતે ભવ્ય રંગારંગ મ્યુઝીકલ કાર્યક્રમ સાથે કલબનો નવો વર્ષનો પ્રથમ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે.

આ કાર્યક્રમ મુંબઈ તેમજ ગુજરાતના નામી કલાકારો વિનોદ શેષાદ્રી, આનંદ વિનોદ, અનુષ્કા ચઢ્ઢા, ક્રિષા ચીટનીસ તેમજ આર.ડી. ઠક્કર તેમજ જાણીતા મ્યુઝીક એરેન્જર સરગમ ગ્રુપ - વડોદરાના શ્રી મયુર પટેલ તેમજ તેમના પિતાશ્રી ભુપીદાદા અને તેમની સમગ્ર ટીમ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. કાર્યક્રમમાં પ્રથમ ગાયક શ્રી વિનોદ શેષાદ્રી કે જેઓ મુંબઈથી છે. જેઓએ ભારતમાં તેમજ ભારત બહાર વિદેશોમાં અનેક મોટા ગજાના કલાકારો સાથે પોતાની ગાયકીની કલા આપેલ છે. તેમજ તેઓ ટીવી શો ''કે ફોર કિશોર દા''ના રનરઅપ સીંગર થયેલ છે. જેઓએ અમિતકુમાર, સુદેશ ભોંસલે, કૈલાશ ખેર જેવા અનેક કલાકારો સાથે તેમણે પોતાનો કંઠ અને સથવારો આપેલ છે. સ્ટેજ ઉપર તેમનંુ લાઈવ પર્ફોર્મન્સ એટલુ અદ્દભૂત હોય છે કે તેમનો ચાહક વર્ગ સ્ટેજ કિંગ જેવા હુલામણા નામથી પણ ઓળખે છે.

આ કાર્યક્રમના બીજા ગાયક શ્રી આનંદ વિનોદ જેઓ વડોદરાથી છે. તેઓ પણ કિશોરકુમારની ગાયકી અને સ્ટેજ પર તેમના જેવી અદાકારી માટે ભારતમાં જ નહિં પરંતુ ભારત બહાર પણ વિદેશોમાં ખૂબ જ જાણીતા છે. કિશોરકુમારનું રોમેન્ટીક ગીત હોય કે રમતીયાળ ગીત હોય કે પછી રોડ સોંગ હોય, આનંદ પોતે એ ગીતોમાં ઓતપ્રોત થઈ ગીતને સ્ટેજ પર જીવંત કરી દયે છે. કિશોરકુમાર જેવી નટખટ સ્ટાઈલ માટે તેઓ સંગીત પ્રેમીઓમાં ખૂબ જ જાણીતા છે. આ કાર્યક્રમના ત્રીજા ગાયક શ્રીમતી અનુષ્કા ચઢ્ઢા કે જેઓ મુંબઈથી છે. તેઓ પણ કાર્યક્રમમાં લતાજીના કંઠે ગવાયેલા ગીતોને પોતાનો સુરીલો કંઠ આપીને સંગીત રસીકોને મોહી લેશે. કલાસીકલ ગીતો માટે તેઓ ખૂબ જ જાણીતા છે. કલાસીકલ સંગીતમાં તેઓ ભીંડી બજાર ઘરાનામાં તાલીમ લીધેલ છે. તેઓ ખૂબ જ લગન અને મહેનતથી કલાસીકલ સંગીતની સાધના કરે છે. જે તેમની ગાયકીમાં અચુક માણવા મળે છે. જેને લીધે ભારત અને વિદેશોમાં સંગીત પ્રેમીઓના દિલમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. તદ્દઉપરાંત મ્યુઝીક કંપનીઓના અનેક ટાઈટલમાં પોતાનો સુરીલો કંઠ આપી ચૂકેલ છે અને રાજકોટની સંગીતપ્રેમી જનતાને આવા દિગ્ગજ સીંગરને માણવાનો આ પ્રથમ વખત સોનેરી અવસર મળશે.

આ કાર્યક્રમના ચોથા ગાયક કુ.ક્રીષા ચીટનીસ કે જેઓ પુનાથી છે. આશાજીની આગવી છટાની ગાયકી માટે સંગીત પ્રેમીઓમાં ખૂબ જ જાણીતા અને મશહુર છે. જેઓ ખૂબ જ નાની ઉંમરમાં દેશ-વિદેશમાં પોતાની ગાયકીની આગવી છટાથી ગીતો રજૂ કરી પ્રેક્ષકોને ઝુમાવી દે છે. આ કાર્યક્રમના પાંચમા ગાયક શ્રી આર. ડી. ઠક્કર (પોપટ) જેઓ હિન્દી ફિલ્મ જગતના હરફન મૌલા ગાયક કિશોરકુમારના અવાજમાં પોતાના કંઠેથી પુરેપૂરો ન્યાય આપે છે. ટૂંકા ગાળાની મહેનત અને લગનથી ખૂબ જ મોટા ગજાના કલાકારો સાથે સ્ટેજ શોમાં પોતાની ગાયકી અને અવાજથી શ્રોતાઓના દિલમાં પોતાનું એક અલગ સ્થાન બનાવી ચૂકેલ છે. આ કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્દઘોષક શ્રીમતી ગાર્ગીબેન નિમ્બાર્ક દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમમાં સંગીતનો સથવારો ભારતમાં તેમજ દેશ-વિદેશમાં જેઓની બોલબાલા છે તેવા સરગમ ગ્રુપ - વડોદરાના શ્રી ભુપીદાદા તેમજ તેમના પુત્ર શ્રી મયુરભાઈ પટેલ કે જેઓએ ફિલ્મ જગતના અનેક મોટા ગજાના સંગીતકારો સાથે ખૂબ જ કામ કરેલ છે. તેમજ નામી કલાકારો સાથે સંગીતનો જાદુ પાથરી સફળતાના શિખરો સર કરેલ છે. તેઓ આ કાર્યક્રમમાં સંગીત આપી શ્રોતાઓને ભાવવિભોર કરી દેશે.

આ કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે મો.૯૪૨૭૨ ૦૦૦૫૫/ ૯૯૭૮૬ ૦૦૦૫૫ ઉપર સંપર્ક કરવા યાદી જણાવે છે. (૩૭.૧૬)

એક ટિકીટ સામે એક ટિકીટ ફ્રી : સંગીત પ્રેમીઓને આમંત્રણ

રાજકોટ : ધી ગ્રેટ કિશોરકુમાર ફેન કલબના વર્ષના પ્રથમ કાર્યક્રમ મેં કિશોરદાના ફેન માટે કલબ દ્વારા આ કાર્યક્રમ માણનારાઓને એક જંગી બોનસ ઓફર કરવામાં આવી છે. જેમાં ટીકીટબારી ઉપરથી જે ભાવની ટીકીટ ખરીદો તે જ ભાવની એક ટીકીટ તદ્દન ફ્રી મેળવી અને સજોડે અને ગ્રુપ સાથે સંગીતનો આનંદ માણવા રાજકોટની સંગીતપ્રેમી જનતાને સંગીતનો લ્હાવો લેવા આમંત્રણ અપાયું છે

(3:33 pm IST)