Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

આંધ્રપ્રદેશના કાકીનાડામાં રાષ્ટ્રીય મહિલા પરિષદ

 રાજકોટ : મહિલા સંગઠન અખિલ હિન્દ મહિલા પરિષદની ૯૧મી રાષ્ટ્રીય પરિષદ આંધ્રપ્રદેશના કાકીનાડા ખાતે દેશના પ્રત્યેક રાજ્યના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પરિષદ અધ્યક્ષા શ્રીમતી રાકેશ ધવનના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ મહત્વપૂર્ણ પરિષદમાં મહિલા સુરક્ષા, કોૈશલ્યવર્ધન પ્રશિક્ષણ સ્થાનિક સ્વરાજયમાં ચૂંટાયેલી મહિલાઓની સક્ષમતા તેમજ કાનુની પ્રશિક્ષણની સર્વગ્રાહી વ્યવસ્થા નિષ્પન્ન કરવા સહિતના મહિલા જગત માટેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. અખિલ હિન્દ મહિલા પરિષદના પશ્ચિમ ભારતના ઝોનલ ઓર્ગેનાઇઝર શ્રીમતી ભાવના જોશીપુરાએ આ પ્રસંગે સવિશેષ રીતે કોૈશલ્યવર્ધન માટેની ગુજરાત મોડેલની રૂપરેખા રજુ કરવાની સાથે મહિલા સ્વાવલંબન પ્રવૃતિ રજુ કરતા દેશભરમાંથી સાર્વત્રિક સ્વરૂપે પ્રશંસા પ્રાપ્ત કરી હતી અને કચ્છની મહિલાઓ તેમજ સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં વસતી મહિલાઓને કેન્દ્રમાં રાખી વ્યવસાયગત સજ્જતા બક્ષી અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર નિદર્શીત કરવા પર ખાસ હિમાયત કરવામાં આવી હતી. ત્રિદિવસીય રાષ્ટ્રીય પરિષદ દરમ્યાન ખાસ કરીને રાષ્ટ્રીય મહિલા આયોગ તેમજ રાજ્યના મહિલા આયોગની કામગીરીને વધુ સક્ષમ અને અસરકારક બનાવવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. પરિષદના મહામંત્રી શ્રીમતી સુ.શ્રી કલ્યાણી રાજે આ પ્રસંગે કેન્દ્ર સરકારની વિવિધ મહિલા કલ્યાણકારી યોજના ઉપર અભ્યાસપૂર્ણ વકતવ્ય આપ્યું હતું. બાળઅપરાધ તેમજ મહિલા સુરક્ષાના ૅૅક્ષેત્રમાં પુર્નવસવાટ અને પ્રશિક્ષણ માટે રાજકોટે કરેલ કામગીરી રાષ્ટ્રીય સ્તર ઉપર રજુ કરવામાં આવી હતી જેને સમગ્ર દેશમાંથી આવકાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય કોષાધ્યક્ષ મંજુ કાંક, શ્રીમતી ગોમતી, શ્રીમતી બીના જૈન, શ્રીમતી વીણા કોહલી તેમજ પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી શિવાનીબેન મહેતા (ગુજરાત) ઉષા નાયર (ત્રિવેન્દ્રમ), શીખા મિત્રા (કલકત્તા), ભગવતી સ્વામી (જયપુર) અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. લક્ષ્મી ગાંધી (બારડોલી) તેમજ ૯૮ વર્ષના યુવાનોને શરમાવે તેવી સ્ફુર્તિ ધરાવતા અમેરિકા સ્થિત શ્રીમતી લક્ષ્મીબેન ઉપાધ્યાય ખાસ હાજર રહયા હતા. સમગ્ર રાષ્ટ્રીય પરિષદને સફળ બનાવવા શ્રીમતી કલ્પકમ યેચ્ચુરીજીના માર્ગદર્શન અંતર્ગત ભાનુમતિ અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી.

(2:50 pm IST)