Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

કિચનવેરની આઈટમોના ઉત્પાદનમાં રાજકોટ દેશમાં અવ્વલ

કિચનવેરમાં જુદી - જુદી ૪૦૦ થી ૫૦૦ આઈટમોનું થઈ રહેલ ઉત્પાદન : વધુમાં વધુ રોજગાર આપતો ઉદ્યોગ : ચીન પણ મ્હાત આપી શકયુ નથી, ગેસ લાઈટરના ઉત્પાદનમાં તો દેશમાં નંબર ૧ : રાજકોટ કિચનવેર મેન્યુફેકચર્સ એસોસીએશન દ્વારા રવિવારે સ્નેહમિલન : ગોવિંદભાઈ પટેલ અને નરેશભાઈ પટેલની વિશેષ હાજરી : જલજીતભાઈ અમીપરા - મહેશભાઈ પીપળવા

રાજકોટ, તા. ૧૭ : શ્રી રાજકોટ કિચનવેર મેન્યુફેકચર્સ એસોસીએશન દ્વારા આગામી તા. ૧૯ના રવિવારના રોજ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.

અહિંના રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશન હોલ (ભકિતનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ) ખાતે ૧૯મીના રવિવારે સાંજે ૫ વાગ્યાથી આયોજીત આ સ્નેહમિલન અંગેની વિગતો આપવા 'અકિલા' કાર્યાલયે કીચનવેર પરિવારના સભ્યોએ જણાવેલ કે આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ અને ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.

શ્રી રાજકોટ કિચનવેર મેન્યુફેકચર્સ એસોસીએશનના આગેવાનોએ જણાવેલ કે કિચનવેરની ૯૦% આઈટમોનું ઉત્પાદન  દેશભરમાંથી રાજકોટમાં જ થાય છે. ચીન જેવું ચીન પણ રાજકોટને મ્હાત કરી શકયુ નથી. તો ગેસના લાઈટરનું ઉત્પાદન કરવામાં રાજકોટ નં.૧ છે.

કિચનવેર ઉદ્યોગમાં માત્ર રાજકોટની જ વાત કરીએ તો આ ઉદ્યોગમાં હાલ ૮૦૦ થી ૯૦૦ ઈન્ડસ્ટ્રીઝ છે. આ ઉપરાંત વધુમાં વધુ રોજગારી આપતો ઉદ્યોગ પણ છે. ૩૦ થી ૪૦% મહિલાઓ પોતાના ઘરે કામ કરી રોજગારી મેળવે છે.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી રોમટીરીયલ્સમાં અસહ્ય ભાવવધારાના કારણે ઉદ્યોગકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં રોમટીરીયલ્સમાં ૪૦%નો અસહ્ય ભાવવધારો થયો છે.

કિચનવેર પરિવાર આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં સર્વે સભ્યોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ અપાયુ છે.

તસ્વીરમાં 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રાજકોટ કીચનવેર મેન્યુફેકચર્સ એસોસીએશનના પ્રમુખ શ્રી જલજીત અમીપરા (મો.૯૮૨૪૨ ૧૭૪૮૦), ઉપપ્રમુખ શ્રી હેમંત કાપડીયા (મો.૯૮૨૫૬ ૧૯૯૫૦), મંત્રી શ્રી મહેશભાઈ પીપળવા (મો.૯૩૭૫૭ ૧૪૫૭૫) અને કમીટી મેમ્બર શ્રી હિતેષ મુંગલપરા (મો.૯૨૨૭૬ ૦૬૬૬૭) તથા કૌશિક ચાવડા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:54 pm IST)