Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

શાપર-વેરાવળમાં આસામના યુવક રૂપમની હત્યા કોણે કરી ? પોલીસ તપાસનો ધમધમાટ

મૃતક રૂપમ બે વર્ષ પહેલા શાપરમાં રહેતો હતો, હાલ ત્યાં રહે છે ? તે અંગે છાનભીન્ન શરૂ

રાજકોટ, તા. ૧૭ :. શાપર-વેરાવળમાં ગઈકાલે પરપ્રાંતીય અજાણ્યા યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળ્યા બાદ આ યુવક આસામનો હોવાનું ખુલતા તેની હત્યા કોણે કરી ? તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં આવેલ ગંગા ફોર્જિંગ ગેઈટ અંદર આવેલ બાલાજી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં અવાવરૂ જગ્યાએ અજાણ્યા પુરૂષની લાશ પડી હોવાની શાપર-વેરાવળ પોલીસને જાણ કરાતા પીએસઆઈ વી.બી. બરબચીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં મૃતક રૂપમ શૈલેન્દ્રદાસ રહે. બેટા ગામ, જિલ્લો બકસા, આસામ (સ્ટેટ)નો હોવાનું ખુલ્યુ હતું. મૃતક યુવાનની શાપરમાં કામ કરતા આસામના શ્રમિકોએ ઓળખ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર રૂપમ બે વર્ષ પહેલા શાપરમાં પી.એસ. પ્લાય નામના કારખાનામાં કામ  કરતો હતો. જો કે હાલ તે કયાં રહેતો હતો અને કયા કારખાનામા મજુરી કરતો હતો તે વિશે કોઈ માહિતી ન મળતા પોલીસે છેલ્લે તે કયાં રહેતો હતો ? તે અંગે છાનભીન્ન શરૂ કરી છે.

પીએમ રીપોર્ટમાં મૃતક રૂપમની ગળુ દબાવી હત્યા કરાયાનું ખૂલ્યુ છે. જ્યાંથી લાશ મળી તે જગ્યાએ હત્યા થઈ કે અન્ય કોઈ જગ્યાએ હત્યા કરી લાશ ફેંકી દેવાઈ ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતકના આસામમા રહેતા પરિવારજનોનો પોલીસે સંપર્ક કરી જાણ કરતા તેના પરિવારજનો શાપર આવવા રવાના થઈ ગયા છે. મૃતક રૂપમનું હાલનુ સરનામુ મળી જાય તો હત્યા પાછળના કારણ અને આરોપીઓ વિશે પોલીસને ચોક્કસ દિશા સાંપડે તેવી શકયતા છે.

(2:52 pm IST)