Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

રાજકોટ ઠુઠવાયુઃ ૯.૨ ડીગ્રી

શહેરમાં સીઝનમાં સૌપ્રથમ વખત ઠંડીનો પારો સિંગલ ડીજીટે પહોંચ્યો : ત્રણ - ચાર દિવસ ઠંડા પવનોના જોર વચ્ચે કાતિલ ઠંડીનો દોર જારી રહેશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૧૭ : ડિસેમ્બરનો અડધો મહિનો પૂરો થઈ ગયો છે. છેલ્લા બે- ત્રણ દિવસથી ઠંડીએ તેનો અસલ મિજાજ બતાવવાનો શરૂ કરી દીધો છે. સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં ઠંડીનો જોરદાર રાઉન્ડ જારી છે ત્યારે રાજકોટ શહેરમાં આજે ન્યુનતમ તાપમાન ૯.૨ ડિગ્રી નોંધાયુ છે. શહેરીજનો ઠુઠવાયા છે.

હવામાન વિભાગે જણાવ્યુ છે કે ત્રણ-ચાર દિવસ કાતિલ ઠંડીનો દોર જારી રહેશે. અમુક શહેરોમાં ન્યુનતમ તાપમાનનો પારો સીંગલ ડીજીટમાં જ જોવા મળશે. ઠંડા પવનનું પણ જોર રહેશે.

દરમિયાન રાજકોટ શહેરમાં આજે ૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ગઈકાલે ૧૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયેલ. છેલ્લા ત્રણ થી ચાર દિવસમાં લઘુતમ તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે તો આજે તો પારો સિંગલ ડીજીટમાં પહોંચી ગયો છે.

શહેરીજનો ઠંડીમાં ઠુઠવાઈ ગયા છે. લોકો ગરમ વસ્ત્રોમાં જ જોવા મળે છે. ઠંડીથી બચવા તાપણાનો પણ સહારો લઈ રહ્યા છે. તો ચા, કોફી સહિતના ગરમ પીણાનો લોકો સહારો લઈ રહ્યા છે.

રાજકોટ શહેરમાં બે - ત્રણ દિવસ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીની નીચે જ રહેવાની પૂરેપૂરી શકયતા છે. કાતિલ ઠંડીની સાથે બર્ફીલા પવનનું પણ જોર રહેશે.

(3:20 pm IST)